“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૫)

holi-3

કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય ત્યારે રસનો ઉન્માદ વધે છે.

ભાવરૂપે કૃષ્ણનો વિકાસ કઈ રીતે થાય છે અને એ વિકાસ જમીનમાં નહિ પણ ભક્તોના હૃદયમાં કેવી રીતે થાય છે, જેમ એક બીજ રોપ્યા પછી વિશાળ વૃક્ષ બને, વૃક્ષને ફૂલ આવે અને ફળ આવે, ત્યારે એ ફલફૂલવાળું વૃક્ષ કેટલું સુંદર, રસાળ અને મનગમતું બને છે, એમ કૃષ્ણ પણ એક શૃંગારકલ્પદ્રુમ સ્વરૂપે ભક્તોના હૃદયમાં કેવી રીતે વિકાસ પામે છે, એ દર્શાવતો એક બહુ સુંદર શ્લોક શ્રીગુસાંઈજીએ રચ્યો છે.

ભાવૈરંકુરિતંમયિ મૃગદુષા માકલ્પમાસંચિતં

પ્રેમ્ણાકંદલિતં મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમં ।

લોલ્યૈ પલ્લવિતં મુદા કુસુમિતં પ્રત્યાશયા પુષ્પિતં

લીલાભિઃ ફલિતં ભજે વ્રજવનિ શૃંગારકલ્પદ્રુમં ।।

આ શૃંગારકલ્પદ્રુમનું બીજ છે ભાવ. ભક્તોના – ગોપીજનોના હૃદયમાં ભાવ ક્યારે આવ્યો? શ્રુતિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો અને ઋષિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો? પ્રારંભના કાળમાં ભગવાનની અનેક લીલાઓ હૃદયમાં સ્ફૂરાયમાન થઈ, એ લીલાઓએ આનંદનો અનુભવ અક્ષરબ્રહ્મ સુધીનો કરાવ્યો. પરંતુ પરમાનંદ હજુ કાંઈક અનુભવાતો ન હતો. ભગવાને જ એમના હૃદયમાં પરમાનંદની પ્રાપ્તિ માટે તાપ મૂક્યો. ભગવાને જ એમને વરદાન આપ્યું.

‘પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપીઓ ભવિષ્યતઃ’ સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપીજનો થઈને પધારશો.’ એ સમયનો તાપ હતો કે ક્યારે પ્રભુ સારસ્વત કલ્પમાં અવતાર લે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પધારે અને ક્યારે પોતાના પૂર્ણ રસાનંદ સ્વરૂપનો અમને અનુભવ કરાવે. ભાવૈઃ અંકુરિતં, આકલ્પમાસંચિતં – બે અર્થો છે. આસંચિતૈઃ ભાવૈઃ – એક કલ્પ સુધી સંઘરી રાખેલો ભાવ. એ ભાવ પોષાતા પોષાતાં – જેમ તડકો પડે અને પછી જ બીજમાંથી અંકુર ફૂટે એવી રીતે – એમના હૃદયમાં કૃષ્ણ અંકુર રૂપે ફૂટ્યા. જ્યારે કૃષ્ણ યશોદાજીને ત્યાં પ્રગટ્યા ત્યારે તમે જોશો તો એ બાલભાવની અંદર પણ શૃંગારભાવ છે. પ્રેંખ પર્યંક શયનં ચિરવિરહ તાપહર મતિ રૂચિર મીક્ષણં – પલનામાં પોઢીને પણ વિરહતાપને દૂર કરતા મધુરું મધુરું હસી રહ્યા છે. હજુ તો નાનકડા લાલ પલને ઝૂલે છે, ત્યાં બાલભાવમાં પણ ગોપીજનોના હૃદયમાં આ ભાવ અંકુરિત થયો.

ઋષિઓના હૃદયમાં ક્યારે ભાવ થયો? રામાવતારમાં જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે એમનો બિલકુલ સરળ સ્વભાવ જોયો ત્યારે પોતે જ એમના હૃદયમાં બિરાજીને એ ભાવ ઉત્પન્ન કર્યો કે હે રામ, આપના સૌંદર્યનો અનુભવ અમે ક્યારે કરીશું? ત્યારે અંદર પુષ્ટિપુરુષોત્તમે પ્રગટ થઈને વરદાન આપ્યું કે કૃષ્ણાવતારની અંદર તમે બધાં અગ્નિકુમારિકાઓ રૂપે પ્રગટશો અને ત્યારે હું તમારા ભાવોને પરિપૂર્ણ કરીશ. એ જે ત્રેતાયુગમાં હૃદયમાં ભાવનો વલોપાત શરૂ થયો હતો એ અંકુરિત થયો કૃષ્ણાવતારમાં – કૃષ્ણના પ્રાગટ્ય પછી.

સમગ્રના ભાવસ્વરૂપે – યશોદોત્સંગલાલિત સ્વરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું.

‘મયિમૃગદૃષાં’ – મૃગનયની ગોપીઓનો આટલા બધા સમયથી સંઘરી રાખેલો એ ભાવ અંકુરિત થયો અને પછી એમાંથી પ્રેમરૂપી કંદલ એટલે ફણગો ફૂટ્યો. ધીરે ધીરે એમનામાં પ્રેમ જાગ્યો. શૃંગાર રસાત્મક કૂંપળો ફૂટી. સ્નેહાદ્‌ રાગ વિનાશસ્યાત્‌ જે શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું છે તેમ એમના સંસારમાંથી બધા રાગ ઓછા થવા લાગ્યા.

‘મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમ્‌’ – એ જે ભાવ હતો, તેમાંથી પ્રેમ જાગ્યો, પ્રેમમાંથી પ્રણય જાગ્યો, ભાવમાંથી અકુર ફૂટ્યા, પ્રેમમાંથી કંદલ એટલે કૂંપળો ફૂટી. પ્રણયની અંદર એની અનેક શાખાઓ થઈ ગઈ. અનેક મનોરથો જાગ્યા – પ્રભુને લાડ લડાવવા માટે, પ્રભુને રસ લેવડાવવા માટે.

‘લોલ્યૈ પલ્લવિતં’ – અને પ્રભુનાં ચપળ નેત્રો અને લલિત લીલાઓ દ્વારા એ સ્નેહ વધુ વિકાસ પામ્યો. મુદા કુસુમિતં – જુદી જુદી લીલાઓ દ્વારા હૃદયમાં જે આનંદ પ્રગટ્યો, એમાંથી રાગ પ્રગટ્યો અને ધીરે ધીરે પ્રેમની કલિકાઓ ફૂટી.

‘પ્રત્યાશયા પુષ્પિતં’ – પછી હૃદયમાં રાગમાંથી અનુરાગ જન્મ્યો. એ કળીનું ફૂલ બન્યું.

‘લીલાભિઃ ફલિતં’ – પછી પ્રભુએ જે દાનલીલા, રાસલીલા કરી, વસંતલીલા કરી એમાં એનું ફળ મળ્યું. વસંતલીલામાં કૃષ્ણનું એ ઉદ્દીપક સ્વરૂપ સુંદર રીતે પ્રગટી ઊઠ્યું. ચોવા, ચંદન, અબીલ ગુલાલ લગાડવાને બહાને થતો શ્રીકૃષ્ણનો સ્પર્શ એ ઉદ્દીપક હતો. કોકિલનું ગાન ઉદ્દીપક હતું. યમુનાજીની લહેરો ઉદ્દીપક હતી. વૃંદાવનમાં ખીલેલી લતાપતા ઉદ્દીપક હતી. વાદ્યોનો મધુર ગુંજારવ ઉદ્દીપક હતો. આ બધી રસમસ્તી માટેની પૂર્વભૂમિકાઓ જ્યારે આવી ત્યારે મદનમહોત્સવ વસંતપંચમીના દિવસે મનાવાયો.

વસંતપંચમી મદન પ્રગટ ભયો, સબ તન મન આનંદ ।

ઠોર ઠોર ફૂલે પલાસ દ્રુમ ઔર મોર મકરંદ ।।

વિવિધ ભાંત ફૂલ્યો વૃંદાવન કુસુમ સમૂહ સુગંધ ।

કોકિલા મધુપ કરત ગુંજારવ ગાવત ગીત પ્રબંધ ।।

આ મદન મહોત્સવ આવતાં જ શયનમાં માન છોડવાનું પદ ગવાય છે. ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત.

હવે તો રાજા વસંત છે. એનું રાજ ચાલી રહ્યું છે. એ વસંત રાજા પત્ર લખીને માનુનીઓને કહી રહ્યા છે કે હવે તમે માન છોડો.

તુમ તજો માનિની માન તુરંત.

માનુની, તમે આમ કૃષ્ણકનૈયા સાથે મોઢું ફેરવીને બેસી ન રહો. આ તો આનંદલીલાનો સમય આવ્યો છે.

કાગદ નવદલ અંબપાત – વસંત ઋતુએ કાગળ કયો વાપર્યો? નવદલ અંબપાત – એટલે આંબાનું પત્રપાન લીધું છે. દ્વાત કમલ મસિ ભ્રમર ગાત – પછી કાળો ભ્રમર મસિ એટલે કાળી શાહી બન્યો છે. વળી એ ગાઈ રહ્યો છે. ગાતાં ગાતાં જાણે આ પત્ર લખાઈ રહ્યો છે.

લેખની કામકે બાન ચાપ – લેખની કઈ છે? કામના પાંચ બાણોની અને ચાંપ એટલે ધનુષ્યની લેખની એટલે પેન બની છે.

લિખ્યો અનંગ – પત્ર લખ્યો છે વસંત ઋતુના કહેવાથી કામદેવે – અનંગે. એના ઉપર ચંદ્રમાએ મોર છાપ મારી મલયાનિલ પઠ્યો કરી વિચાર – આ પત્ર લાવ્યું કોણ? મલયગિરિથી આવતો પવન એ પત્ર લાવ્યો. વાંચવા કોણ બેઠું? વસંતના પ્રેમના આ બધા પત્રોને વાંચે છે કોણ? વાંચી શુક મોર સુનો નાર. આ પત્રો પોપટ, મોર, કોયલ વાંચી રહ્યાં છે. ગોપીજનો, તમે આ વસંતઋતુનો કામદેવે લખેલો પત્ર વાંચો. ચંદ્રમાએ જેના ઉપર મોર છાપ મારી છે એ પત્ર વાંચો. સુંદર કમળના પાન અને આંબાના પાન ઉપર લખાયેલા પત્ર વાંચો. ભ્રમર જેમાં ગુંજારવ કરી રહ્યા છે એવા આ પત્ર વાંચો.

સૂરદાસ યોં બદત બાન તું હરિ ભજ ગોપી સયાન.

સૂરદાસજી કહી રહ્યા છે હે ગોપી તું માન ત્યજી દે. તું બહુ શાણી, સમજુ, ડાહી હોય તો આ વસંત ઋતુનો ઉત્સવ મનાવી લે.

ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત, તુમ તજો માનિની માન તુરંત.

કાગદ નવદલ અંબ પાંતિ, દ્વાત કમલ મસિ ર્ભંવર ગાતિ.

લેખન કામ કૈ બાન ચાપ, લિખિ અનંગ સસિ દઈ છાપ.

મલયાનિલ પઠ્યો કરિ બિચાર, બાંચે સુક પિક તુમ સુનોં નાર.

સૂરદાસ યોં બદતિ બાનિ, તૂ હરિ ભજ ગોપી સયાન.

મહાસુદ પૂનમથી હોળીદંડારોપણ થાય છે. ધમારગાન શરૂ થાય છે.

નેક મહોડો માંડન દેહો હોરી કે ખિલૈયા ।

જો તુમ ચતુર ખિલાર કહાવત અંગુરીન કો રસ લેહો ।।૧।।

ઉમડે ઘૂમડે ફિરત રાવરે સકુચિત કાહે હેહો ।

સૂરદાસ પ્રભુ હોરી ખેલો ફગવા હમારો દેહો ।।૨।।

વ્રજભક્તો ફગવા માગવાના બહાને જ્યાંને ત્યાં કૃષ્ણને લઈ જાય છે. કોઈ નચાવે છે, કોઈ કૂદાવે છે. નેક મહોંડો માંડન દેહો – કાના, આજે જરા મુખ ઉપર રંગ લગાવવા દે. જો તુ ચતુર ખિલાર ગણાતો હોય તો અંગુરિનકો રસ લઈ લે. આજે સંકોચ શાનો? અમારી સાથે હોરી ખેલો અને અમને ફગુવા આપો.

(ક્રમશઃ)

 • Share/Bookmark

Comments

6 Responses to ““વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૫)”
 1. harsha goradia says:

  marjar atle shu??

 2. harsha goradia says:

  apde marjad no laye toh bhagwan jhaki na aape?/?

 3. purvi says:

  મરજાદ એટ્લે શ્રી વલ્લભે અને તેમના વંશજો એ સેવા માટે બનાવેલા નીતિ નિયમોનું પાલન કરવું તે. પરંતુ આ નિયમોનું બધાં જ લોકો પાલન નથી કરી શકતાં, અને જે વૈષ્ણવો મરજાદનું પાલન કરી ન શકે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે કારણ કે વૈષ્ણવ માર્ગમાં સેવા એ સ્નેહને વધુ પ્રાધાન્ય આપે છે સેવામાં સમય કે નીતિનિયમોનું એટલું મહત્વ નથી. હવે તો આપણાં વલ્લભકુલ બાળકો પણ કહે છે કે મરજાદ કરો તો પાળીને પણ બતાવો પણ વિચાર્યા વગર મરજાદ ન કરવો જોઈએ. ઉપરાંત 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભનાં સમયમાં જે મરજાદ હતો તે મરજાદ આજે પૂરી રીતે નથી જળવાતો. દા.ખ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભ ચાલીને યાત્રા કરતાં આજે ચાલીને યાત્રા કરનારા કેટલા છે? બીજો પ્રસંગ જોઈએ શ્રી વલ્લભ જ્યારે સ્વહસ્તે ભોગ બનાવતાં ત્યારે જમીનની અંદર વૂડ નાખી તેનાં ચૂલામાં પાકી રસોઈ બનાવતાં. આજે તો કોલસાથી ચાલતી સગડી જ નથી રહી બધે ગેસ અને ઈલેકટ્રીકનાં ચૂલા આવી ગયા છે તો તે રીતે જોઈએ તો સમય અને નીતિનિયમો બદલાઈ ગયાં ને…? મરજાદનું પણ એવું જ છે. શ્રી વલ્લભકુલ બાળકો કહે છે કે સમય અનુસાર પ્રત્યેક વ્યક્તિઓએ બદલવું જ જોઈએ. હર્ષાજી આપને પુષ્ટિ માર્ગ અંગેનાં કોઈપણ સવાલ હોય તો આપ http://das.desais.net પર પૂછી શકો છો. મળતા રહીશું જય શ્રી કૃષ્ણ.

 4. harsha goradia says:

  bhaktivardhani ma aavto shabd “beej bhav ” atle shu ??

 5. veena parekh says:

  what is the meaning of bijbhav?

 6. purvi says:

  બીજભાવ આપણે ત્યાં બે સ્વરૂપે રહેલા છે. પુષ્ટિમાર્ગમાં કહે છે કે મન પણ એક બીજ સમાન જ છે જે યોગ્ય દિશામાં ફલિત થાય તો વધુ સારું. આચાર્યચરણ કહે છે કે પુષ્ટિમાર્ગમાં બીજભાવ બે પ્રકારના છે. પ્રથમ બીજભાવ તે ગાયત્રીમંત્રમાથી ફલિત થયો છે. કારણ કે ગાયત્રીમંત્રને સર્વ મંત્રોનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવ્યું છે. બીજો બીજભાવ તે આપણું મન છે. મનથી જ સમસ્ત ભાવોની સૃષ્ટિ પ્રગટ થાય છે. જેમ એક બીજને માટીમાં નાખતાં પૂર્વે માટીમાં થોડું ખાતર અને પાણી નાખી માટીને પોચી બનાવવી જરૂરી છે તેમ જ મનરૂપી બીજને પણ સત્સંગ રૂપી ખાતર અને સ્મરણ રૂપી પ્રેમ આપવું જરૂરી છે. જ્યારે બીજ માટેનાં આ બંને તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યારે મનમાં રહેલ પ્રભુ માટેનો ભાવ અર્થાત બીજ ફલિત થાય છે. આમ એક બીજને ફલિત કરવાનો પ્રયત્ન જીવો દ્વારા થવો જોઈએ. જેમ એક ખેડૂત પોતાની પાસે રહેલા બીજને માટીમાં વાવી ખાતર, અને પાણી નાખે છે ત્યારે તેની પોતાની ધરતી માટેની મહેનતને જોઈ સૂરજ, વાયુ અને ધરતી ત્રણેય પ્રસન્ન થઈ પોતાની કૃપા તે ખેડૂત પર વરસાવે છે તે જ રીતે વૈષ્ણવ મનમાં રહેલ પ્રભુ માટેની ભાવનાને પૂર્ણ કરવા માટે શ્રી આચાર્યચરણ, શ્રી યમુનાજી અને શ્રી ઠાકુરજી ત્રણેય પૂરતા પ્રમાણમાં મહેનત કરે છે જેથી તે વૈષ્ણવોનો બીજભાવ ફલિત થાય.
  આથી જ આચાર્યચરણ કહે છે કે…….ભક્તિમાર્ગમાં જેનું વરણ થયેલું હોય તેનો જ ભાવ પ્રયત્ન કરવાથી દ્રઢ થાય છે, આપોઆપ ભાવ દ્રઢ થતો નથી. પરંતુ આ બીજભાવ દ્રઢ કરવા માટે ભગવદીયોનો સત્સંગ, અને પ્રભુ સ્મરણ રૂપી સાધનો જરૂરી છે. પરંતુ અહીં અન્ય એક વાત પણ મુખ્ય છે કે સ્મરણ, મનન તો ગમે તે જગ્યાએ થઈ શકે છે પરંતુ ભગવદીયોનો સત્સંગ….? દરેક જગ્યાએ મળવો શક્ય નથી હોતો માટે આચાર્યચરણ કહે છે કે જ્યારે વૈષ્ણવોને ભગવદીયો ન મળે ત્યારે તેમણે પોતાના ગૃહમાં રહેલ સદ્સ્યો અને વૃક્ષ વનસ્પતિને પણ વૈષ્ણવ માનીને તેમની સાથે સત્સંગ કરી લેવો જોઈએ.
  હર્ષાજી આશા છે કે આપને આ જવાબથી સંતુષ્ટિ થઈ હશે. આપને અન્ય કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકો છો.

  http://desais.net/das/%e0%aa%b5%e0%ab%80%e0%aa%a3%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%ab%80/2013042412456/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%ab%83%e0%aa%b9%e0%aa%b8%e0%ab%87%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8/

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!