સ્નાનયાત્રા-જ્યેષ્ઠાભિષેક

આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા વાગે છે. મૃદંગ સાથે જ્યેષ્ઠાભિષેકનાં કીર્તન થાય છે. પુરુષસૂક્તનો પાઠ થઈ જાય પછી લોટાથી સ્નાન થાય છે.

આ સ્નાન જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રીઠાકોરજીનો રાજ્યાભિષેક કરી તેમને વ્રજરાજકુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન-અભિષેક સમયે વેદમંત્રો-પુરુષસુક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદમાં ભેટ તરીકે ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે સવા લાખ કેરીઓ આરોગે છે.

પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રીયમુનાજીમાં સ્નાન અને વ્રજભક્તો સાથે જલક્રીડા કરી છે તે ભાવથી આજે સ્નાનયાત્રા મનાવાય છે. તેથી આજે શ્રીયમુનાજીનાં અને જલવિહારનાં પદો ગવાય છે.

ગંગાદશમી – ગંગા દશહરા

આજે જેઠ સુદ દસમ. આજે શ્રીયમુનાજીનો તથા શ્રીગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રીયમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યાં અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રીયમુનાજી દ્વારા પૂર્ણ થઈ માટે આજના દિવસને ગંગા-દશહરા કહેવાય છે. શ્રીયમુનાજી જીવો ઉપર કૃપા કરી, શ્રીગંગાજીને મળ્યાં છે. શ્રીયમુનાજીનો સ્પર્શ થવાથી ગંગાજીના સ્નાન-પાન કરનારનો પણ ઉદ્ધાર થાય છે.શ્રીગંગાજી-શ્રીયમુનાજીના ભાવથી આજે મંદિરના ચોકમાં જળ ભરાય છે.

(સાભાર – નિકુંજનાયક શ્રીનાથજી)

શ્રી દામોદરદાસ હરસાનીજી

શ્રી દામોદરદાસ હરસાનીજી


પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.

આ ભગવદ્ શિરોમણીનું ચરિત્ર દિવ્ય છે. અદ્​ભુત અને અલૌકિક છે. એમના સ્મરણથી કૃતાર્થ થવાનો આજે અવસર છે.

શ્રી દામોદરદાસજીનો જન્મ સં. ૧૫૩૧માં મહાસુદ ચોથના દિવસે થયો હતો. શ્રીમહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે તેમની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી અને પોતાના પિતાજી થીરદાસની સાથે તે સમયે તેઓ ચંપારણ્ય ગયેલા પણ ખરા. શ્રીવલ્લભના પ્રાકટ્યનો અલૌકિક મહોત્સવ ઉજવાયો હતો તેનાં દર્શન તેમણે કરેલાં.

બાળપણથી તેઓ સંસારથી અલિપ્ત હતા. હસતા – રમતા નહિ. ભોજનની પણ પરવા ન કરતા. આખો દિવસ ઝરૂખામાં બેસી પોતાના પ્રાણપ્રેષ્ઠ વલ્લભની પ્રતીક્ષા કરતા અને એક દિવસ શ્રીવલ્લભનાં વર્ધાના રાજમાર્ગ ઉપરથી પધારતાં દર્શન થયાં કે તરત શ્રીવલ્લભ પાસે જઈ દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીવલ્લભે પૂછ્યુઃ “દમલા, તું આવ્યો?” સાંભળતાં જ દામોદરદાસજી શ્રીવલ્લભની સાથે ચાલી નીકળ્યા.

પછી તો સમગ્ર જીવનપર્યંત શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલની સેવામાં જ રહ્યા. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીની બ્રહ્મસંબંધની આજ્ઞા સિદ્ધાંતરહસ્ય ગ્રંથ રચી તેમને સમજાવી. એ દ્વારા પ્રભુની આજ્ઞાનું રહસ્ય તેમના હૃદયમાં સ્પષ્ટ કર્યું.

શ્રીવલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે દામોદરદાસની સાથે ભગવદ્​લીલાનું ચિંતન કરતા. ભગવદ્​વાર્તામાં તલ્લીન બની જતા. અવારનવાર આજ્ઞા કરતા – દમલા, ભગવદ્​વાર્તા કર્યે ઘણો સમય થઈ ગયો છે અને શ્રીઠાકોરજીના વિપ્રયોગમાં શ્રીવલ્લભ લીન થઈ જતા.

દામોદરદાસજી ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા માનતા. શ્રીનાથજીબાવાએ તે માટે તેમની કસોટી પણ કરેલી અને કસોટીમાં તેઓ સંપૂર્ણપણે પાર ઉતરેલા.

શ્રીમહાપ્રભજીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યારે શ્રીગુસાંઈજી યુવાન હતા. તેમનાં માતૃચરણોએ આજ્ઞા કરેલી કે પુષ્ટિમાર્ગ વિશે આપને જે કંઈ જાણવું હોય તે દામોદરદાસને પૂછજો, કારણ તમારા પિતૃચરણે તેમના હૃદયમાં પુષ્ટિમાર્ગ દૃઢ રીતે સ્થાપન કર્યો છે.

શ્રીમહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા પછી દર ત્રીજા દિવસે દામોદરદાસને પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપતા. આપશ્રીએ આજ્ઞા કરેલી કે દમલા, તું શ્રીગુસાંઈજીને મારું જ સ્વરૂપ જાણજે. તેમને દંડવત્ કરજે અને તેમનું ચરણોદક લેજે.

દામોદરદાસજી જરૂર પડ્યે શ્રીગુસાંઈજીને પણ શિખામણ આપતા વિનંતી કરતા અને શ્રીગુસાંઈજી તેમની શિખામણ માનતા પણ ખરા. એકવાર શ્રીગુસાંઈજીએ દામોદરદાસજીના ઘેર પધારી તેમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું અને દક્ષિણામાં દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને સિદ્ધાંતરહસ્ય ગ્રંથનો દોઢ શ્લોક સમજાવેલો. દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગની સેવાપ્રણાલી – નિત્યની અને ઉત્સવની – સમજાવેલી. શ્રીમહાપ્રભુજીના ગ્રંથો દીનતાપૂર્વક સમજાવેલા. તદુપરાંત શ્રીમહાપ્રભુજી સાથે થયેલી ભગવદ્​વાર્તા દામોદરદાસજી શ્રીગુસાંઈજી સમક્ષ કહેતા. પોતાનો દૈન્ય અને દાસભાવ સાચવીને દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગનું સર્વ અધ્યયન કરાવ્યું. પોતે ભગવદ્ સ્વરૂપ હોવા છતાં શ્રીગુસાંઈજી શ્રીવલ્લભના સેવક એવા આ ભગવદ્ ભક્તનો ઉત્કર્ષ પ્રકટ કરવા સર્વ કાંઈ તેમને પૂછીને જ કરતા !

આવા દામોદરદાસજી પૃથ્વી ઉપર ૭૭ વર્ષ સુધી બિરાજ્યા. સં. ૧૬૦૭માં નિત્યલીલામાં પધાર્યા.

જેમનું હૃદય શ્રીવલ્લભની અલૌકિક ભગવદ્​વાર્તાની રસવર્ષા દ્વારા નિરંતર ભગવદ્ રસથી ભરેલું રહેતું એવા ભક્તશિરોમણી મહાનુભાવ પુષ્ટિસૃષ્ટિ અગ્રેસર શ્રી દામોદરદાસજીને આજના તેમના પ્રાકટ્ય દિવસે કોટિ કોટિ વંદન કરીએ.

(રાગ – સારંગ)

આજ બધાયો મંગલચાર,

માઘ માસ શુક્લ ચોથ હૈ, હસ્ત નક્ષત્ર રવિવાર. (૧)

પ્રેમસુધાસાગર રસ પ્રકટ્યો, આનંદ બાઢ્યો અપાર,

દાસ રસિક જન જાય બલિહારી, સરબસ દિયો બાર. (૨)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/Harsaniji-Vadhai.mp3|titles=Harsaniji Vadhai]

(સ્વર – શ્રી ભગવતી પ્રસાદ ગાંધર્વ)

શ્રીવિઠ્ઠલ વંદના

Shri Gusaniji_72 DPI

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર,

ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર.

ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ,

શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ.

મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય,

ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય.

(શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી)

શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી નૌકાના સહારે જ આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય તેમ છે, કારણ કાગળની નાવ ઉપર બેસી (અન્ય સાધનોના બળે) કોઈ પાર ઉતરી શક્યું નથી.

જન્મમરણરૂપી આ ભવસાગરને તરવાની રીત બહુ જ અટપટી છે. જીવ સ્વપ્રયત્ને કે અન્ય સાધનથી તેને પાર કરી શકતો નથી. માત્ર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના પ્રતાપબળે, તેમની કૃપાથી તરત તેને પાર કરી શકાય છે.

જેમ માછલી જળમાં જ જીવીત રહે છે, બહાર કાઢતા મરી જાય છે, તેમ વૈષ્ણવે પણ શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણના આશ્રયે જ રહેવું જોઈએ. તેમનાં ચરણોમાં જ ચિત્ત રાખવું જોઈએ.

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

(૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ ।

પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી.

(૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ ।

આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર શ્રીહરિનું જ શરણ વિચારવું.

(૩) અવિશ્વાસો નૈવ કર્તવ્ય ।

પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો.

(૪) ન લૌકિકઃ પ્રભુ કૃષ્ણઃ મનુતે નૈવ લૌકિકમ્ ।

પ્રભુ શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરવા સમર્થ એવા અલૌકિક છે. તેમનામાં ગંધમાત્ર પણ પ્રાકૃતપણું – લૌકિકપણું નથી. લૌકિક ભાવે કરેલી સેવાથી તેઓ પ્રસન્ન થતા નથી.

(૫) કૃષ્ણસેવા સદા કાર્યા ।

વૈષ્ણવે ક્ષણમાત્ર પણ ગુમાવ્યા વિના કૃષ્ણની સેવા કરવી જોઈએ.

(૬) ચેતસ્તત્પ્રવણં સેવા, તત્સિદ્ધયૈ તનુવિત્તજા ।

ચિત્ત પ્રભુમાં પરોવાય તેનું નામ સેવા. આવી સેવા પોતાના તન અને ધનનો સાથે વિનિયોગ કરવાથી થાય છે.

(૭) અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્ વર્જનમાચરેત્ ।

પ્રભુને અંગીકાર કરાવી ન હોય, તેવી બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

(૮) ભગવત્સેવાયામપિક્લિષ્ટં ન સમર્પયેત્ ।

લોકને, આત્માને અને મનને ક્લિષ્ટ લાગતા પદાર્થો પ્રભુને ન સમર્પવા.

(૯) ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત્કૃષ્ણમ્ ।

ઘરમાં જ રહી, વર્ણાશ્રમ ધર્મના પાલનપૂર્વક, તેમાં આવૃત્ત થયા વિના કૃષ્ણની સેવા કરવી.

(૧૦) વ્યાવૃત્તોપિ હરૌ ચિત્તં, શ્રવણાદૌ યતેત્સદા ।

ઘરમાં રહેવાથી જો ચિત્ત તેમાં આવૃત્ત રહે, તો પણ શ્રવણ-કીર્તન દ્વારા ચિત્તને પ્રભુમાં લગાડવાનો સદા પ્રયત્ન કરવો.

(૧૧) અભિમાનશ્ચ સંત્યાજ્યઃ સ્વામ્યધીનત્વભાવનાત્ ।

હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે એમ વિચારી અભિમાનનો ત્યાગ કરવો.

(૧૨) પ્રાર્થિતે વા તતઃ કિં સ્યાત્ સ્વામ્યભિપ્રાયસંશયાત્ ।

પ્રભુમાં શંકા લાવીને પ્રભુ પાસે કશું પણ માગવું નહિ.

(૧૩) ભાર્યાદીનાં તથાન્યેષામસતશ્ચાક્રમં સહેત્ ।

પત્ની વગેરે કુટુંબીજનો તથા નોકરોના બધા પ્રકારના દુર્વ્યવહારોને સહન કરવા. તેમનો તિરસ્કાર ન કરવો.

(૧૪) વિષયાક્રાન્તદેહાનાં નાવેશઃ સર્વથા હરેઃ ।

કામ, ક્રોધ, વગેરે વિષયોથી ગંદા શરીરમાં શ્રીહરિનો અનુભવ સર્વથા થતો નથી.

(૧૫) આપદ્​ગત્યાદિ કાર્યેષુહઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા ।

આપત્તિ આવી પડે ત્યારે કોઈ પણ વાતની હઠ ન કરતાં, તે વિવેકપૂર્વક છોડવી.

(૧૬) ત્રિદુઃખસહનં ધૈર્યમ્ ।

ત્રણે પ્રકારનાં – સર્વ દુઃખો ધીરજપૂર્વક સહન કરવાં.

(૧૭) સર્વં સહેત્ પરુષં સર્વેષાં કૃષ્ણ ભાવનાત્ ।

સર્વના અંતર્યામી શ્રીકૃષ્ણ જ પરોક્ષરૂપે ઉપદેશ આપે છે, તેમ વિચારી સર્વ પ્રકારની કઠોરતાઓ સહન કરવી.

(૧૮) કૃષ્ણે સર્વાત્મકે નિત્યં સર્વથા દીનભાવના ।

જડ-ચેતન સર્વમાં કૃષ્ણ છે, એમ વિચારી, સર્વત્ર ભગવદ્​બુદ્ધિ રાખવી. માન મેળવવાની ઇચ્છા ન રાખતાં, હમેશાં દીનતા રાખવી.

(૧૯) સર્વથા તદ્ ગુણાલાપં નામોચ્ચારણમેવ વા, સભાયામપિ કુર્વીત નિર્ભયો નિઃસ્પૃહસ્તતઃ ।

સર્વત્ર પ્રભુના ગુણગાન ગાવા અને નામોચ્ચાર કરવાં. તેમાં સંકોચ ન કરવો.

(૨૦) સાધનં પરમેતદ્ધિ શ્રીભાગવતમાદરાત્, પઠનીયં પ્રયત્નેન નિર્હેતુકમદંભતઃ ।

નિષ્કામભાવથી, દંભ રાખ્યા વિના, પરમ સાધન એવા શ્રીભાગવતનું નિત્ય આદરપૂર્વક પઠન કરવું.

(૨૧) તુલસીકાષ્ઠાજામાલા તિલકં લિંગમેવ તત્ ।

હમેશાં તુલસી-કાષ્ઠની માળા અને કંકુયુક્ત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં.

(૨૨) એકાદશ્યુપવાસાદિ કર્તવ્યં વેધવર્જિતમ્ ।

વેધરહિત (અરુણોદયે દશમી ન હોય) એકાદશી અને ચાર જયંતિ – કૃષ્ણ, વામન, રામ, નૃસિંહ – વ્રતો કરવાં.

(૨૩) તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં દ્રુતં ત્યજેત્ ।

આવી પડેલી મહા આપત્તિ પણ પ્રભુની લીલા છે, પ્રભુ સર્વ દોષો દૂર કરવા સમર્થ છે, તેમ વિચારી ચિંતાને તત્કાળ છોડી દેવી.

(૨૪) વૃથાલાપક્રિયાધ્યાનં સર્વથૈવ પરિત્યજેત્ ।

પ્રભુના સંબંધ વિનાનું બોલવું, ક્રિયા કરવી અને વિષયોનું ધ્યાન ધરવું – આ ત્રણેનો સર્વથા ત્યાગ કરવો.

​​

(૨૫) સ્મરણં, ભજનં ચાપિ ન ત્યાજ્યં ઇતિ મે મતિઃ ।

પ્રભુનું સ્મરણ અને સેવા પણ ન છોડવાં એવો મારો (શ્રીવલ્લભનો) અભિપ્રાય છે.

ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ

‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો,

તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો;

પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’

આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ

‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત ગાગરીમેં.’

એક પનિહારી માથા ઉપર પાણીનું બેડું ભરીને આવતાં

સખી-સાહેલીઓ સાથે રસમય વાતો કરતી ચાલે,

પણ તેનું ચિત્ત માથા ઉપરના બેડામાં જ હોય છે.

તેથી હલનચલન થવા છતાં બેડું પડી જતું નથી.

આમ, આપણે પણ સંસારના સર્વ વ્યવહારો કરતાં કરતાં,

આપણું ચિત્ત પ્રભુમાં સ્થિર રાખી, ગોવિંદને ભજીશું તો જરૂર ગોવિંદ મળશે.

શ્રી દયારામભાઈ ગાય છેઃ

‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રીકમજીશું તાળી.’

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી