શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ ।
મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।।

અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ દુર્લભ એવી ભગવદ્ ભોગ્યા સુધાનું પાન પોતે એકલા કરતા નથી, પણ સૌને કરાવે છે. નિજજનોને પ્રત્યક્ષ રીતે કરાવે છે. તો અન્યને વેણુરવ દ્વારા કરાવે છે. એવા શ્રીવલ્લભનાં મધુર અધર છે. એ અધરો દ્વારા ‘કૃષ્ણાધરામૃતાસ્વાદ-સિદ્ધિરત્ર ન સંશય:’ આથી તો આ અધરોથી ઝરતા સુધારૂપ શબ્દોનું પાન કરવા, ભક્તો સદા લાલાયતિ હોય છે.

એ અધરોનો રસ જ મધુર નથી. એમનું રૂપ-સ્વરૂપ પણ મધુર છે. અધરોની અરુણિમા, બંકિમા, સ્નિગ્ધતા અને કુમાશથી અધરો અતિ સુંદર-મધુર લાગે છે. આવા અધર પરથી ઝરતો સુધારસ ચાખવા ભક્તોરૂપી હડપચીનો હીરલો લાલાયિત હોય છે.

આ અધરો મૌન હોય તો ય એમની ભાષા હોય છે. તે બોલતા હોય છે. પ્રિયતમ પ્રભુના પ્યારમાં ક્યારેક બંધ અધરો મુસ્કુરાય છે. એમનાં દર્શને ક્યારેક અધખીલ્યા કમળ શા ખીલે છે. એમની સાથે માન થતાં એ મરડાય છે. ક્યારેક એ અધરદંશથી સીસકે છે, તો ક્યારેક ઉત્કટ પ્રેમવૃષ્ટિને ઝીલતાં વિસ્ફારિત થાય છે. આવી વિવિધ રસભંગિમાઓનાં દર્શને જ શ્રીહરિરાયજીએ ગાયું છે : ‘અધર મધુર રસ રૂપ મધુર.’ આ અધરોનો રસ અને રૂપ બેઉ મધુર છે.

‘છબિ મધુર દોઉ લલિત કપોલ.’ કપોલ એટલે ગાલ. તેમની છબિ પણ મધુર છે. પાકેલા લાલ-સોનેરી મોટાં બોર જેવાં છે. આપ સ્મિત કરે છે ત્યારે આ કપોલમાં ખંજન પડે છે. ખંજન કપોલની સુંદરતા વધારે છે. કર્ણમાં ઝૂલતાં કુંડલનું તેજ કપોલ પર પથરાય છે. નેત્રોમાંથી ક્યારેક પ્રેમનાં હર્ષાશ્રુ ટપકે છે, તો ક્યારેક વિરહાશ્રુ વહે છે. આ બંને અશ્રુરસનો આસ્વાદ કરી આપનાં કપોલ લલિત-મધુર બન્યાં છે.

આ કપોલ સાથે લાગી રહેલાં ‘શ્રવન મધુર’ છે. શ્રવન એટલે કાન. જે કાન દ્વારા હરિયશ સાંભળી ‘હરિ! તેરી લીલાકી સુધિ આવે’ એ કાન ‘કર્ણરસાયન’ એવી હરિકથા સાંભળી કેમ મધુર ન બને? માટે તો કાનને કર્ણપુટ કહ્યાં છે. કર્ણપુટ એટલે કાન રૂપી પાત્ર. શ્રીવલ્લભનાં આ કર્ણપુટ ભગવદ રસથી સદા છલોછલ ભરેલ હોઈ મધુર છે.

‘કુંડલનકી ઝલક મધુર’. કર્ણમાં ધારણ કરેલાં કુંડળોનું તેજ પણ મધુર છે. શ્રીવલ્લભ સોના, મોતી કે હીરાનાં આભૂષણો ધરતા નથી. આપ તો ‘શ્રીભાગવત પ્રતિ પદ મણિવર ભાવાંશુમૂર્તિ:’ છે. શ્રીભાગવતનો પ્રત્યેક શબ્દ ઉત્તમોત્તમ મણિરૂપે આપના શ્રીઅંગ ઉપર શોભી રહ્યો છે. આપનાં કર્ણકુંડલ એટલે શ્રીભાગવતની પદાવલિ, જે મધુર છે.

યોગ અને સાંખ્ય શાસ્ત્રોને પણ ભગવાનના કર્ણનાં કુંડળ કહ્યાં છે. આપ સકલ શાસ્ત્રોના અભ્યાસી, શ્રોતા છે. બહુશ્રુત છે. તેથી શાસ્ત્રો રૂપી કુંડળથી આપના કર્ણ મધુર છે.

‘મધુર મકર દોઉ કરત કલોલ.’ મકર એટલે મગર. મગર હંમેશા પાણીમાં રહેનારો જીવ. પ્રભુ મકરાકૃતિ કુંડલ ધારણ કરી, એમ સૂચવે છે કે મારા લીલારસમાં બૂડેલા ભક્તોનાં વચનો હું મારા કર્ણમાં ધારણ કરું છું. ભક્તોની કાલી-ઘેલી, અશાસ્ત્રીય વાણી પણ શ્રીવલ્લભ હોંશથી શ્રવણ કરી, પ્રસન્ન થાય છે. એવી પ્રેમભરી વાણીથી મકર રૂપી ભક્તો આપના કર્ણ પર બિરાજી કિલ્લોલે છે.

આવું મધુર વદનારવિંદ છે શ્રીવલ્લભનું. આ રૂપ માધુરીનું પાન નિજજનો સદા કરે છે. શ્રીવલ્લભનું નામસ્મરણ-શ્રવણમાં આવતા આ સ્વરૂપનું હૃદયમાં ધ્યાન ધરવું. શ્રીહરિરાયજીએ આ બે કડીઓથી શ્રીવલ્લભના મુખચંદ્રનું દર્શન કરાવ્યું. બે કડીથી દર્શન કરાવવાનો હેતુ એ કે શ્રીવલ્લભમાં યુગલસ્વરૂપ બિરાજમાન છે. શ્રીવલ્લભ સ્વરૂપ યુગલસ્વરૂપના ભાવનું છે. બીજી રીતે વિચારીએ તો આપ સંયોગ અને વિપ્રયોગ ભાવોનું સ્વરૂપ પણ છે. આ સર્વ ભાવો આપના મુખશશિમાં મધુર રીતે ઝળકે છે.

(ક્રમશઃ)

  • Share/Bookmark

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!