પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો?

પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો? એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો?

જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હેતુ તેમના આનંદ માટે ક્રિડા કરવાનો છે. ક્રિડાનો આનંદ ત્યારે જ મળે, જ્યારે ક્રિડામાં વૈવિધ્ય હોય. એકનું એક ભોજન કે પહેરવેશ આપણને કાયમ ગમતાં નથી; તેનાથી કંટાળો આવે છે. માટે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ જગત બનાવ્યું, જેમાં માણસનો દેખાવ એક જેવો લાગે અને છતાંય અબજો માણસોમાં બે માણસો પણ એકસરખા ન હોય. માણસના સ્વભાવમાં પણ પાર વિનાનું વૈવિધ્ય જોવા મળે છે. એક જ સ્થળે જવા નીકળેલા માણસોની ત્યાં જવાની રીત પણ જુદી જુદી હોય છે. વાહનો પણ જુદાં જુદાં હોય છે. એ સ્થળે પહોંચવાના રસ્તા પણ જુદા જુદા હોય છે. જગતના બધાં તત્તવોમાં વિવિધતા છે, ત્યારે એ મનુષ્યોના જુદા જુદા સ્વભાવને ધ્યાનમાં રાખી, ધર્મવિચારમાં પણ પરમાત્માએ વિવિધતા પ્રગટ કરી છે. બધા જ મનુષ્યો એક જ પ્રકારે ભજે એવું પરમાત્મા ઈચ્છતા નથી.

એક બીજુ કારણ પણ છે. માણસનો સ્વભાવ અને શક્તિ જુદાં જુદાં હોવાથી તેમનાં જીવન અને ધ્યેયની પ્રાપ્તિના માર્ગો તથા પ્રયત્નો પણ જુદા જુદા જોવા મળે છે. કોઈ માણસ મગજની શક્તિથી આગળ વધે છે, કોઈ હાથની શક્તિનો વિશેષ ઉપયોગ કરે છે. કોઈ લાગણીના બળે કામ કરે છે. પરિણામે, જ્ઞાનપ્રધાન મનુષ્યો જ્ઞાનના માર્ગે અને ક્રિયાશીલ મનુષ્યો કર્મના માર્ગે ઈશ્વરને પામવા પ્રયત્ન કરે છે. જ્યારે લાગણીશીલ, પ્રેમપૂર્ણ મનુષ્યો ભક્તિના માર્ગે ઈશ્વરની આરાધના કરે છે. આમ, ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે, તેથી ધર્મો પણ અનેક છે.

ધર્મો અનેક હોવા છતાં પાયાની વાત એકસરખી છે. બધા ધર્મોનો હેતુ ઈશ્વરપ્રાપ્તિનો જ છે. તે માટેનાં સાધનો ભલે જુદાં છે, પણ સાધ્ય એક જ છે. સમજદાર ડાહ્યો માણસ સાધનોના ઉપયોગમાં દેખાદેખી કરતો નથી. પોતાને અનુકૂળ આવે તે સાધન જ તે વાપરે છે. સાધનનો ઝઘડો ન હોય. સાધનનો આધાર તે વાપરવાની શક્તિ ઉપર છે. તેમાં દેખાદેખી ન ચાલે. તેથી ભલે દુનિયામાં ધર્મ અનેક હોય, પણ આપણા સ્વભાવ અને શક્તિને અનુકૂળ આવે તે આપણો સ્વધર્મ. બીજા બધા ધર્મ આપણા માટે પરધર્મ. આથી ગીતાજીમાં શ્રીકૃષ્ણે સમજાવ્યું કે દરેક માણસે સ્વધર્મનું આચરણ કરવું. પરધર્મનું અનુકરણ ન કરવું. સ્વધર્મના આચરણનો અર્થ એવો પણ નથી કે પરધર્મનો દ્વેષ અથવા તિરસ્કાર કરવો. સમજદાર માણસ ધર્મના નામે ઝઘડા ન કરે; કારણ કે ધર્મ તો સાધન છે. સાધનના ઝઘડા ન હોય. દરેક મનુષ્યમાં સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા અને અન્ય ધર્મો પ્રત્યે આદર હોવાં જોઈએ. જે મનુષ્ય પોતાને ધાર્મિક કહેવડાવે, તેનામાં બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને સદભાવ હોવા જોઈએ.

આજે ધર્મના નામે લોકો અસહિષ્ણુ બની, લડતા-ઝઘડતા જોવામાં આવે છે. તેમને ડાહ્યા કે શાણા માણસો કહી શકાય નહી; કારણ કે ધર્મ આપસ-આપસમાં બડાઈ હાંકવાનો, મોટાઈ દેખાડવાનો કે બીજાને ઉતારી પાડવાનો વિષય નથી. ધર્મ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. ધર્મ અત્યાચારનો વિષય નથી. સદાચારનો વિષય છે. જગતનો ઈતિહાસ બતાવે છે કે આજ સુધીમાં ધર્મના નામે અનેક યુદ્ધો ખેલાયાં છે. મુસલમાનોએ તલવારથી આખા જગતને ઈસ્લામપંથી બનાવવાના અત્યાચાર કર્યા; જ્યારે ‘ઈસ્લામ’ શબ્દનો અર્થ જ શાંતિ થાય છે. ખ્રિસ્તીઓએ ગરીબ પ્રજાની આર્થિક મજબૂરીનો ગેરલાભ લઈ, ધર્મ-પરિવર્તન કરાવ્યું. આપણા દેશમાં હિન્દુ ધર્મના અનુયાયી શૂદ્ર વર્ણના લોકોએ સમાજમાં ઊંચો મોભો મેળવવા ખાતર બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા. સોલંકી યુગના ગુજરાતમાં કુમારપાળ જેવા રાજાઓએ રાજ્યસત્તાના ભયથી અનેક જ્ઞાતિઓને જૈન ધર્મ આચરતી કરી. આ સૌ એક વાત ભૂલી ગયા કે ધર્મના અનુયાયીઓના સંખ્યાબળથી ધર્મની મહાનતા નક્કી થતી નથી.

કયો ધર્મ શ્રેષ્ઠ અને કયો ધર્મ હીન એ વિચાર જ અયોગ્ય છે. શ્રીમહાપ્રભુજીએ એક પ્રસંગમાં એનો સુંદર ખુલાસો કર્યો છે. શ્રીમહાપ્રભુજી ગુજરાતમાં પધાર્યા હતા, ત્યારે એક ગામમાં તળાવના કિનારે મુકામ કર્યો હતો. તે ગામના પુરુષોત્તમ જોષી નામના એક વિદ્વાને શ્રીમહાપ્રભુજીને પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગમાં કયો માર્ગ ઉત્તમ? શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો : બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જનારા જ છે, તેથી બધા ધર્મો ઉત્તમ છે. પસંદગીનો આધાર માણસના સ્વભાવ ઉપર છે. જેને જે માર્ગ અનુકૂળ આવે તે તેના માટે ઉત્તમ. મને પૂછો તો ભક્તિમાર્ગ ઉત્તમ છે.

આ વાત આજના સમયમાં ધર્મના માટે લડતા અને આતંકવાદી બનતા સૌએ સ્વસ્થતાથી સમજવા જેવી છે. જગતમાં વૈવિધ્યને માણવા માટે પણ મનની ઉદારતા જોઈએ, તેમ જુદા જુદા ધર્મોમાં રહેલા વૈવિધ્યને સ્વીકારવા માટે મનની ઉદારતા ઘણી જરૂરી છે. બધા ધર્મોના અસ્તિત્વનો ઉદારતાથી સ્વીકાર કરવો જોઈએ. તે માટે સંઘર્ષ કરવો યોગ્ય નથી.

આ સાથે એક બીજી વાત સમજી લેવાની જરૂર છે. સૌ ધર્મો પ્રત્યે સમભાવ હોવો જોઈએ, પરંતુ બધા ધર્મોનું અનુસરણ એક સાથે શક્ય નથી. એટલે અનુસરણ તો કોઈ એક જ ધર્મનું થાય. માટે આપણને અનુકૂળ આવે એવો એક ધર્મ પસંદ કરી, તે સ્વધર્મમાં આપણી નિષ્ઠા અને પ્રેમ રાખવા જોઈએ.

ધર્મ’ શબ્દનો અર્થ શો છે?

ભાષામાં શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે : (૧) યોગાર્થથી અને (૨) રૂઢાર્થથી. સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ પરથી મોટા ભાગના શબ્દો બને છે. અથવા મૂળ શબ્દોને પ્રત્યયો લાગવાથી નવા શબ્દો બને છે. ધાતુ અથવા પ્રત્યયનો જે અર્થ થતો હોય, તેના આધારે શબ્દનો અર્થ બને છે. આમ, નવો શબ્દ ધાતુ કે પ્રત્યયના જોડાણથી બને છે. જોડાણ માટે સંસ્કૃતમાં ‘યોગ’ શબ્દ છે. તેથી ધાતુ કે પ્રત્યયના જોડાણથી બનતા શબ્દના અર્થને ‘યોગાર્થ’ કહેવામાં આવે છે.

જેમ કે સંસ્કૃતમાં ‘ભજ્’ ધાતુ છે, તેને ‘ક્તિન’ પ્રત્યય લાગવાથી ‘ભક્તિ’ શબ્દ બને. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે શબ્દને જ્યારે પ્રત્યય લાગે, ત્યારે પ્રત્યયનો જે અર્થ થતો હોય તે મુખ્ય અર્થ ગણાય. તે નિયમ મુજબ ‘ભક્તિ’ શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે. ભજ્ = સેવા કરવી; ક્તિન = પ્રેમપૂર્વક. જે સેવામાં ફરજ કરતાં પ્રેમનો ભાવ વિશેષ હોય, એવી પ્રેમપૂર્વકની ભગવદસેવાને ભક્તિ કહે છે. ભક્તિનો આ અર્થ સ્પષ્ટ કરવા તેને પ્રેમલક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિનો યોગાર્થ થયો.

આવી રીતે ‘ધર્મ’ શબ્દ ‘ધૃ’ ધાતુનો અર્થ ‘ધારણ કરવું’ એવો થાય છે; તેથી ‘ધર્મ’ શબ્દનો અર્થ ધારણા એવો થયો. ગુજરાતીમાં ‘ધારણા’ શબ્દ ‘કલ્પના કરવી’, એવા અર્થમાં વપરાય છે; તે અર્થમાં અહીં ધારણા વપરાયો નથી. અહીં ‘ધારણા’ = ધારણ કરવું અર્થાત્ સ્વીકારવું અર્થ છે. ‘ધારણ કરવું’ નો બીજો અર્થ જીવનમાં આચરણ કરવું, એવો થાય છે. આમ, સ્વીકારવું અને અમલ કરવો એ બંને અર્થોને સાથે લેવાથી ધર્મનો યોગાર્થ થશે : ધર્મ એટલે જીવન માટે લાભદાયક હોય એવા વિચારો સ્વીકારવા અને તેમનું આચરણ કરવું. આમ, ધર્મ શબ્દ જીવનના વિચાર અને આચાર સાથે સંબંધ ધરાવે છે.

શબ્દ ઉપર પ્રમાણે અસ્તિત્વમાં આવે, પછી વર્ષો સુધી લોકો તેનો ઉપયોગ કરતા રહે છે. જેમ જેમ સમય બદલાતો જાય, તેમ તેમ શબ્દનો અર્થ પણ ક્યારેક બદલાતો જાય છે. ઘણા સમય પછી શબ્દ કોઈ એક ચોક્કસ અર્થમાં દ્રઢ થાય છે. ત્યારે મૂળ અર્થથી તે ઘણો બદલાઈ ગયો હોય છે. આવી રીતે સમાજમાં શબ્દનો જે અર્થ પરંપરાથી રૂઢ થાય તેને ‘રૂઢાર્થ’ કહે છે. જેમ કે ‘ભક્તિ’ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમપૂર્વક કરવામાં આવતી ભગવાનની સેવા’ એવો છે; પરંતુ ભક્તિ શબ્દ સમાજમાં રૂઢ થતાં તેનો અર્થ બદલાયો. આજે ‘ભક્તિ’ શબ્દ મોટા ભાગના લોકો ભજન-કીર્તનના અર્થમાં વાપરે છે. ભજન-કીર્તન એ ભક્તિનો રૂઢ અર્થ છે. રૂઢાર્થ સંપૂર્ણ સાચો હોતો નથી. આથી જ્યારે કોઈપણ શબ્દને તેના સાચા અર્થમાં સમજવો હોય, ત્યારે તેનો યોગાર્થ વિચારવો જોઈએ.

આ પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો રૂઢ અર્થ થયો ‘ફરજ’. માણસ તેના જીવનમાં ઘણી ફરજો બજાવે છે. જેમ કે તે કોઈકનો પુત્ર છે, તો કોઈકનો પિતા છે. તે કોઈકનો ભાઈ છે, તો કોઈકનો જેઠ છે પણ છે. તે કોઈકનો મિત્ર છે, તો કોઈકનો માલિક પણ છે. આમ, એક જ માણસ તેના જીવનમાં જુદા જુદા રોલ ભજવે છે. તે જેટલા પ્રકારના રોલ ભજવે છે, એટલા પ્રકારની ફરજો તેને બજાવવાની રહે છે. એક માણસ પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, માલિક, દેશનો નાગરિક – એમ અનેક પ્રકારના રોલ ભજવતાં ભજવતાં, તે પ્રકારની ફરજો બજાવે છે. આ બધી ફરજોને માટે ‘ધર્મ’ શબ્દ વપરાય છે. તેથી આપણી ભાષામાં પિતૃધર્મ, ભ્રાતૃધર્મ, મિત્રધર્મ, દાસધર્મ, સ્વામીધર્મ, રાષ્ટ્રધર્મ જેવા શબ્દો આવ્યા. આ બધા શબ્દો મનુષ્યની તે તે પ્રકારની ફરજનો અર્થ બતાવનારા છે.

આમ, ધર્મ શબ્દના યોગાર્થ અને રૂઢાર્થનો સમન્વય કરીએ, તો ધર્મ શબ્દથી નીચેના જેવી સંકલ્પના સમજાય છે: માણસને બે પ્રકારના વિચારો સતત રહેતા હોય છે. (૧) દુનિયાનું સુખ અને (૨) પરલોકનું સુખ. દુનિયાના સુખને ‘પ્રેય’ કહેવામાં આવે છે અને પરલોકના સુખને ‘શ્રેય’ કહેવામાં આવે છે. માણસ પ્રેય અને શ્રેય માટે શું કરવું તે સતત વિચારે છે. તેને જે સમજાય છે, તે આચરણમાં મૂકે છે.

આમ, માણસ તેના પ્રેય અને શ્રેય માટે જે પ્રવૃત્તિઓ કરે, તે બધી પ્રવૃત્તિઓ ‘ધર્મ’ કહેવાય છે. માણસને ત્રણ પ્રકારનાં દુ:ખ પજવે છે : (૧) આધિભૌતિક (૨) આધ્યાત્મિક અને (૩) આધિદૈવિક. આ દુ:ખો દૂર કરવા તે જે પ્રવૃત્તિઓ કરે છે, તે પણ ધર્મ કહેવાય છે. આથી ધર્મની એક વ્યાખ્યા છે: દુ:ખોની નિવૃત્તિ અને સાથે સુખોની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન. આપણે બે તત્વોના બનેલા છીએ: (૧) શરીર (૨) આત્મા. આપણી કેટલીક પ્રવૃત્તિઓ શરીર માટેની હોય છે. તે શરીર સાથે જોડાયેલી હોય છે. એવી પ્રવૃત્તિઓને દેહધર્મ કહેવામાં આવે છે. જેમકે ખાવું, પીવું, મનોરંજન મેળવવું, નોકરી-ધંધો કરવો, કુટુંબ, ગામ અને દેશના કલ્યાણ માટે કાર્યો કરવાં વગેરે.

આપણા શરીરમાં આત્મા રહેલો છે. શરીર અને આત્માનો સંબંધ કાયમી નથી. માત્ર આ જન્મ પૂરતો છે. શરીર જે સુખો મેળવવા પ્રવૃત્તિ કરે છે તે પ્રેય છે. આત્મા પરલોકના સુખને ઝંખે છે. તેથી આત્મા સદા શ્રેયનો વિચાર કરે છે. આત્માનું શ્રેય પરમાત્માની પ્રાપ્તિમાં છે. આથી, પરમાત્માની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, તેને આત્મધર્મ કહેવામાં આવે છે. આપણે ત્યાં ધર્મ શબ્દ મોટા ભાગે આત્મધર્મના અર્થમાં વપરાય છે. ટૂંકમાં, ધર્મ એટલે પરમાત્માની શોધનો માર્ગ. આત્મ-જાગૃતિ અને આત્મ-ઉત્કર્ષ માટેની સાધના-આરાધનાનો માર્ગ. દિવ્ય આનંદ – અલૌકિક સુખની શોધનો માર્ગ.

ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે છે. હોળીની ધમાર-ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે.

આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, સોળ હજાર કુમારિકાઓ પાસે પત્ર-પુષ્પથી સજાવી ડોલ સિધ્ધ કરાવે છે. વળી, શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીલલિતાજી વગેરેને બોલાવી કહે છે કે તમે બધા હળીમળીને સુંદર ડોલ સિધ્ધ કરો. લાલાને એમાં ઝુલાવો. ખૂબ હોળી ખેલો અને લાલાને ખેલાવો. લાલાને આજે એટલું બઘું ખેલાવો કે હોળી ખેલથી એ ધરાઈ જાય અને કંટાળી જાય. બીજા દિવસે એને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે.

આ સાંભળીને સર્વ સ્વામીનીજીઓને ખૂબ આનંદ થાય છે. તેમને થાય છે કે આજે અમારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. સર્વ ગુરુજનો અને વડીલોની હાજરીમાં પ્રભુને ઝૂલાવવાનો અને ખેલાવવાનો મોકો મળશે. બધાંએ મળીને સુંદર કુંજની રચના કરી. તેમાં પત્ર-પુષ્પોથી સજાવી સુંદર ડોલ સિદ્ધ કર્યો. તેમાં પ્રભુને ઝુલાવ્યા. કેસૂડો અને અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી ખૂબ ખેલાવ્યા. સાથે સાથે નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, સમસ્ત વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ બધાં મળીને ખૂબ હોળી રમ્યા. પ્રભુએ પણ વ્રજલલનાઓ સાથે હોળીખેલનો અને ડોલ ઝૂલવાનો આનંદ માણ્યો.

શ્રીઠાકોરજી નંદાલયમાં આ રીતે ડોલ ઝૂલે છે અને ફાગ ખેલે છે. તે જ રીતે નિકુંજલીલાના ભાવથી વૃંદાવનમાં, શ્રીગોર્વધનની તળેટીમાં, કુંજ-નિકુંજોમાં યુગલ સ્વરૂપે ડોલ ઝૂલે છે. વ્રજના આ અલૌકિક સ્થાનો છે. ત્યાં સદા સુંદર ઝરણા વહે છે. શીતલ મંદ વાયુ વાય છે. અનેક પ્રકારની માધુરી લતાઓ અને વૃક્ષો ઉપર સુંદર ફૂલ ખીલે છે. સદાયે વસંત રહે છે. આ લતાઓ વૃક્ષો વગેરે ભગવદીય છે. એમના ભોક્તા પ્રભુ છે. પ્રભુને જ માટે આ સર્વ અલૌકિક પદાર્થો વ્રજમાં રહેલા છે. પ્રભુ આ ડોલોત્સવના મિષે, એ બધાની વિનંતીથી, તેમનો અંગીકાર કરે છે. પત્ર-પુષ્પ વગેરેનો ડોલ સિધ્ધ થાય છે. અને એ સર્વ ભગવદીયોના મનોરથો પૂર્ણ થાય છે.

પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી સર્વ મંદિરો, હવેલીઓ અને વૈષ્ણવોના ધેર ડોલોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પત્ર-પુષ્પથી સજાવી ડોલતિબારીમાં સુંદર ડોલ સિધ્ધ કરવામાં આવે છે. સફેદ પિછવાઈ અને સફેદ ઝાલર બંધાય છે. ડોલનું અધિવાસન થાય છે. રાજભોગ આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બિરાજે છે. ડોલમાં પહેલા શ્રીપ્રભુને રંગોથી અને પિછવાઈ ઝાલર, તથા ડોલ ઉપર કેસુડાની પિચકારી અને રંગોથી ખેલ થાય છે. પછી ડોલમાં જ પ્રભુને ભોગ આવે છે. ભોગ સર્યા પછી દર્શન થાય છે. સન્મુખ બીડાં આરોગે છે. ત્યાર બાદ ફરી ખેલ થાય છે.

પ્રભુ વ્રજનાં વિવિધ સ્થાનોમાં ડોલ ઝૂલ્યાં છે. એ ભાવનાથી મંદિરોમાં આ દિવસે પ્રભુને ચાર ભોગ આવે છે. ચાર ખેલનાં દર્શન થાય છે. પ્રભુને દરેક ભોગમાં વિવિધ સામગ્રીઓ આરોગાવાય છે. બીડાં આરોગે છે. ક્રમશ ભારે ખેલ થાય છે. કેસૂડાની પિચકારીઓ અને અબીલ-ગુલાલની પોટલીઓ ઉડે છે. એટલો બધો રંગ ઊડે છે કે, સમગ્ર દર્શન ચોકમાં જાણે અબીલ-ગુલાલથી અંધારૂ છવાઈ જાય છે. શ્રીઠાકોરજી, ડોલ, પિછવાઈ, ઝાલર વગેરે રંગોથી અને કેસુડાથી તરબતર થઈ જાય છે. પૂ.મહારાજશ્રી અથવા મુખિયાજી ખૂબ રંગ અને કેસૂડો દર્શનાર્થી વૈષ્ણવો ઉપર પણ ઉડાડે છે. સૌ દર્શનાર્થી વૈષ્ણવો પણ હોરીખેલનો અલૌકિક આનંદ શ્રીઠાકોરજી સાથે માણે છે. એટલો બધો ભારે ખેલ થાય છે કે શ્રીઠાકોરજી હોરી ખેલથી ધરાઈ જાય. સાથે સાથે હોરીખેલનાં અને ઝૂલાવવાનાં કીર્તનો પણ ગવાય છે. ચોથા ભોગનાં દર્શન પછી આરતી થાય છે. બાદ પ્રભુ નિજમંદિરમાં ભીતર પધારે છે. વૈષ્ણવો ડોલની પરિક્રમા કરી લે ત્યારબાદ તરત જ ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે. મંદિર ધોવાઈને એટલું સ્વચ્છ બની જાય કે રંગનું નામ-નિશાન ન રહે. જેથી શ્રીઠાકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે. રંગ નીકળી ગયા પછી નિત્યક્રમ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવા થાય છે.

આ રીતે નંદાલયની અને નિકુંજલીલાની ભાવનાથી પુષ્ટિમાર્ગમાં ડોલોત્સવ મનાવવામાં આવે છે.

હોરી ડંડારોપણ ક્યારે થાય, વ્રજમાં કઈ જગ્યાએ થાય, શા માટે થાય?

હોરી ડંડારોપણ પૂનમે થાય છે. વ્રજમાં ગોકુળ-બરસાનાની ગલીઓમાં હોળી ખેલાય છે. ગામની બહાર ચોકમાં ગોપ-ગોપીઓના બે યૂથ વચ્ચે હોળી ખેલાય છે. યમુનાજીના કિનારે, વૃંદાવનમાં, કુંજનિકુંજમાં બધે પ્રભુ વ્રજભક્તો સાથે હોળી ખેલે છે. આમ, જ્યાં જ્યાં હોળી ખેલ થાય છે ત્યાં ત્યાં બધે હોળી ડંડાનું આરોપણ થાય છે. આ ડંડારોપણમાં કામદેવનું આરોપણ થાચ છે. એવો ભાવ છે.

વ્રજમાં ગામની બહાર ચોકમાં ડંડારોપણ કરી, તેના ઉપર ધજા ફરકાવવામાં આવે છે. ત્યાં બ્રાહ્મણો સ્વસ્તિવાચન કરે છે. બે હોળી ખેલતાં હોય ત્યારે હાર-જીત તો થાય જ, છતાં એક મહિના સુધી બધા સુખપૂર્વક હોળી રમે અને નિર્વિઘ્નતાથી ઉત્સવનો આનંદ માણે એ હેતુથી વેદપઠન કરવામાં આવે છે. ત્યાર પછી નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, ઠાકોરજી, બળદેવજી અને સમસ્ત વ્રજભક્તો ત્યાં દંડવત પ્રણામ કરે છે. પછી ધમાર ગાવાનો અને હોળી ખેલનો પ્રારંભ થાય છે.

પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી બધા મંદિરોમાં અને હવેલીઓમાં મહા સુદ પૂનમે હોરીડંડારોપણ થાય છે. એક મહિના બાદ એ જ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં હોળીનું પ્રદીપન થતું હોય ત્યાં જ હોરી ડંડારોપણ થાય તેથી વૈષ્ણવોને ઘરે હોરી ડંડારોપણ થતું નથી. વૈષ્ણવો પોતાને ઘેર વસંતપંચમીના દિવસે કળશપૂજન કરે છે, તેમજ વસંતપંચમીથી હોળીખેલ ફગવા વગેરે સ્વપ્રભુને અંગીકાર કરાવે છે. વસંતપંચમીથી ૪૦ દિવસ સુધી હોળીખેલનો આનંદ પોતાના સેવ્ય પ્રભુ સાથે માણે છે.

હોળીખેલ થાય ત્યારે પ્રભુના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકી દેવામાં કેમ આવે છે?

ભક્તો પ્રભુને હોળી ખેલાવે ત્યારે પ્રભુના ચરણારવિંદ ઉપર વસ્ત્રો ઢાંકી દેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ભક્તો પ્રભુનાં ચરણારવિંદના દર્શન કરે તો, હૃદયમાં દાસ ભાવ આવે અને દાસત્વ આવે તો, પ્રભુ સાથે સખ્યભાવથી હોરી ખેલવાનું શક્ય ન બને. હોરી ખેલની લીલા સખ્યભાવની અને કિશોરલીલાની છે.

હોળીના ચાલીસ દિવસ વસંતપંચમીથી કેમ શરૂ થાય છે?

આપણા પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રીઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રીઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે, એટલું જ નહિ પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે.

હોળી ખેલના ઉત્સવના ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત-ધમાર-હોરીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરે છે. બધા વડીલોની હાજરીમાં વ્રજલલનાઓ સાથે હોળી ખેલે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે.

ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ – વસંતપંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ – હોળી અને ફાગણ વદ એકમ – ડોલોત્સવ સુધી ૪૦ દિવસ ઉત્સવ મનાવાય છે.

વસંતઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંતઋતુ આવતાં પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવાં પાન, ફૂલ, ફળ આવે છે. વન-ઉપવન પુષ્પોની સુંગધ અને પક્ષીઓના કલરવથી મહેંકી ઉઠે છે. તેથી વસંતપંચમીને શ્રીપંચમી પણ કહેવાય છે.

વ્રજમાં કામદેવનો જન્મ વસંતપંચમીને દિવસે થયો છે. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાંખેલો એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ત્યારપછી કામદેવે શ્રીકૃષ્ણને ત્યાં રુકમણિજીની કૂખે પ્રદ્યુમ્નસ્વરૂપે જન્મ લીધો. માટે જ વસંતપંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ્ન પ્રાગટ્યોત્સવ પણ મનાવાય છે. શિવજીએ બાળી નાંખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો. પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કયોઁ છે. કારણ પ્રભુ સાક્ષાત્ મન્મથમન્મથ છે. કામદેવને મોહિત કરનારા મદનમોહન છે. વસંતખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે. તેથી વસંતપંચમીને ‘મદનપંચમી’ પણ કહેવાય છે. વસંતોત્સવને ‘મદનમહોત્સવ’ કહેવાય છે.

આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે. પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાં થાય છે. તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ-હોળીખેલનો પ્રારંભ હોળીના ૪૦ દિવસ પહેલાં એટલે કે વસંતપંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતિક સમાં કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરી, તેમાં ખજુરીની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની  ઊંબી, ખજૂરીની ડાળીમાં બોર એમ પાંચ વસ્તુઓ કામદેવનાં પાંચ બાણના પ્રતિક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવી, તેનું અધિવાસન અને પૂજન થાય છે.

આ રીતે વસંતોત્સવ – વસંતખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે. વસંતપંચમીથી દસ દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંતખેલના દિવસો કહેવાય છે. દસ દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. વિવિધ સામગ્રીનો ભોગ ધરાય છે. ત્યાર પછીના ત્રીસ દિવસ હોળી ખેલનાં છે. મહાસુદપૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. ભક્તો કેસૂડો અને પીચકારી તથા અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી, રસભરી લીલા છે. કેસર(કેસૂડો) સ્વામિનીજીના પીતરંગના ભાવથી, ગુલાલ શ્રીલલિતાજીના લાલ રંગના ભાવથી, અબીલ શ્રીચંદ્રાવલિજીના શ્વેતરંગના ભાવથી અને ચોવા શ્રીયમુનાજીના શ્યામરંગના ભાવથી આવે છે.

શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શો થાય?

‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રીકૃષ્ણના ચરણકમળોમાં જ મારું નિવાસસ્થાન છે તેમના ચરણારવિંદની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રનો આવો અર્થ છે.

આ મંત્રમાં ‘શ્રીકૃષ્ણઃ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ એટલે ગોકુલમાં નંદયશોદાના ત્યાં, યશોદાજીની કૂખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણપુરષોતમ ભગવાન. શ્રીકૃષ્ણ કેવળ ભગવાનનું જ વિશેષ નામ જ નથી. કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તે બે શબ્દોનો બનેલો છે. કૃષ + ણ. ‘કૃષ’ એટલે સર્વશક્તિમાન અને ‘ણ’ એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ – સ્વરૂપ છે તે પરમાત્મા એટલે કૃષ્ણ. તેમના જેટલા શક્તિમાન અને આનંદસભર કોઈ દેવ કે મનુષ્ય નથી એટલે પરમાત્મા શ્રીકૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે તેમ નથી. માટે આવા સર્વોચ્ચ અને સર્વોપરી પરમાત્મા, જે ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે, તેમનું શરણ હું સ્વીકારું છું. શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામિની. લંક્ષ્મી ભગવાનના પત્ની છે. નિત્યલીલામાં શ્રી રાધિકાજી, લક્ષ્મી – સ્વરૂપા છે. આમ, શ્રીકૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આ મંત્રનો છે.

‘કૃષ્ણ’ શબ્દનો એક બીજો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. ‘કૃષ્’ એટલે ખેચવું અથવા આકર્ષવું. ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ – રસાત્મક – સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે,  તે શ્રીકૃષ્ણ. આવા શ્રીકૃષ્ણને શરણે હું છું, એવો ભાવ પણ વિચારવો જોઈએ.

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. મંત્ર સાધનામાં બીજમંત્રનું ઘણું મહત્વ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજમંત્ર છે. બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરૂષોત્તમ પ્રગટ થયા છે. માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મુકવામાં આવ્યો છે.

મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે, તેમ તેના દેવતા પણ જરૂરી છે. દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ, જે મંત્ર રૂપે આપણા મન – હૃદયમાં સદા રમણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રીયશોદાનંદન પૂર્ણપુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે.

મંત્રનો વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે. આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ, લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી. તેનો વિનિયોગ ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે. તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે. આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો રસાનુભવ પ્રાપ્ત થાય છે.

શ્રીગુંસાઈજીના એક સેવકનો પ્રસંગ છે. શ્રીગુંસાઈજીએ તેમને નામમંત્ર આપ્યા બાદ આજ્ઞા કરી કે તમે શ્રીગિરીરાજજીની તળેટીમાં દંડવતી શિલા સામે બેસીને છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો દીનતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો. તે વૈષ્ણવ તે પ્રમાણે જપ કરતાં, તેમને સદેહે પ્રભુની અલૌકિક લીલાનાં દર્શન થવા લાગ્યા.

શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

શ્રીગુસાંઈજીએ આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય સમજાવ્યું છેઃ

‘શ્રી’ એટલે શ્રી સ્વામિનીજી. તેઓ અલૌકિક લક્ષ્મી છે. તેઓ પોતાના ભક્તોને બીજમંત્ર – જપના ફળરૂપે સાક્ષાત્ શ્રીઠાકોરજીનું દાન કરી, જીવને અવિચલ અલૌકિક સૌખ્ય આપે છે. એ જીવને વ્રજભક્તનું દિવ્ય સૌભાગ્ય મળે છે. તેના માથે શ્રીઠાકોરજી જેવા પતિ બિરાજવાથી, તે લૌકિકમાં પણ ધનવાન બને છે. સામાન્ય રીતે લૌકિક ધન આખરે તો દુઃખરૂપ હોય છે. પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી, યશ અપાવનારી બને છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી        તે વ્યક્તિ રાજાને પ્રિય બને છે. સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે, છતાં તેથી તેને અભિમાન રૂપી અર્નથ થતો નથી.

‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નિવૃત્ત થાય છે.

‘ષ્ણઃ’ અક્ષરના પ્રભાવથી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રણે તાપ શાંત થાય છે. આધિ – વ્યાધિ – ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.

‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મના મુખ્ય ત્રણ પ્રકાર છે. ક્રિયામાણ, પ્રારબ્ધ અને સંચિત. આ જન્મમાં કરવામાં આવતા કર્મ ક્રિયામાણ કર્મ કહેવાય છે. પૂર્વજન્મના કરેલા કર્મોના ફળ રૂપે જે સારા-ખોટાં કર્મો આ જન્મમાં ભોગવવા પડે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પૂર્વજન્મોનાં અને આ જન્મનાં જે કર્મો ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડે, તે સંચિત કર્મો કહેવાય છે. આ સંચિત કર્મોના પરિણામે જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે. અષ્ટાક્ષરમંત્રના ‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે.

‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે. તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મોમાં ફસાતો નથી.

‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે. પુષ્ટિભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે. પુષ્ટિભક્તિનું ફળ સાક્ષાત્ ભગવદ્પ્રાપ્તિ છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

આ મંત્રનું મહત્વ સમજાવતાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો જપ કરે છે, તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. શ્રીપૂર્ણપુરુષોત્તમની પુષ્ટિભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. શ્રીઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે.

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ.

મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર શ્રીગુસાંઈજી છે. છંદ જગતિ છે. દેવતા શ્રીકૃષ્ણમુખસ્વરૂપ શ્રીમહાપ્રભુજી છે. બીજ કારુણિક પ્રભુ છે અને ફળ કૃષ્ણાધરામૃતનો આસ્વાદ છે.

સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક દરરોજ તેનો પાઠ કરવો. શ્રદ્ધા = શ્રત્ + ધા. શ્રત્ એટલે સત્ય. ધા એટલે ધારણ કરવું. શ્રીપ્રભુ અને શ્રીમહાપ્રભુજી સત્ય છે. તેમની વાણી સત્ય છે. તેમને વિશ્વાસપૂર્વક સ્વીકારવા તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી દૃઢ થાય છે. સત્ય-અસત્ય, શ્રેય-પ્રેયને અલગ તારવી, સત્ય અને શ્રેયને સ્વીકારે તે વિશુદ્ધ બુદ્ધિ.  આ સ્તોત્રમાં વર્ણવાયેલાં ૧૦૮ અલૌકિક નામરૂપોથી ભગવદ્ સ્વરૂપ શ્રીમહાપ્રભુજી બિરાજે છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખી, તેમની આ સ્તોત્રના પાઠ દ્વારા નિઃસ્વાર્થ પ્રેમબુદ્ધિથી સ્તુતિ-સ્મરણ કરવાં. કોઈ લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા.

આ સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી બે આજ્ઞા કરે છેઃ ‘પઠત્યનુદિનં જનઃ’ અને ‘જપ્યં કૃષ્ણરસાર્થીભિઃ’ શ્રીસર્વોત્તમ સ્તોત્ર પરની ટીકામાં શ્રીગુસાંઈજીના ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજીએ સ્પષ્ટતા કરતાં એવી આજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ સ્તોત્ર બરોબર મોઢે ન થાય, ત્યાં સુધી ગ્રંથ સામે રાખી તેનો મોટેથી પાઠ કરવો. સ્તોત્ર તરીકે પાઠ અને મંત્ર તરીકે જપ કરવાનું વિધાન છે.

શ્રીમહાપ્રભુજીએ ‘સુબોધિની’માં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે, જપ કરવો એ પુષ્ટિ રીત છે. મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતાં પાઠની સંખ્યાની મર્યાદા નક્કી કરીએ છીએ, જેમ કે ૩૫ પાઠ કરવા. જપ મનમાં સતત ચાલ્યા કરે, તેથી તેની સંખ્યા નક્કી થતી નથી. માટે તે પુષ્ટિ રીત છે. પાઠમાં નિયમ છે. જપમાં પ્રેમ છે. પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી, મન અને શરીર પાઠ કરતાં થાક અને કંટાળો અનુભવે છે. પ્રેમપૂર્વક જપ કરતાં પ્રસન્નતા અનુભવાય છે.

ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો.

શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું જ્ઞાન ભક્તિ દ્વારા થાય છે. ભક્તિથી ચરણારવિંદનું સ્વરૂપ સમજીને લાંબા સમય સુધી સારી રીતે આદરપૂર્વક એ ચરણોનું ધ્યાન કરવું. આને ‘ચરણભક્તિ’ કહેવામાં આવે છે. આવી ચરણભક્તિ ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે. પ્રભુનાં ચરણમાં સોળ અલૌકિક ચિહ્નો રહેલાં છે. વજ્રનું ચિહ્ન ભક્તોનાં પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે, અંકુશનું ચિહ્ન ભક્તોના મનરૂપી હાથીને વશમાં રાખે છે, ધ્વજાનું ચિહ્ન એમ બતાવે છે કે જે ભક્તો પ્રભુનાં ચરણમાં રહે છે તેમના સર્વ ભય દૂર થાય છે. ચરણકમળનું સુખથી સેવન થઈ શકે છે એમ જણાવવા કમળનું ચિહ્ન છે.

આવાં ષોડશ ચિહ્નોથી યુક્ત પ્રભુનાં ચરણ છે. આ ચરણોને ભક્તિના અધિષ્ઠાતા દેવ કહ્યા છે. આપણે ધ્યાન કરીએ છીએ તેનો સંબંધ મન સાથે છે. તેથી મન શુદ્ધ ન હોય તો ધ્યાન થઈ શકતું નથી. મનમાં રહેલા પાપ અને અશુદ્ધિનો નાશ ભગવદ્ચરણના સ્પર્શથી થાય છે. ભગવદ્ચરણ પાપનો નાશ કરે છે અને સાથે-સાથે દેહ અને મનને, શુદ્ધ અને પવિત્ર કરે છે. આમ, ભગવદ્ચરણના સ્પર્શથી મન શુદ્ધ થતાં લાંબા સમય સુધી પ્રભુનું ધ્યાન કરી શકાય છે, તેથી મન આધિદૈવિક બને છે.

શ્રીમહાપ્રભુજીએ પ્રભુનાં ચરણકમળનાં ત્રણ સ્વરૂપ બતાવ્યાં છે. સત્સંગ અને શ્રીમદ્ ભાગવત ભગવાનનાં આધિભૌતિક ચરણ છે. સત્સંગ એટલે જ્ઞાન અને ભાગવત એટલે ભક્તિ. તેથી જ્ઞાન અને ભક્તિ એ બંને પ્રભુના આધ્યાત્મિક ચરણ છે. જીવનાં જ્ઞાન અને ભક્તિ સત્સંગ અને શ્રીમદ્ ભાગવતનાં સેવનથી વધે છે. તેથી પ્રસન્ન થયેલા પ્રભુનાં સાક્ષાત્ અલૌકિક ચરણારવિંદ આધિદૈવિક છે.

જ્ઞાન અને ભક્તિ એ હૃદયનો વિષય છે. તેથી સત્સંગ અને શ્રીમદ્ ભાગવત દ્વારા જ્ઞાન અને ભક્તિરૂપી આધ્યાત્મિક ચરણો આપણા હૃદયમાં બિરાજે છે, ત્યારે આપણને ભગવાનના સાક્ષાત્ અનુભવ માટેનો વિરહ થાય છે. આ વિરહથી પ્રભુ માટેનો સર્વાત્મ ભાવ પ્રકટે છે. તે દ્વારા પ્રભુનો હૃદયમાં સાક્ષાત્ પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે પ્રભુનાં આધિદૈવિક ચરણોને સ્પર્શ થતાં જ ભક્તનો દેહ તનુ-નવત્વ પામે છે. જેમ લોખંડને પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સોનું બને છે, તેમ પ્રભુના સાક્ષાત્ ચરણના સ્પર્શથી આપણો દેહ પણ આધિદૈવિક બને છે.

આપણે પ્રભુનાં બે ચરણ સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરી શકીએ. ચરણ સુધી પહોંચવું એટલે ચરણની રજને ધારણ કરવી, ચરણનો આશ્રય કરવો, ચરણમાં દૃઢતા રાખવી. જે જીવ આમ પ્રભુના ચરણને પકડી રાખે છે તેનું સર્વ કંઈ પ્રભુ સંભાળી લે છે.

ભગવાનમાં જેમ ઐશ્વર્ય વગેરે છ ગુણો રહ્યા છે, તેમ પ્રભુનાં ચરણકમળમાં પણ નીચેના છ ગુણો રહેલા છેઃ (૧) અનન્યભાવવાળા શરણાગત જીવોની ઈચ્છા પૂરી કરવી. (૨) સેવાનું દાન કરવું. (૩) પ્રભુની કીર્તિ પ્રસારવી. (૪) કલ્યાણ કરવું. (૫) લૌકિકમાં વૈરાગ્ય કરાવવો. (૬) ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવી. આ છ ગુણોનું દાન કરવામાં ભગવાન કરતાં પણ ભગવાનનાં ચરણકમળ વધુ ફલરૂપ છે; કારણકે ભગવાનનાં ચરણકમળનું ધ્યાન દુઃખના સમયમાં કરવામાં આવે તો તે ચરણકમળ દુઃખને દૂર કરે છે.

પ્રભુના ચરણકમળના ૧૦ ધર્મ પણ સમજવા જેવા છે. (૧) તે સર્વદા બિરાજે છે. (૨) તે પ્રશાંત છે. (૩) તે જ્ઞાનરૂપ છે. (૪) તે આનંદરૂપ છે. (૫) તે સદ્રૂપ છે. (૬) તે કાર્યકારણથી પર છે. (૭) તે આત્માનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. (૮) તેમનો મહિમા વાણીથી ગવાઈ શકતો નથી. (૯) તે સુખરૂપ છે. (૧૦) તે પરમાનંદરૂપ છે.

આવાં પ્રભુનાં ચરણનો સ્પર્શ થવો ખૂબ દુર્લભ છે. તેમાં યે ભગવાન પોતે કૃપા કરીને પોતાનાં ચરણોનો સ્પર્શ કરાવે એ તો વિશેષ દુર્લભ છે. ભગવાનનાં ચરણમાં ગંગાજી વગેરે તીર્થો રહેલાં છે, અલૌકિક અમૃતરસ રહેલો છે અને ભક્તોનો નિવાસ પણ એ ચરણકમળમાં જ છે. આટલી બધી અલૌકિક વસ્તુઓ ભગવાનનાં ચરણોમાં હોઈ, આ ચરણ સર્વ દોષ દૂર કરનારાં છે. તેથી સર્વ લીલા સામગ્રી સહિત સર્વ લીલા પ્રભુના ચરણમાં છે. માટે પ્રભુના ચરણની પ્રાપ્તિ થતાં સર્વની પ્રાપ્તિ થાય છે. ભગવદીય દેહ વિના ભગવાનનો સાક્ષાત્ સંબંધ થતો નથી. ભગવદીય દેહની પ્રાપ્તિ ભગવાનનાં ચરણારવિંદની રજથી થાય છે. તેથી ભગવાનનો સાક્ષાત્ સંબંધ પ્રાપ્ત કરવા માટે ભક્તો ભગવાનનાં ચરણારવિંદનો દૃઢ આશ્રય કરીને રહે છે.

શ્રીગુસાંઈજી મંગલાચરણમાં શ્રીમહાપ્રભુજીને વંદન કરતા કહે છેઃ ‘જેમનાં ચરણકમળની રજ ચિંતા અને તેના પરિવારનો નાશ કરનારી છે એવા શ્રીઆચાર્યચરણને હું વારંવાર પ્રણામ કરું છું.’ શ્રીગોપીજનો પણ ગોપીગીતમાં શ્રીપ્રભુને વિનંતી કરે છે કે ‘અમારાં હૃદય અને મસ્તક ઉપર આપનાં ચરણારવિંદ પધરાવો.’ પ્રભુને પધરાવવા વ્રજમાં આવેલા અક્રુરજી પણ વ્રજની રજમાં બિરાજતાં, પ્રભુનાં ચરણારવિંદને વંદન કરી, એ રજ મસ્તકે ધારણ કરે છે. વ્રજભક્તોનાં ચરણની રજને ભગવાનના પરમ સખા અને જ્ઞાની ભક્ત એવા ઉદ્ધવજી વંદન કરે છે. શ્રીહરિરાયજી ‘શિક્ષાપત્ર’માં અનેક સ્થળે શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળને વંદન કરી, એ ચરણારવિંદમાં ચિત્તબુદ્ધિને સ્થિર રાખવાની આજ્ઞા કરે છે. અનેક મહાનુભાવ ભગવદીયોએ શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી, શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીનાં ચરણકમળનો મહિમા અનેક પદોમાં ગાયો છે.

આથી જ આપણે વારંવાર શ્રીપ્રભુનાં અને શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળમાં સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરીએ છીએ. સેવામાં શ્રીપ્રભુનાં ચરણકમળમાં તુલસી સમર્પી, ગદ્યમંત્ર બોલી ચરણસ્પર્શ કરીએ છીએ. શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળને પણ સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરી, ભાવપૂર્વક તેમનાં ચરણસ્પર્શ કરીએ છીએ અને તેમને કેસરસ્નાન કરાવી, એ જળનું પાન કરીએ છીએ, તેને હૃદય અને મસ્તકે લગાડીએ છીએ.

ભગવદ્ ચરણારવિંદની રજથી આપણું બાહ્ય અને આંતરિક શરીર શુદ્ધ બનતું હોવાથી આપણી અશુદ્ધ સ્થિતિમાંથી શુદ્ધ થવા માટે ચરણામૃત લઈએ છીએ. આ ચરણામૃતમાં વ્રજરજ હોય છે અને તેમાં શ્રીનાથજીના સ્નાનનું જળ પધરાવવામાં આવે છે. વ્રજરજ પણ ભગવદ્ ચરણારવિંદથી ભગવદ્ રૂપ બનેલ છે. તેમાં ભગવદ્ ચરણારવિંદના સ્પર્શવાળું જળ મળતાં તે ચરણામૃત બને છે. આ ચરણામૃત આપણા મનના સર્વ વિકારોને દૂર કરી, તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

ભગવદ્ ચરણોમાં દંડવત્ કરવાથી આપણામાં દીનતા આવે છે, આપણું અભિમાન ઓગળી જાય છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવ પાસે દીનતાયુક્ત નમન સિવાય અન્ય કોઈ સાધન નથી, માટે ઘણા વૈષ્ણવો શ્રીગિરિરાજજીની દંડવતી પરિક્રમા પણ કરે છે. માટે, સેવામાં વિવધ સમયે પ્રભુને દંડવત્ કરવાની રીત છે.

એક બીજી વાત પણ સમજવા જેવી છે. પ્રભુનાં ચરણસ્પર્શ કરીએ, શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળનાં પણ ચરણસ્પર્શ કરીએ, તેમને દંડવત્ કરીએ અને છતાં તેમની આજ્ઞાનું પાલન ન કરીએ તથા તેમનાં સુખ માટે પ્રયત્નશીલ ન રહીએ તો તે સાચી ચરણભક્તિ નથી. ચરણભક્તિ ત્યારે જ સિદ્ધ થઈ કહેવાય, જ્યારે આપણે તેમની આજ્ઞા પ્રમાણે જ જીવન પણ જીવીએ અને આપણું જીવન તેમના સુખ માટે જ હોય.’

હવે સમજાશે કે સૂરદાસજીએ ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોસો’ એ પદ શા માટે ગાયું હશે! આપણે જરૂરથી એવી કાળજી લઈએ કે આપણાં વસ્ત્રો દંડવત્ કરવામાં રૂકાવટ કરનારાં ન હોય. સૌ ભગવદ્ સ્વરૂપોને દીનતા અને પ્રેમથી કેવળ પંચાંગ જ નહીં પણ સાષ્ટાંગ દંડવત્ કરી, તેમનાં ચરણસ્પર્શ કરી, એ ચરણરજને નેત્રોએ, મસ્તકે, ગળા ઉપર અને હૃદય ઉપર લગાડીએ, જેથી એ ચરણરજથી પવિત્ર બનેલ નેત્રો ભગવદ્ દર્શનનો આગ્રહ રાખે, મસ્તક ભગવદ્ સ્વરૂપના ચિંતનનો આગ્રહ રાખે, ગળું ભગવદ્ ગુણગાનનો આગ્રહ રાખે અને એ હૃદય પ્રભુને બિરાજવાનું શુદ્ધ પવિત્ર ધામ બને!

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી