શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ ।

મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।।

હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે.

૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે. કેવળ દ્રષ્ટિ દ્વારા અધમમાં અધમ અનાથ જીવને આપ સનાથ કરે છે. આપ કૃપાશક્તિનું સ્વરૂપ છે. પ્રભુની સર્વ શક્તિઓમાં કૃપાશક્તિ શિરોમણિ છે. અન્ય માર્ગોથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર શક્ય ન હોવાથી કૃપાશક્તિ શ્રીવલ્લભે કૃપામાર્ગ –પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો. આ મધુર સ્વરૂપની કૃપા ય મધુર છે. એ કૃપાનો માર્ગ પણ મધુર છે.

૨. ‘મનોહર બચન બિલાસ’ આપની વાકશક્તિ એ આપનો બીજો અલૌકિક ગુણ છે. માયાવાદીઓને ‘દાહે વચનાનલ’- વચનરૂપી અગ્નિથી બાળે છે. એ જ વચનો ‘સીંચે વચનસુધારસ.’ ભક્તોનાં દુ:ખી હૃદયોને વચનસુધાથી હરિયાળાં બનાવે છે. ‘શ્રીયમુનાષ્ટક’ (પ્રથમ કૃતિ) થી લઈને ‘શિક્ષાશ્ર્લોકા:’ (અંતિમ કૃતિ) સુધીના સર્વ ગ્રંથો સદા અમૃતરસનું પાન કરાવે છે. એ ભગવલ્લીલાનો મનોહર વિલાસ છે.

૩. ‘મધુર ઉગાર દેત દાસનકોં’- આપ પોતાના દાસસેવકોને આપના મુખના ચર્વિત તાંબુલ આદિ અધરામૃતનું દાન કરે છે. આ આપનો ત્રીજો ગુણ છે. પતિના ઉચ્છિષ્ટનો અધિકાર, કેવળ તેની પત્નીને હોય. શ્રીવલ્લભે આ અધિકાર પોતાના શરણાગત જીવોને આપીને કેટલી કૃપા કરી છે!

જેમ શ્રીઠાકોરજીએ પોતાનું ચર્વિત ગોપીજનોને આપી, તે દ્વારા પોતાનું વિપ્રયોગધર્મીસ્વરૂપ સદાને માટે એમના હૃદયમાં સ્થાપ્યું, તેમ શ્રીમહાપ્રભુજીએ પણ પોતાના ‘મધુર ઉગાર’ દ્વારા નિજજનોને વિપ્રયોગ ધર્મીસ્વરૂપનું દાન કર્યું છે. અલભ્યને સુલભ કરી દેવાનો શ્રીવલ્લભનો આ મહદ ગુણ છે.

૪. ‘મધુર બિરાજત મુખ મૃદુ હાસ’ – આપનું મુખકમળ મૃદુ હાસ્ય-સ્મિતથી સદા મધુરું છે. સર્વ સ્થિતિમાં સર્વત્ર ભગવલ્લીલાનાં દર્શન કરી એમનું મુખ મલક્યા કરે છે. મુખનો મલકાટ મધુર છે; કારણ કે નિજાનંદનો નથી; પણ ભગવદ સુખ માટે પ્રસન્ન રહેવું એ આપનો ચોથો ગુણ છે.

આ ચાર ગુણો ચાર સ્વામિનીજીઓના ભવરૂપ છે. જેમકે કૃપાગુણ શ્રીરાધિકાજીનો, વચનગુણ શ્રૃતિરૂપા શ્રીચંદ્રાવલીજીનો, અધરામૃતનો ગુણ ઋષિરૂપા શ્રીકુમારિકાજીનો અને ભગવત સુખ માટે ચિત્તની પ્રસન્નતાનો ગુણ શ્રીયમુનાજીનો છે. શ્રીવલ્લભ આવા સર્વગુણસંપન્ન હોવાથી મધુર છે.

(ક્રમશઃ)

  • Share/Bookmark

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!