શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫)

મધુર ભાલ અરુ તિલક મધુર,

અતિ મધુર નાસિકા કહી ન જાત.

શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા, પ્રકાંડ પાંડિત્ય, શાસ્ત્ર-સજ્જ પ્રજ્ઞા વગેરેને કારણે આપનું ભાલ પ્રતાપી-મધુર છે.

ભાલ પ્રદેશની ભીતર આજ્ઞાકારી નાડીચક્ર છે. તે માણસની ઈન્દ્રિયો ઉપર શાસન કરે છે. તેમ તે બીજી વ્યક્તિઓ ઉપર પણ અનુશાસન કરે છે. શ્રીવલ્લભનું આ નાડીચક્ર એટલું જાગ્રત છે કે, જેના કારણે આપનું સમગ્ર જીવન સાત્વિક, સંયમી, અને સહિષ્ણુ છે. આપની સર્વ ઈન્દ્રિયો સેવા-સ્મરણમાં જ સદા તત્પર છે. આપની ટેક, તપ અને ત્યાગ રમણીય બન્યાં છે. એનાથી આપના સમગ્ર જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની મધુરતા છાયી છે. સાથે સાથે આપ ભક્તોમાં પણ આ વૃત્તિઓ પ્રકટાવે છે. આપ પતિત પાવન છે. આ આપના ભાલની મધુરતા છે.

ભાલ પર ઊર્ધ્વપુંડ્ર તિલક શોભે છે. તે ભગવદ્ ચરણાકૃતિ છે. ભગવાનનાં ચરણ કમલ સમાન છે. તેમાં ભક્તિનો અને ભક્તોનો નિવાસ છે. તેથી એ ચરણો મધુર છે. પોતાનાં ચરણકમલોની મધુરતા માણતા ભક્તોને જોઈને, ભગવાન બાલમુકુન્દને પણ તે ચાખવાનું મન થયું ત્યારે પોતાના મુખકમળમાં ચરણકમળનો અંગુષ્ઠ રાખી, તેની મધુરતા માણી હતી. કમળની જેમ ચરણતલ પણ અરુણ-લાલાશયુક્ત છે. એ અનુરાગનો વર્ણ છે.

ગોપિકાઓએ ‘ગોપીગીત’માં ભગવાનને વિનંતી કરી હતી કે આપના ચરણકમળ અમારા મસ્તકે પધરાવો. ભક્તો એ ચરણકમળ તિલક રૂપે એમના લલાટમાં ધારણ કરે છે. તિલક ભક્તના સૌભાગ્યનું ચિહ્ન છે. મારા માથે મારા અલૌકિક સ્વામી બિરાજે છે. તેથી હું અભયી છું. એવા સૌભાગ્યભાવનું આ તિલક શ્રીવલ્લભના મધુર ભાલ પર અતિ મધુર લાગે છે.

શ્રીવલ્લભ નિત્યલીલામાંથી ભૂતળ ઉપર પધાર્યા, ત્યારે ચારે સ્વામિનીજીઓ સહિત સકલ વ્રજભક્તોએ આપને વિજયતિલક કરેલું. તેથી આપના પ્રાગટ્ય સમયે આપના ભાલ ઉપર કસ્તુરીનું વિજયતિલક પ્રગટ હતું. આપના જન્મદિવસે આપના સેવકો આપને મંગળ તિલક કરી આપનું મંગલ વાંછે છે. વિજયનગરની ધર્મસભામાં આપના વિજય પછી, આપને આચાર્યપદ પ્રદાન કરતું વિજયતિલક થયું હતું. આ સર્વ તિલકો આપના લલાટ પર શોભે છે. તેથી જ ભગવદીયો ગાય છે : ‘તિલકમુદ્રા ધરિ બૈઠે શ્રીલક્ષ્મણભટધામ.’ તિલક ભગવદ્ રાગનું સૂચક છે. ભગવદ રાગ મધુર છે તેથી તિલક પણ મધુર છે.

મધુર તિલકનાં દર્શન કરતાં તિલકની નીચે શોભતી નાસિકા પર દ્રષ્ટિ સ્થિર થાય છે. “અતિ મધુર નાસિકા કહી ન જાત.” આપની સુરેખ, લાંબી, તીક્ષ્ણ નાસિકા અતિ મધુર છે. નાક મુખાકૃતિની શોભા વધારે છે. શ્રીવલ્લભ નાસિકા દ્વારા સદા શ્રીયુગલસ્વરૂપના શ્રીઅંગની સુગંધનું પાન કરનારા છે. શ્રીઅંગની મધુર સુગંધથી ભરી ભરી એ નાસિકા અતિ મધુર છે.

શ્રીયુગલસ્વરૂપ નાસિકામાં ‘વેસર’ ધારણ કરે છે. શ્રીઠાકોરજીની નાસિકાનું વેસર બની, શ્રીસ્વામિનીજી શ્રીઠાકોરજીના અધરામૃતનું પાન કરે છે. શ્રીસ્વામિનીજીની નાસિકાનું વેસર બની, શ્રીઠાકોરજી પણ શ્રીસ્વામિનીજીના અધરામૃતનું પાન કરે છે. આમ અધરામૃતનું પાન કરવા માટે નાસિકા અધિષ્ઠાન છે. એ પાનથી નાસિકા અતિ મધુર બની છે.

આવી મધુર નાસિકાનો ઉચ્છવાસ પણ મધુર સુગંધિત જ હોય. એના અનુભવે શ્રીહરિરાયજીએ કહ્યું કે એ મધુરતાનું વર્ણન થઈ શકે તેમ જ નથી-‘કહી ન જાત.’

(ક્રમશઃ)

  • Share/Bookmark

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!