ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો.

શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું જ્ઞાન ભક્તિ દ્વારા થાય છે. ભક્તિથી ચરણારવિંદનું સ્વરૂપ સમજીને લાંબા સમય સુધી સારી રીતે આદરપૂર્વક એ ચરણોનું ધ્યાન કરવું. આને ‘ચરણભક્તિ’ કહેવામાં આવે છે. આવી ચરણભક્તિ ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે. પ્રભુનાં ચરણમાં સોળ અલૌકિક ચિહ્નો રહેલાં છે. વજ્રનું ચિહ્ન ભક્તોનાં પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે, અંકુશનું ચિહ્ન ભક્તોના મનરૂપી હાથીને વશમાં રાખે છે, ધ્વજાનું ચિહ્ન એમ બતાવે છે કે જે ભક્તો પ્રભુનાં ચરણમાં રહે છે તેમના સર્વ ભય દૂર થાય છે. ચરણકમળનું સુખથી સેવન થઈ શકે છે એમ જણાવવા કમળનું ચિહ્ન છે.

આવાં ષોડશ ચિહ્નોથી યુક્ત પ્રભુનાં ચરણ છે. આ ચરણોને ભક્તિના અધિષ્ઠાતા દેવ કહ્યા છે. આપણે ધ્યાન કરીએ છીએ તેનો સંબંધ મન સાથે છે. તેથી મન શુદ્ધ ન હોય તો ધ્યાન થઈ શકતું નથી. મનમાં રહેલા પાપ અને અશુદ્ધિનો નાશ ભગવદ્ચરણના સ્પર્શથી થાય છે. ભગવદ્ચરણ પાપનો નાશ કરે છે અને સાથે-સાથે દેહ અને મનને, શુદ્ધ અને પવિત્ર કરે છે. આમ, ભગવદ્ચરણના સ્પર્શથી મન શુદ્ધ થતાં લાંબા સમય સુધી પ્રભુનું ધ્યાન કરી શકાય છે, તેથી મન આધિદૈવિક બને છે.

શ્રીમહાપ્રભુજીએ પ્રભુનાં ચરણકમળનાં ત્રણ સ્વરૂપ બતાવ્યાં છે. સત્સંગ અને શ્રીમદ્ ભાગવત ભગવાનનાં આધિભૌતિક ચરણ છે. સત્સંગ એટલે જ્ઞાન અને ભાગવત એટલે ભક્તિ. તેથી જ્ઞાન અને ભક્તિ એ બંને પ્રભુના આધ્યાત્મિક ચરણ છે. જીવનાં જ્ઞાન અને ભક્તિ સત્સંગ અને શ્રીમદ્ ભાગવતનાં સેવનથી વધે છે. તેથી પ્રસન્ન થયેલા પ્રભુનાં સાક્ષાત્ અલૌકિક ચરણારવિંદ આધિદૈવિક છે.

જ્ઞાન અને ભક્તિ એ હૃદયનો વિષય છે. તેથી સત્સંગ અને શ્રીમદ્ ભાગવત દ્વારા જ્ઞાન અને ભક્તિરૂપી આધ્યાત્મિક ચરણો આપણા હૃદયમાં બિરાજે છે, ત્યારે આપણને ભગવાનના સાક્ષાત્ અનુભવ માટેનો વિરહ થાય છે. આ વિરહથી પ્રભુ માટેનો સર્વાત્મ ભાવ પ્રકટે છે. તે દ્વારા પ્રભુનો હૃદયમાં સાક્ષાત્ પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે પ્રભુનાં આધિદૈવિક ચરણોને સ્પર્શ થતાં જ ભક્તનો દેહ તનુ-નવત્વ પામે છે. જેમ લોખંડને પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સોનું બને છે, તેમ પ્રભુના સાક્ષાત્ ચરણના સ્પર્શથી આપણો દેહ પણ આધિદૈવિક બને છે.

આપણે પ્રભુનાં બે ચરણ સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરી શકીએ. ચરણ સુધી પહોંચવું એટલે ચરણની રજને ધારણ કરવી, ચરણનો આશ્રય કરવો, ચરણમાં દૃઢતા રાખવી. જે જીવ આમ પ્રભુના ચરણને પકડી રાખે છે તેનું સર્વ કંઈ પ્રભુ સંભાળી લે છે.

ભગવાનમાં જેમ ઐશ્વર્ય વગેરે છ ગુણો રહ્યા છે, તેમ પ્રભુનાં ચરણકમળમાં પણ નીચેના છ ગુણો રહેલા છેઃ (૧) અનન્યભાવવાળા શરણાગત જીવોની ઈચ્છા પૂરી કરવી. (૨) સેવાનું દાન કરવું. (૩) પ્રભુની કીર્તિ પ્રસારવી. (૪) કલ્યાણ કરવું. (૫) લૌકિકમાં વૈરાગ્ય કરાવવો. (૬) ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવી. આ છ ગુણોનું દાન કરવામાં ભગવાન કરતાં પણ ભગવાનનાં ચરણકમળ વધુ ફલરૂપ છે; કારણકે ભગવાનનાં ચરણકમળનું ધ્યાન દુઃખના સમયમાં કરવામાં આવે તો તે ચરણકમળ દુઃખને દૂર કરે છે.

પ્રભુના ચરણકમળના ૧૦ ધર્મ પણ સમજવા જેવા છે. (૧) તે સર્વદા બિરાજે છે. (૨) તે પ્રશાંત છે. (૩) તે જ્ઞાનરૂપ છે. (૪) તે આનંદરૂપ છે. (૫) તે સદ્રૂપ છે. (૬) તે કાર્યકારણથી પર છે. (૭) તે આત્માનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. (૮) તેમનો મહિમા વાણીથી ગવાઈ શકતો નથી. (૯) તે સુખરૂપ છે. (૧૦) તે પરમાનંદરૂપ છે.

આવાં પ્રભુનાં ચરણનો સ્પર્શ થવો ખૂબ દુર્લભ છે. તેમાં યે ભગવાન પોતે કૃપા કરીને પોતાનાં ચરણોનો સ્પર્શ કરાવે એ તો વિશેષ દુર્લભ છે. ભગવાનનાં ચરણમાં ગંગાજી વગેરે તીર્થો રહેલાં છે, અલૌકિક અમૃતરસ રહેલો છે અને ભક્તોનો નિવાસ પણ એ ચરણકમળમાં જ છે. આટલી બધી અલૌકિક વસ્તુઓ ભગવાનનાં ચરણોમાં હોઈ, આ ચરણ સર્વ દોષ દૂર કરનારાં છે. તેથી સર્વ લીલા સામગ્રી સહિત સર્વ લીલા પ્રભુના ચરણમાં છે. માટે પ્રભુના ચરણની પ્રાપ્તિ થતાં સર્વની પ્રાપ્તિ થાય છે. ભગવદીય દેહ વિના ભગવાનનો સાક્ષાત્ સંબંધ થતો નથી. ભગવદીય દેહની પ્રાપ્તિ ભગવાનનાં ચરણારવિંદની રજથી થાય છે. તેથી ભગવાનનો સાક્ષાત્ સંબંધ પ્રાપ્ત કરવા માટે ભક્તો ભગવાનનાં ચરણારવિંદનો દૃઢ આશ્રય કરીને રહે છે.

શ્રીગુસાંઈજી મંગલાચરણમાં શ્રીમહાપ્રભુજીને વંદન કરતા કહે છેઃ ‘જેમનાં ચરણકમળની રજ ચિંતા અને તેના પરિવારનો નાશ કરનારી છે એવા શ્રીઆચાર્યચરણને હું વારંવાર પ્રણામ કરું છું.’ શ્રીગોપીજનો પણ ગોપીગીતમાં શ્રીપ્રભુને વિનંતી કરે છે કે ‘અમારાં હૃદય અને મસ્તક ઉપર આપનાં ચરણારવિંદ પધરાવો.’ પ્રભુને પધરાવવા વ્રજમાં આવેલા અક્રુરજી પણ વ્રજની રજમાં બિરાજતાં, પ્રભુનાં ચરણારવિંદને વંદન કરી, એ રજ મસ્તકે ધારણ કરે છે. વ્રજભક્તોનાં ચરણની રજને ભગવાનના પરમ સખા અને જ્ઞાની ભક્ત એવા ઉદ્ધવજી વંદન કરે છે. શ્રીહરિરાયજી ‘શિક્ષાપત્ર’માં અનેક સ્થળે શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળને વંદન કરી, એ ચરણારવિંદમાં ચિત્તબુદ્ધિને સ્થિર રાખવાની આજ્ઞા કરે છે. અનેક મહાનુભાવ ભગવદીયોએ શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી, શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીનાં ચરણકમળનો મહિમા અનેક પદોમાં ગાયો છે.

આથી જ આપણે વારંવાર શ્રીપ્રભુનાં અને શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળમાં સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરીએ છીએ. સેવામાં શ્રીપ્રભુનાં ચરણકમળમાં તુલસી સમર્પી, ગદ્યમંત્ર બોલી ચરણસ્પર્શ કરીએ છીએ. શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળને પણ સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરી, ભાવપૂર્વક તેમનાં ચરણસ્પર્શ કરીએ છીએ અને તેમને કેસરસ્નાન કરાવી, એ જળનું પાન કરીએ છીએ, તેને હૃદય અને મસ્તકે લગાડીએ છીએ.

ભગવદ્ ચરણારવિંદની રજથી આપણું બાહ્ય અને આંતરિક શરીર શુદ્ધ બનતું હોવાથી આપણી અશુદ્ધ સ્થિતિમાંથી શુદ્ધ થવા માટે ચરણામૃત લઈએ છીએ. આ ચરણામૃતમાં વ્રજરજ હોય છે અને તેમાં શ્રીનાથજીના સ્નાનનું જળ પધરાવવામાં આવે છે. વ્રજરજ પણ ભગવદ્ ચરણારવિંદથી ભગવદ્ રૂપ બનેલ છે. તેમાં ભગવદ્ ચરણારવિંદના સ્પર્શવાળું જળ મળતાં તે ચરણામૃત બને છે. આ ચરણામૃત આપણા મનના સર્વ વિકારોને દૂર કરી, તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

ભગવદ્ ચરણોમાં દંડવત્ કરવાથી આપણામાં દીનતા આવે છે, આપણું અભિમાન ઓગળી જાય છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવ પાસે દીનતાયુક્ત નમન સિવાય અન્ય કોઈ સાધન નથી, માટે ઘણા વૈષ્ણવો શ્રીગિરિરાજજીની દંડવતી પરિક્રમા પણ કરે છે. માટે, સેવામાં વિવધ સમયે પ્રભુને દંડવત્ કરવાની રીત છે.

એક બીજી વાત પણ સમજવા જેવી છે. પ્રભુનાં ચરણસ્પર્શ કરીએ, શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળનાં પણ ચરણસ્પર્શ કરીએ, તેમને દંડવત્ કરીએ અને છતાં તેમની આજ્ઞાનું પાલન ન કરીએ તથા તેમનાં સુખ માટે પ્રયત્નશીલ ન રહીએ તો તે સાચી ચરણભક્તિ નથી. ચરણભક્તિ ત્યારે જ સિદ્ધ થઈ કહેવાય, જ્યારે આપણે તેમની આજ્ઞા પ્રમાણે જ જીવન પણ જીવીએ અને આપણું જીવન તેમના સુખ માટે જ હોય.’

હવે સમજાશે કે સૂરદાસજીએ ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોસો’ એ પદ શા માટે ગાયું હશે! આપણે જરૂરથી એવી કાળજી લઈએ કે આપણાં વસ્ત્રો દંડવત્ કરવામાં રૂકાવટ કરનારાં ન હોય. સૌ ભગવદ્ સ્વરૂપોને દીનતા અને પ્રેમથી કેવળ પંચાંગ જ નહીં પણ સાષ્ટાંગ દંડવત્ કરી, તેમનાં ચરણસ્પર્શ કરી, એ ચરણરજને નેત્રોએ, મસ્તકે, ગળા ઉપર અને હૃદય ઉપર લગાડીએ, જેથી એ ચરણરજથી પવિત્ર બનેલ નેત્રો ભગવદ્ દર્શનનો આગ્રહ રાખે, મસ્તક ભગવદ્ સ્વરૂપના ચિંતનનો આગ્રહ રાખે, ગળું ભગવદ્ ગુણગાનનો આગ્રહ રાખે અને એ હૃદય પ્રભુને બિરાજવાનું શુદ્ધ પવિત્ર ધામ બને!

 • Share/Bookmark

Comments

4 Responses to “ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?”
 1. Ashwin Shah says:

  ki.rtn ane dhol-pd vachee sho tafaavt che , te jaan krvaa vinanti

 2. Anand says:

  સામાન્ય રીતે વ્રજભાષામાં રચાયેલા પદોને “કીર્તન” કહે છે અને ગુજરાતીમાં રચાયેલા પદોને “ધોળ″ કહે છે.

 3. Anil Patel - Mumbai says:

  Very Very Grateful to receive “Vaishnav Parivar” On line.

 4. Anil Patel - Mumbai says:

  Very Grateful to have nice, informative and logical explanation on Why everyone should Bow to Shree Thakorji’s Charanarvind.

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!