શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪)

મધુર બચન ઔર નયન મધુર

ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત

અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી.

પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે મધુર વાણી કહેવાય. લૌકિકમાં લતા મંગેશકર જેવાંની વાણીમાં ય આવો અનુભવ થાય છે. ત્યારે શ્રીવલ્લભ તો સાક્ષત્  ભગવાનના મુખારવિંદનું સ્વરૂપ છે. રસાત્મક ભગવાનનું મુખ રસાત્મક અને તે મુખમાંથી પ્રગટ થતી વાણી પણ રસાત્મક! એની મઘુરતાની તોલે બીજી કોઈ વાણી ન આવે! દુનિયાના લોકોની વાણી તો વૈખરી. શ્રીવલ્લભની વાણી તો વેદવાણી!

કેટકેટલા ભક્તોએ એ વાણીનું પાન કર્યું છે! એ વાણીની મધુરતા માણીને ગાયું છે : “બેનુગીત પુનિ યુગલગીત કી રસબરખા બરખાઈ.”

શ્રીહરસાનીજીએ શ્રીવલ્લભ વચન સાંભળ્યાં : ‘દમલા તું આયો?’ એ વચનમાધુરી દમલાજીનું જીવન બની ગઈ. પછી તો એ વાણી વારંવાર વરસતી રહી : ‘દમલા, ભગવદવાર્તા કીયે બડી બેર ભઈ!’

સૂરદાસને ‘દશમસ્કંધ અનુક્રમણિકા’ આપે સંભળાવી. એના ફળરૂપે “સૂરસાગર” ઉમટ્યો. ‘સુન સૂર સબનકી યહ ગતિ, જે હરિ ચરન ભજે ’માં આપે કેટલો વિશ્વાસ ઠાલવી દીધો!

દિનકરદાસ શેઠ તો આપની કથામાં એવા આસક્ત થઈ ગયા હતા કે કાચાં દાળ-બાટી ખાઈ, કથાશ્રવણ માટે દોડ્યા હતા! આવા અનેક પ્રસંગોના અનુભવને શ્રીગુસાંઈજીએ કહ્યું: “વાક્સીધુપૂરિતાશેષસેવક:” વાક્​પતિ છે શ્રીવલ્લભ તો!

‘મધુરાષ્ટક’ની શ્રીવલ્લભની વચનમાધુરીની તોલે બીજા કોઈની વાણી સ્પર્ધા કરી શકે? ‘યમુનાષ્ટક’ની મધુરિમા અન્ય કોઈ યમુના-સ્તવનમાં માણી શકાય? કાશ! આજે આપનાં એ વચનામૃત સાંભળવા મળે તો? એ વાણી શ્રીપદ્મનાભદાસજીને વનમાળીની વેણુની યાદ અપાવતી રહી. એમણે ગાયું: ‘ઐસી બંસી બાજી બનઘનમેં મુનિનકી સમાધિ લાગી.”

શ્રીવલ્લભ સ્વરૂપ ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. તો તેમની વાણી દ્રવીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. આપની પરોક્ષ સ્થિતિમાં આપની વાણી જ પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરનારી છે.

શ્રીગુસાંઈજીએ તુલસાંને પૂછેલું : “તને શ્રીમથુરાનાથજી આટલી કૃપા કરી સાનુભવ કેમ કરાવે છે?” જવાબમાં તુલસાંએ કહેલું: “સમય મળે શ્રીમહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું.” આ કૃપાપ્રતાપ શ્રીવલ્લભવાણીના સેવનનો જ!

મુખમાંથી મધુર વચનો ત્યારે જ પ્રકટે, જ્યારે હૈયામાં હેત હોય અને હેત નેત્રોમાંથી નેહ બનીને નીતરે. નેહ વિનાની મધુરતા બનાવટી, કપટી, પાખંડી હોય. શ્રીવલ્લભનાં વચનામૃતોનું પાન કરતાં શ્રીહરિરાયજીનાં નેત્રો શ્રીવલ્લભનાં નેત્રો સાથે મળે છે. ચાર નેત્રોનાં મિલનનો અનુભવ કરીને આપ ગાય છે: ‘ઔર નયન મધુર.’ આપનાં નેત્રોમાં પણ એ જ મધુરતા છે! એટલે તો એ નેત્રકમળ કહેવાય છે. એમાં કમળની અરુણિમાનો રંગ છે એ અનુરાગનો ઘૂંટાયેલો રંગ છે. એમાં કીકીની શ્યામલતા શ્રીશ્યામસુંદરની ભાવમગ્નતાની છે. એ નેત્રપટલનો શ્વેતવર્ણ લૌકિક વિરક્તિના ત્યાગ અને તપની શુચિતાનો છે. ‘કૃપારસ નૈન કમલદલ ફુલે.’ ‘કમલસી અખિયાં લાલ તિહારી.’

આ નયનોની મધુરતાએ તો શ્રીજીને ય રસવશ કર્યા. પ્રથમ મિલન વખતે આ નયનોમાંથી નેહના મેહ કેવા વરસ્યા હશે? શ્રીદમલાજીને આ નયનમાધુરી સદા ભીંજવતી રહી. મેઘનજી એ નયનમાધુરીના મધુકર બની, વિષમ સ્થળમાં ય શ્રીવલ્લભથી વેગળા ન થયા. શ્યામદાસ સુથાર અને સગુણદાસ તો ‘બિના મોલકે ચેરે’ બનીને રહ્યાં! આ નયનામૃતનું પાન કરીને શ્રીગુસાંઈજીએ એનું કારણ બતાવ્યું : ‘પ્રતિક્ષણનિકુંજસ્થલીલારસસુપૂરિત:’ નિકુંજ-લીલાના ક્ષણક્ષણના રસથી ભર્યાં ભર્યાં શ્રીવલ્લભનાં નેત્રો પ્રિયાનાં નેત્રો છે. એમાં પ્રેમરસ છલકે છે. એ નેત્રો “કૃપાદગ્વૃષ્ટિસંહ્રષ્ટદાસીપ્રિય:પતિ:”નાં છે. એમાંથી નિજભક્તો માટે સદૈવ કૃપારસ છલકે છે.

જ્યારે હૃદયમાં ભાવની ભરપૂર ભરતી આવે, ત્યારે વાણી મૌન બની જાય. છલકતાં નેત્રોની વાણી ખૂલી જાય. શ્રીવલ્લભનાં મધુર નેત્રોની આવી મધુર વાણી અનેક ભગવદીયોયે માણી છે. ‘ઈન નેનનકી બલિહારી.’ ‘કમલ નેણે ને અમૃત વેણે વાક્યમાધુરી રેડતા.’ આવાં ‘નયન ખંજન રસમાતે’ નેત્રોની મધુરતાનું પાન, એ તો આપણી આંખોનો મોક્ષ છે. પરમ ફળ છે.

શ્રીહરિરાયચરણની દ્રષ્ટિ આ નયનમાધુરીનું પાન કરતાં કરતાં આપનાં નેત્રો પરની ભ્રમરો અને તે પર ઝૂલી રહેલી અલકોમાં ઉરઝાઈ જાય છે. ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત. ભ્રોંહ એટલે આંખની ભમ્મર. યુગ એટલે જોડી-બે. આપનાં બે નેત્રો ઉપરની ભમ્મર તિરછી-ધનુષ્ય જેવી કુટિલ છે. ભમ્મર રૂપી ધનુષ્ય પર નેત્રની દ્રષ્ટિ રૂપી બાણનું શરસંધાન કરી, આપ નિજજનોનાં હૈયાં વીંધી રહ્યા છે. જેમ સરોવરથી કમળ શોભે અને કમળથી સરોવર શોભે, તેમ નેત્રોથી ભ્રમરો શોભે છે, અને ભ્રમરોથી નેત્રો શોભે છે. ભગવદીયોનો અનુભવ એવો છે કે એ નેત્રકમળો ઉપર ભ્રમરો રૂપી ભમરાઓ મંડરાય છે! નેત્રકટાક્ષ જેટલા જ ભમ્મરકટાક્ષ પણ મધુર છે. ભક્તિમાર્ગમાં ભ્રમર ભગવદ્ રસમાં આસક્ત ભક્તનું સ્વરૂપ છે. ‘ભ્રમરગીત’માં ગોપીજનોએ તો શ્રીશ્યામસુંદરને જ ભ્રમર કહી ઉપાલંભ-ઠપકો આપ્યો છે. શ્યામ ભ્રમરની પીળી મૂછો પીતાંબરધારી શ્યામમનોહરનું જ સ્મરણ કરાવે! અહીં શ્રીવલ્લભના લલાટ પર રાજતી શ્યામ ભ્રમરો પર લલાટનું પીત ચંદન લાગ્યું છે. જાણે સાંવરિયાલાલ પીતાંબર ધરીને, શ્રીવલ્લભનાં નેત્રકમળોનું પાન ન કરી રહ્યા હોય! એવી જ રીતે શ્યામરસપાગી ભક્તો પણ એ નેત્રરસનું પાન ભ્રમર રૂપે કરે છે!

ભગવાન અને ભક્તો બંનેની જોડી આ નેત્રકમળરસ માણે છે; તેથી કહ્યું : ‘ભ્રોંહ યુગ મધુર.’ ‘ભ્રૂભંગેથી સૃષ્ટિ નીપની, અતિ સુંદર બ્રહ્માંડ.’ ભગવાનના ભ્રૂભંગથી બ્રહ્માંડ પ્રકટ થયું, તેમ શ્રીવલ્લભના ભ્રૂભંગથી માયાવાદનો અસ્ત થઈ બ્રહ્મવાદ પ્રગટ થયો.

શ્રીવલ્લભના ‘કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યા સત્વ અનંત, ભક્તિલીન હુવા સૌભાગી, તે વૈષ્ણવ ગુણવંત. ’એમની જ ‘બીજી કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન, કર્મજડ, આસુર, અન્ય ઉપાસક, ભજન ધર્મથી હીન.’

આવી ‘ભ્રોંહયુગ મઘુર’ ઉપર ‘અલકનકી પાંત’ શોભે છે. અલક એટલે કેશની લટો. પાંત એટલે પંક્તિ. શ્રીવલ્લભના શ્યામની લટો પવનમાં ઊડી ઊડી લલાટ ઉપર છવાય છે. એ અલકો પણ મુખકમળ ઉપર મંડરાતા ભક્તોનું જ ભાવાત્મક સ્વરૂપ છે. એ અલકો રૂપે ભક્તો આપના ‘શ્રીવૃંદાવનચંદ મુખરુચિ’ મુખની મધુરતાનું પાન કરે છે. આ અલકોથી આપની મુખછબિની શોભા અધિક બને છે. ‘ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત’ એમાં મધુર પદ વચમાં છે. કાવ્યની પરિભષામાં તેને ‘દેહલીદીપકન્યાય’ કહેવાય. બે ઓરડાની વચ્ચેના ઉંબરા ઉપર મૂકેલો દીવો બંને ઓરડાને અજવાળે તેમ અહીં મધુર પદ ભમ્મરો અને અલકો બંનેને લાગુ પડે છે.

(ક્રમશઃ)

  • Share/Bookmark

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!