પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી,

તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧)

શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી,

સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨)

શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી,

શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩)

બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી,

કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪)

ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.

ગમતું શ્રી નટવરલાલજીનું થાયે જી. (૫)

ચોથું તત્વ શ્રીયમુનાજીને જાણો જી,

કરો દર્શન ને પયપાન એ સુખ માણો જી. (૬)

પાંચમું તત્વ શ્રીવ્રજભૂમિજીને ગાઈએ જી,

નિત્ય ઊઠી વૈષ્ણવજન પદ રજ લઈએ જી. (૭)

પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી,

તો મન વાંછિત ફલ સરવે પાઈએ જી. (૮)

પાંચ તત્વ શિવ – બ્રહ્માદિકને દુર્લભ જી,

શ્રીવલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ કીધાં સર્વે સુલભ જી. (૯)

એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી જી,

એ લીલા ગાજો નિત્ય નર ને નારી જી. (૧૦)

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

mahaprabhji_pragtyaઆજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં,

શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦

ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી,

નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦

નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી,

શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦

ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો,

નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦

ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં,

ગુલાલને  પુષ્પો  વરસાવ્યાં. વધામણાં રે૦

પુષ્ટિનો નાથ ઝૂલે સોનાના પારણે,

દાસ ‘ગોપીજન’ આનંદ પામે. વધામણાં રે૦

મારું મન મોહ્યું રે

મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે,


લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે.


મોર  મુકુટ  મકરાકૃત  કુંડલ,  પીતાંબરને  પટકે… મારું૦


વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦


હું જલ જમુના ભરવા ગઈ’તી, હેલ ચડાવીને અટકે… મારું૦


‘વલ્લભ’ના સ્વામી સંગ રંગભર રમતાં, ઘર ખોયા નવ ખટકે… મારું૦

મને મારું ગોકુલ યાદ બહુ આવે

મને મારું ગોકુલ યાદ બહુ આવે,

મને તારા મથુરામાં જરાયે ન ફાવે.

મને મારા ગોવાળ યાદ બહુ આવે,

મારા માટે નવાં નવાં માખણ લાવે.

મને મારી ગોપીઓ યાદ બહુ આવે,
મારા માટે નવાં નવાં ખિલૌના લાવે.

મને મારાં જશોદામા યાદ બહુ આવે,

ખાંડણીએ બાંધ્યો એ તો કેમ રે વિસરાય.

મને મારાં યમુનાજી યાદ બહુ આવે,

કાળીનાગને નાથ્યો એ તો કેમ રે ભૂલાય.

મને મારા યમુનાના ઘાટ યાદ બહુ આવે,

રાધા દુલારી ત્યાં જળ ભરવા આવે.

વૃંદાવનની વાટો મને યાદ બહુ આવે,

બંસી બટનો ચોક મને યાદ બહુ આવે.

શરદ પૂનમની રાત મને યાદ બહુ આવે,

ગોપીઓનો પ્રેમ મને કદીયે ન ભૂલાય.

બારણાં વાસીને છપ્પન ભોગ ધરાવે,

માખણ મીસરીનો ભોગ ધરાવે.

માખણ મીસરીને તોલે કાંઈ નવ આવે,

મને મારી વ્રજભૂમિ યાદ બહુ આવે.

થનક થનક થૈઈ થૈઈ રાસ રચાવે,

કૃષ્ણ કહે ઓધવ ઝાઝું શું બોલવું.

ગોકુલની લીલાનો પાર ના આવે,

મને મારું ગોકુલ યાદ બહુ આવે.

શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ

(રચનાઃ ભક્તકવિ દયારામ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું.

મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦

કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦

મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦

કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે ખોયું,….જેણે૦

‘દયા’ના પ્રીતમજીશું પ્રીત નથી જેને, માતપિતા નામને વગોવ્યું…..જેણે૦

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi]

(રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી)

શ્યામ રંગ સમીપે ન જાવું મારે,
આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સહુ એક સરખું,
સર્વમાં કપટ હશે આવું… મારે૦
કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને,
કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦
નીલાંબર કાળી કંચુકી ન પહેરું,
જમુનાના નીરમાં ન નહાવું… મારે૦
મરકત મણિ ને મેઘ દ્રષ્ટે ન જોવા,
જાંબુ વંત્યાક ના ખાવું… મારે૦
‘દયા’ ના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો,
પણ મન કહે છે પલક ના નિભાવું… મારે૦

સાચા સગા છો શ્રીનાથજી

સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે,

સાચા સગા છો શ્રીનાથજી… (૧)

બીજું સગું તે સૌ મુખથી કહેવાનું,

દુઃખમાં નહિ આવે કોઈ સાથજી… સોહાગી. (૨)

અખિલ બ્રહ્માંડના ઈશ છે એ મહાપ્રભુ,

જગતની દોરી જેને હાથજી… સોહાગી. (૩)

એ પ્રભુને છોડી બીજે જયાં જયાં ભટકવું,

ત્યાં ત્યાં ધુમાડાના બાથજી… સોહાગી. (૪)

‘ગોપાલલાલ’ એમના ચરણમાં જવાને,

શરણે પડયો છું અનાથજી… સોહાગી. (૫)

વાંકે અંબોડે શ્રીનાથજીને

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ,
શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧)
પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર,
પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨)
કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર,
ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩)
હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં પાર,
અધર બિંબ એ રસિક છે, ઝળકે તે જ્યોત પ્રકાશ. (૪)
બાંહે બાજુબંધ બેરખા, હરિના ખીંટળિયાળા કેશ,
નિરખ્યા ને વળી નિરખશું, એનો પાર ના પામે શેષ. (૫)
ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટિ મધ્ય હાથ,
કૃપા કરો શ્રીનાથજી, મ્હારા હૈડાં તે ટાઢા થાય. (૬)
પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીના હાર,
કૃપા કરો શ્રીનાથજી બલિહારી તે માધવદાસ. (૭)
માધવદાસ કહે હરિ, મારું માગ્યું આપો ને મહારાજ,
વળી વળી કરું વિનતી, મને દેજો ને વ્રજમાં વાસ. (૮)

શ્રાવણી પર્વ (૭)

Jiji5

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ.

આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ.

આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે. આપનાં અનેક કાવ્યો ‘સાંવરિયા શેઠની શેઠાણી’, ‘મોગરાનો શ્વાસ’, ’ગાવલડી મારે બનવું છે’ જેવાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે તેમજ કેસેટ-સીડી દ્વારા પણ પ્રકાશિત થયાં છે.

આ કાવ્યો આપશ્રીના ભક્તહૃદયની ભાવુકતા, કવિહૃદયની કોમળતા અને મધુરતા તથા વિદ્વત્તાના પ્રતીક સમાં છે. આજે જોઈએ આવું જ એક કાવ્ય.

શ્રીજી દેખાય

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

———————————————————————————–

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-7.mp3|titles=shravani parva-7]

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…

ગોપીના ઘટ અને યમુનાના પટમાં

રાધાના મુખ પર ચોટેંલી લટમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૧

રાધાની ચૂંદડી ને રાધાની બંગડીમાં

રાધાની બિન્દી ને મ્હેન્દીનાં રંગમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૨

હોળીમાં લાલ લાલ ગુલાલભરી ઝોળીમાં

રાધાની ચંદનીયા રંગભરી ચોળીમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૩

ગોવર્ધન કંદરા ને ગહ્વર તે વનમાં

રાધાના રસભર્યા ભીના ભીના મનમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૪

કોયલના ટહૂકા ને ગોરીના મટકામાં

રાધાનાં માન-તાન લ્હેકા ને ઠમકામાં

જ્યાં જોઉ ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૫

‘‘શ્રાવણી’’ કહે છે મને કણકણમાં પ્રાણમાં

રાધાનાં માનને ગુમાનભર્યાં વાનમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૬

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

———————————————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6]

હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ

મારા મનડાનો મોર

મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા.

મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ

મારી સેંથીમાં સિન્દુર

એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર.

મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ

મારા કંઠે કઠુલો

એના રંગનો જડાવ…. મારા મનડાનો મોર.

એનું મલપન્તું મુખ… મારી બિન્દીએ ચિતરાવ

એના નામની છાપેલી

મને ઓઢણી ઓઢાવ…. મારા મનડાનો મોર.

મારા મધમીઠા ગાલ પર… મરવટ મંડાવ

મારી નાસિકામાં નથણી

એના નામની પહેરાવ…. મારા મનડાનો મોર.

એના હાથમાં હાથ મારો… તું જ પધરાવ

તારા શ્રીજીની સંગે મને

તું જ પરણાવ…. મારા મનડાનો મોર.

તું તો ‘‘શ્રાવણી’’ ને કેસરીયા… જળથી ભીંજાવ

મને વનરાવન કુંજના

કૃષ્ણસું મિલાવ…. મારા મનડાનો મોર.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી