શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા

રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા

વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ,

વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા

ભક્તિઅમૃત પીનેવાલે,

પ્રેમ સભીકો દેનેવાલે

પ્રભુ ચરણોકે પરવાને હમ,

છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા

રાગ ભોગસે દૂર રહેં હમ

ભગવદ્ રસ ભરપૂર રહેં હમ

હરિ હરિ મુખસે રટનેવાલે,

દિવાને દિલવાલે હૈં ….પુષ્ટિ પતાકા

અહંકાર નહીં મનમેં આયે,

દાસોહમ્કી ધૂન લગાયે

સેવક બનકર શ્રીજીકી હમ,

સેવા કરનેવાલે હૈ …..પુષ્ટિ પતાકા

આત્મસમર્પણ ધ્યેય હમારા,

સેવ્ય સદા શ્રી નંદદુલારા

‘‘શ્રાવણી’’ જગમેં પુષ્ટિ પતાકા,

લેકર ચલનેવાલે હૈ ….પુષ્ટિ પતાકા

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨)

પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને ૨, લાવ હથેળી, શામળિયા શ્રીનાથજી વગેરે કેસેટો પણ પ્રસિદ્ધ થઈ છે. તો ચાલો, આપણે પણ “શ્રાવણી”નું આવું જ એક સુંદર ભાવવાહી પદ માણીએ.

————————————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-2.mp3|titles=shravani parva-2]

સફળ થયો અવતાર રે…

વલ્લભકુળના વ્હાલા શ્રીનાથજી, શ્રીગોવર્ધનનાથ રે…

હું અબળા મતિ મંદને તોયે, મારો ઝાલ્યો હાથ રે…

લાલકમળદળ લોચન ખોલી, વરસાવી રસધાર રે…

મધુરું મુખડું મલકાવીને, આંખડી કીધી ચાર રે…

ભાન રહ્યું ના મુજને ત્યારે ભૂલી, ઘરને બ્હાર રે…

વદનકમળ શ્રીજીનું નીરખી, પામી પુષ્પનો સાર રે…

લગની એવી મનમાં લાગી, કહ્યું મેં જુગદાધાર રે…

શ્રીજી ઓ સાંવરિયા સ્વામી, આવી છું તમ દ્વાર રે…

યુગ યુગના કંઈ વ્હાણા વાયા, તરછોડી આ નાર રે…

તાણી લો નિજ લીલામાં પ્રભુ, કરશો ના હવે વાર રે…

નથી મને આ ભૂતળ ગમતું, કરોને મુજ ઉદ્ધાર રે…

શ્રીજીએ પછી કરુણા કીધી, કહું શું અપરંપાર રે…

ચરણકમલની રજમાં રાખી, ભુલાવ્યો સંસાર રે…

મુજને લાગ્યું અબળાનો આ, સફળ થયો અવતાર રે…

“શ્રાવણી”ને નિજ સેવાનો પછી, આપ્યો કંઈ અધિકાર રે…

વૈષ્ણવજનનું જીવન સેવા એ હું પામી સાર રે…

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧)

શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું.

————————————————————————

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1]

વલ્લભ વ્હાલા વિનંતી મારી

ભાવભરી સ્વીકારજો

અમસરખા જીવોને નિજની

સેવામાં સંભારજો…

વિકળ હૃદય ને નયન આંધળા

આપને જોવા ઝંખે;

કમળ સમી બે આંખડીમાંથી

કરુણારસ વરસાવજો…

મધદરિયામાં નાવડી વલ્લભ!

હાલક ડોલક થાતી;

અંતસમે અલબેલા મારી

નાવડીને હંકારજો…

ચંચળતા ચગડોળે ચઢતી

ચિત્તને ક્યાંય ભમાવે;

વંઠેલા ચિતડાને વલ્લભ!

ચરણોમાં ચોંટાડજો…

અજવાળાં અંતરને આપી

અંધારાં ઉતરાવજો;

સપનામાં સૂતેલા જનને

નિંદરથી ઉઠાડજો…

કહે ‘શ્રાવણી’ વલ્લભ વ્હાલા

પુષ્ટિનો રસ આપજો

દાસજનો પર દયા કરીને

સેવાનું સુખ આપજો…

પવિત્રા બારસ

પવિત્રા બારસ

pavitra baras

સમર્પણ ધોળ

આજનો દિવસ મારે અતિ મંગલકારીજી

શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી.

સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી.

ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી.

જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી.

પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી.

આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી

તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી.

તે જીવનો અમે કરીશું અંગીકાર

કદી નહિ ત્યજીએ એ સમર્પિત જીવને જી.

પ્રભુની વાણી સાંભળી આનંદ ઉર થાયજી

પવિત્રું ધરી મીસરી ભોગ ધરાવ્યોજી

પ્રથમ બ્રહ્મસંબંધ હરસાનીજીને કરાવ્યું જી.

આજનો દિવસ પુષ્ટિપથનો આરંભકારીજી.

દૈવી જીવના ભાગ્ય તણો નહિ પારજી.

‘સુરપ્યારી’ના વલ્લભને આનંદ ઘણો થાય જી.

શ્રાવણ સુદ બારસ-પવિત્રા બારસ. આજે આપણા પુષ્ટિમાર્ગની વર્ષગાંઠ છે. આજે શ્રીમહાપ્રભુજીએ શ્રીદામોદરદાસ હરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મસંબંધ આપ્યું. આજે પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ.

શ્રીમહાપ્રભુજીએ આજના શુભ દિને શ્રીદામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરીઃ ‘દમલા, યહ મારગ તેરે લિયે હૈ’.

આ આજ્ઞાનું રહસ્ય આપણે વિચારીએ. શ્રીહરસાનીજી સર્વ પુષ્ટિભક્તોનું મૂળ છે. તેમનો જ અંશ આપણા બધા પુષ્ટિ જીવોમાં છે, તેઓ અંશી છે. આપણે તેમના અંશ છીએ. તેથી આ માર્ગ એટલે પુષ્ટિમાર્ગ શ્રીહરસાનીજીના અંશરૂપ પુષ્ટિજીવો માટે જ છે, બધા માટે નથી.

માર્ગની વ્યાખ્યા છેઃ ‘જેના પર ચાલીને નિશ્ચિત લક્ષ્ય મેળવી શકાય તે.’ પુષ્ટિજીવોનું નિશ્ચિત લક્ષ્ય છે ભગવદ્ સેવા – ભગવદ્ પ્રાપ્તિ. આ સિવાય પુષ્ટિજીવોનું કોઈપણ સમયે, કોઈપણ સ્થળે, કોઈપણ સ્થિતિમાં બીજું કર્તવ્ય નથી.

બ્રહ્મસંબંધ દ્વારા પુષ્ટિજીવના હૃદયમાં રહેલી ભક્તિરૂપી બીજને પાંગરવાનો અવકાશ મળે છે. તે જ ભગવદ્ કૃપા. માર્ગે ચાલવા અને લક્ષ્યસ્થાને પહોંચવા ઝડપી સાધન વધુ ઉત્તમ. ભક્તિરૂપી બીજના વિકાસ માટે પ્રારંભમાં ભગવદ્ સેવા-તનુ વિત્તજા સેવા – સાધન સેવા છે. તે જ ભગવદ્ કૃપાથી ફલરૂપા  બને, ત્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.

આવો અધિકાર પુષ્ટિના માર્ગે ચાલવાનો શ્રીમહાપ્રભુજીએ આપણને – પુષ્ટિજીવોને આપ્યો છે, તેથી આપ આજ્ઞા કરે છેઃ ‘યહ મારગ તેરે લિયે હૈ’.

શ્રીદામોદરદાસજીની આડીથી સર્વ પુષ્ટિજીવોનો આજે નવો જન્મ-આધ્યાત્મિક જન્મ થયો. આજે આપણે “વૈષ્ણવ” બન્યા.

આજે આપણે આપણા પોતાના સાચા સ્વરૂપને જાણ્યું. આપણે આપણા સ્વામી-પ્રભુને જાણ્યા. આપણે પ્રભુને સર્વ સમપર્ણ કર્યું. આપણે તેમના દાસ બન્યા. આપણને તેમની સેવાનો અધિકાર મળ્યો.

આજે આપણે શ્રીમહાપ્રભુજીને આપણા ગુરુપદે પધરાવ્યા. આપણે તેમના સેવક બન્યા. તેમણે બતાવેલા માર્ગે – પુષ્ટિમાર્ગે – ચાલવા આપણે પ્રતિજ્ઞા કરી.

હવે આપણે સંસારમાર્ગના ભટકતા, બેજવાબદાર મુસાફર નથી.  આપણે પુષ્ટિપંથના કર્તવ્યનિષ્ઠ, વ્રતધારી યાત્રિક છીએ. ભગવદ્-સેવા-સ્મરણ આપણાં એકમાત્ર કર્તવ્ય છે. વિસરાયેલાં કર્તવ્યોનું આચરણ કરવા આપણે આજથી જ કટિબદ્ધ બનીએ. હજી આપણે મોડા નથી.

“ન ભૂલે તમે છો કૃપામાર્ગ પંથી, કૃપાપાત્ર થવા કરો પ્રેમભક્તિ.”

ચાલો, આપણે સૌ ભય છોડીને, પુષ્ટિના આ રાજમાર્ગે ચાલવાનો આરંભ કરી જ દઈએ. ‘યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.

વર્ષગાંઠના શુભ દિને આપણા ગુરુદેવ શ્રીમહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત.

તમને સૌને વર્ષગાંઠની શુભકામનાઓ.

પવિત્રાનું પદ

પવિત્રાનું પદ

રચનાઃ શ્રી દ્વારકેશજી મહારાજ

(રાગઃ મલ્હાર)

શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર ।।૧।।

સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બિધ ઈચ્છાકો નિસ્તાર ।।૨।।

તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખતેં વચન કહત ઉચ્ચાર ।।૩।।

અબતેં કરોં બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધ ।।૪।।

વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ ।।૫।।

તબતેં સેવા રીત બતાઈ, પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ ।।૬।।

પુષ્ટિભજન રસરીત દીખાઈ, નિજજન યહ તજ અનત ન જાઈ ।।૭।।

ભવજલ નિધિતેં લિયે તરાઈ, સેતુબંધ જ્યોં પાજ ર્બંધાઈ ।।૮।।

શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલરાઈ, દ્વારકેશ અનુચર પદ પાઈ ।।૯।।

શ્રી દ્વારકેશજી મહારાજે આ પદમાં શ્રીવલ્લભના જીવનનો એક પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે, પુષ્ટિમાર્ગની સ્થાપનાનો પ્રકાર બતાવ્યો છે.

આપશ્રી પ્રથમ પંક્તિમાં કહે છે કે ‘શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર.’ શ્રાવણ માસની મેઘલી રાત છે. ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રીવલ્લભ પોઢ્યા છે. નિદ્રા આવતી નથી, પોતે વિચાર કરે છે કે મારું ભૂતલ ઉપર પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવો આ પૃથ્વી ઉપર આવીને આસુરી જીવોની સાથે રહીને, તેમના સંગદોષને કારણે પ્રભુને ભૂલી ગયા છે. પોતે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, તે બાબતનો પણ તેમને ખ્યાલ નથી. અનેક દોષોથી ભરેલા આવા દૈવી જીવોનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ  કેવી રીતે કરાવવો? તેમનો ઉદ્ધાર કઈ રીતે કરવો. પ્રભુની ઈચ્છા લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવોને પાછા ગોલોકમાં લાવવાની છે. તો પ્રભુની આ ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરવી? ‘સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બીધી ઈચ્છાકો નિસ્તાર?’

શ્રીવલ્લભની આ ચિંતાનો ઉકેલ લાવવા ‘તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર’ તરત જ શ્રીઠાકોરજી ત્યાં પ્રગટ થયા. શ્રીગોકુલચંદ્રમાજી સ્વરૂપે આપ પધાર્યા. શ્રીવલ્લભે દર્શન થતાં તરત જ ઊઠીને શ્રીઠાકોરજીને દંડવત પ્રણામ કરી વિનંતી કરી. ‘મહારાજ, આપ અત્યારે અહીં?’ મુખતે વચન કહત ઉચ્ચાર.

‘વલ્લભ, દૈવી જીવોના ઉદ્ધારનો ઉપાય બતાવવા આવ્યો છું.’ અબતેં કરો બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધઃ હું આપને એક મંત્ર આપું છું આ મંત્રની દીક્ષા દ્વારા આપ જીવને શરણે લઈ મને સોંપજો. જે જીવને આપ બ્રહ્મસંબંધ કરાવશો તેના પાંચે પ્રકારના દોષ દૂર થશે. એ જીવ સદોષમાંથી નિર્દોષ બનશે. એ જીવનો હું અંગીકાર કરીશ. પછી કદી એનો ત્યાગ નહિ કરું.’

દૈવી જીવોના ઉદ્ધારનો ઉપાય મળતાં શ્રીવલ્લભ ખૂબ પ્રસન્ન થયા. શ્રીઠાકોરજીએ આપને ગદ્યમંત્ર  બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીને પોતાની પાસેનું પવિત્રું ધર્યું અને મિસરીનો ભોગ ધર્યો.

વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ. શ્રીવલ્લભે મધુરાષ્ટક દ્વારા પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ  અંતર્ધાન થયા. આ સમયે દામોદરદાસ હરસાનીજી વગેરે સેવકો આપની સાથે હતા. શ્રીવલ્લભ પૂછે છેઃ ‘દમલા, તેને કછુ સૂન્યો?’ દમલા, તેં કંઈ સાંભળ્યું? ‘મહારાજ, સૂન્યો તો સહી, પર સમજ્યો નાહી’ દામોદરદાસજીએ દીનતાપૂર્વક કહ્યું કે મહારાજ, સાંભળ્યું તો ખરું પણ  કાંઈ સમજ્યો નહિ. શ્રીમહાપ્રભુજીએ સવારે સ્નાન કરીને દામોદરદાસજીને સૌ પ્રથમ શ્રીઠાકોરજીની આજ્ઞા પ્રમાણે બ્રહ્મસંબંધની દીક્ષા આપી. ‘સિદ્ધાંતરહસ્ય’ નામનો ગ્રંથ રચી શ્રી ઠાકોરજીની આજ્ઞા અક્ષરેઅક્ષર સમજાવી. આમ પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ. આ દિવસ હતો શ્રાવણ સુદ અગિયારસ અને બારસનો, જેને આપણે પવિત્રા અગિયારસ અને પવિત્રા બારસ તરીકે ઓળખીએ છીએ.

‘તબતેં સેવા રીત બતાઈ’ શ્રીવલ્લભે જે જીવોને શરણે લઈ બ્રહ્મસંબંધ દીક્ષા આપી, નામ નિવેદન કરાવ્યું તેમને પોતાના કર્તવ્ય તરીકે ‘પ્રભુની સેવા’ કરવાનું સમજાવ્યું. શ્રીઠાકોરજી પધરાવી દીધા. સેવાની સર્વ રીત શીખવી.

‘પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ’ પુષ્ટિમાર્ગનું પરમ ફલ બતાવ્યું કે પ્રભુની સેવા અને સમર્પિત જીવન એ જ પુષ્ટિમાર્ગનું સાચું ફળ છે. સેવા એજ કર્તવ્ય અને સેવા એ જ ફળ. બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી, વૈષ્ણવ બન્યા પછી, વૈષ્ણવનું કર્તવ્ય પ્રભુને સમર્પિત જીવન જીવવાનું છે.  પ્રભુના પ્રસાદી અન્નથી પેટ ભરવાનું છે. અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવાનો છે.

‘પુષ્ટિભજન રસ રીત દિખાઈ’ પુષ્ટિમાર્ગીય ભક્તિનો રસભરેલો માર્ગ બતાવ્યો. પુષ્ટિભક્તિ એ આનંદનો માર્ગ છે. અહીં જપ, તપ, વ્રત, ઉપવાસ જેવાં સાધન કરવાનાં નથી. આનંદપૂર્વક પ્રભુની રાગ-ભોગ-શૃંગાર યુક્ત સેવા કરવાની છે. સેવાની એ રસરીત, શ્રીવલ્લભે વૈષ્ણવોને બતાવી.

‘નિજજન યહ તજ અનત ન જાઈ.’ શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે  શ્રીવલ્લભે સેવાનો જે આનંદભર્યો માર્ગ બતાવ્યો છે, તે નિજજનોને શ્રીવલ્લભના સેવકોને એવો ગમી ગયો છે કે તેઓ એ માર્ગને છોડીને બીજે ક્યાંય જતા નથી.

‘ભવજલ નિધિતેં લિયે તરાઈ’ આ રીતે શ્રીવલ્લભે પ્રભુ સેવાના આ અલૌકિક માર્ગ દ્વારા ભવસાગર  આ સંસારરૂપી સાગરમાંથી ભક્તોને તારી લીધા. સંસાર સાગરમાંથી પાર ઉતરવા સેવારૂપી સેતુબંધ પાળ બંધાવી દીધી. જેના દ્વારા ભક્તો પ્રભુને પામી શકે. સેતુબંધ જ્યોં પાજ બંધાઈ.

‘શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલરાઈ દ્વારકેશ અનુચર પદ પાઈ.’ શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે હે શ્રીવલ્લભ, હે શ્રી વિઠ્ઠલ, આપની કૃપાથી મને આપના આ સેવામાર્ગમાં અનુચરનું-સેવકનું પદ પ્રાપ્ત થયું છે એ મારું ભાગ્ય છે.

આ પ્રસંગને યાદ કરી પવિત્રા અગિયારસના દિવસે શ્રીઠાકોરજીને આપણા હાથે સિદ્ધ કરેલું, ૩૬૦ તારનું સૂતરનું પવિત્રું ધરીએ અને મધુરી મીસરી આરોગાવીએ.

પવિત્રા બારસના દિવસે આપણા ગુરુદેવને પવિત્રા ધરી, આપણી ગુરુભક્તિને શ્રીવલ્લભના ચરણોમાં ન્યોછાવર કરીએ. પવિત્રાબારસનો ઉત્સવ પુષ્ટિમાર્ગની ગુરુપૂર્ણિમા છે. ગુરુ પ્રત્યેના પૂર્ણ ભાવથી તેને ઉજવીએ.

ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો.

શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું જ્ઞાન ભક્તિ દ્વારા થાય છે. ભક્તિથી ચરણારવિંદનું સ્વરૂપ સમજીને લાંબા સમય સુધી સારી રીતે આદરપૂર્વક એ ચરણોનું ધ્યાન કરવું. આને ‘ચરણભક્તિ’ કહેવામાં આવે છે. આવી ચરણભક્તિ ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે. પ્રભુનાં ચરણમાં સોળ અલૌકિક ચિહ્નો રહેલાં છે. વજ્રનું ચિહ્ન ભક્તોનાં પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે, અંકુશનું ચિહ્ન ભક્તોના મનરૂપી હાથીને વશમાં રાખે છે, ધ્વજાનું ચિહ્ન એમ બતાવે છે કે જે ભક્તો પ્રભુનાં ચરણમાં રહે છે તેમના સર્વ ભય દૂર થાય છે. ચરણકમળનું સુખથી સેવન થઈ શકે છે એમ જણાવવા કમળનું ચિહ્ન છે.

આવાં ષોડશ ચિહ્નોથી યુક્ત પ્રભુનાં ચરણ છે. આ ચરણોને ભક્તિના અધિષ્ઠાતા દેવ કહ્યા છે. આપણે ધ્યાન કરીએ છીએ તેનો સંબંધ મન સાથે છે. તેથી મન શુદ્ધ ન હોય તો ધ્યાન થઈ શકતું નથી. મનમાં રહેલા પાપ અને અશુદ્ધિનો નાશ ભગવદ્ચરણના સ્પર્શથી થાય છે. ભગવદ્ચરણ પાપનો નાશ કરે છે અને સાથે-સાથે દેહ અને મનને, શુદ્ધ અને પવિત્ર કરે છે. આમ, ભગવદ્ચરણના સ્પર્શથી મન શુદ્ધ થતાં લાંબા સમય સુધી પ્રભુનું ધ્યાન કરી શકાય છે, તેથી મન આધિદૈવિક બને છે.

શ્રીમહાપ્રભુજીએ પ્રભુનાં ચરણકમળનાં ત્રણ સ્વરૂપ બતાવ્યાં છે. સત્સંગ અને શ્રીમદ્ ભાગવત ભગવાનનાં આધિભૌતિક ચરણ છે. સત્સંગ એટલે જ્ઞાન અને ભાગવત એટલે ભક્તિ. તેથી જ્ઞાન અને ભક્તિ એ બંને પ્રભુના આધ્યાત્મિક ચરણ છે. જીવનાં જ્ઞાન અને ભક્તિ સત્સંગ અને શ્રીમદ્ ભાગવતનાં સેવનથી વધે છે. તેથી પ્રસન્ન થયેલા પ્રભુનાં સાક્ષાત્ અલૌકિક ચરણારવિંદ આધિદૈવિક છે.

જ્ઞાન અને ભક્તિ એ હૃદયનો વિષય છે. તેથી સત્સંગ અને શ્રીમદ્ ભાગવત દ્વારા જ્ઞાન અને ભક્તિરૂપી આધ્યાત્મિક ચરણો આપણા હૃદયમાં બિરાજે છે, ત્યારે આપણને ભગવાનના સાક્ષાત્ અનુભવ માટેનો વિરહ થાય છે. આ વિરહથી પ્રભુ માટેનો સર્વાત્મ ભાવ પ્રકટે છે. તે દ્વારા પ્રભુનો હૃદયમાં સાક્ષાત્ પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે પ્રભુનાં આધિદૈવિક ચરણોને સ્પર્શ થતાં જ ભક્તનો દેહ તનુ-નવત્વ પામે છે. જેમ લોખંડને પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સોનું બને છે, તેમ પ્રભુના સાક્ષાત્ ચરણના સ્પર્શથી આપણો દેહ પણ આધિદૈવિક બને છે.

આપણે પ્રભુનાં બે ચરણ સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરી શકીએ. ચરણ સુધી પહોંચવું એટલે ચરણની રજને ધારણ કરવી, ચરણનો આશ્રય કરવો, ચરણમાં દૃઢતા રાખવી. જે જીવ આમ પ્રભુના ચરણને પકડી રાખે છે તેનું સર્વ કંઈ પ્રભુ સંભાળી લે છે.

ભગવાનમાં જેમ ઐશ્વર્ય વગેરે છ ગુણો રહ્યા છે, તેમ પ્રભુનાં ચરણકમળમાં પણ નીચેના છ ગુણો રહેલા છેઃ (૧) અનન્યભાવવાળા શરણાગત જીવોની ઈચ્છા પૂરી કરવી. (૨) સેવાનું દાન કરવું. (૩) પ્રભુની કીર્તિ પ્રસારવી. (૪) કલ્યાણ કરવું. (૫) લૌકિકમાં વૈરાગ્ય કરાવવો. (૬) ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવી. આ છ ગુણોનું દાન કરવામાં ભગવાન કરતાં પણ ભગવાનનાં ચરણકમળ વધુ ફલરૂપ છે; કારણકે ભગવાનનાં ચરણકમળનું ધ્યાન દુઃખના સમયમાં કરવામાં આવે તો તે ચરણકમળ દુઃખને દૂર કરે છે.

પ્રભુના ચરણકમળના ૧૦ ધર્મ પણ સમજવા જેવા છે. (૧) તે સર્વદા બિરાજે છે. (૨) તે પ્રશાંત છે. (૩) તે જ્ઞાનરૂપ છે. (૪) તે આનંદરૂપ છે. (૫) તે સદ્રૂપ છે. (૬) તે કાર્યકારણથી પર છે. (૭) તે આત્માનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. (૮) તેમનો મહિમા વાણીથી ગવાઈ શકતો નથી. (૯) તે સુખરૂપ છે. (૧૦) તે પરમાનંદરૂપ છે.

આવાં પ્રભુનાં ચરણનો સ્પર્શ થવો ખૂબ દુર્લભ છે. તેમાં યે ભગવાન પોતે કૃપા કરીને પોતાનાં ચરણોનો સ્પર્શ કરાવે એ તો વિશેષ દુર્લભ છે. ભગવાનનાં ચરણમાં ગંગાજી વગેરે તીર્થો રહેલાં છે, અલૌકિક અમૃતરસ રહેલો છે અને ભક્તોનો નિવાસ પણ એ ચરણકમળમાં જ છે. આટલી બધી અલૌકિક વસ્તુઓ ભગવાનનાં ચરણોમાં હોઈ, આ ચરણ સર્વ દોષ દૂર કરનારાં છે. તેથી સર્વ લીલા સામગ્રી સહિત સર્વ લીલા પ્રભુના ચરણમાં છે. માટે પ્રભુના ચરણની પ્રાપ્તિ થતાં સર્વની પ્રાપ્તિ થાય છે. ભગવદીય દેહ વિના ભગવાનનો સાક્ષાત્ સંબંધ થતો નથી. ભગવદીય દેહની પ્રાપ્તિ ભગવાનનાં ચરણારવિંદની રજથી થાય છે. તેથી ભગવાનનો સાક્ષાત્ સંબંધ પ્રાપ્ત કરવા માટે ભક્તો ભગવાનનાં ચરણારવિંદનો દૃઢ આશ્રય કરીને રહે છે.

શ્રીગુસાંઈજી મંગલાચરણમાં શ્રીમહાપ્રભુજીને વંદન કરતા કહે છેઃ ‘જેમનાં ચરણકમળની રજ ચિંતા અને તેના પરિવારનો નાશ કરનારી છે એવા શ્રીઆચાર્યચરણને હું વારંવાર પ્રણામ કરું છું.’ શ્રીગોપીજનો પણ ગોપીગીતમાં શ્રીપ્રભુને વિનંતી કરે છે કે ‘અમારાં હૃદય અને મસ્તક ઉપર આપનાં ચરણારવિંદ પધરાવો.’ પ્રભુને પધરાવવા વ્રજમાં આવેલા અક્રુરજી પણ વ્રજની રજમાં બિરાજતાં, પ્રભુનાં ચરણારવિંદને વંદન કરી, એ રજ મસ્તકે ધારણ કરે છે. વ્રજભક્તોનાં ચરણની રજને ભગવાનના પરમ સખા અને જ્ઞાની ભક્ત એવા ઉદ્ધવજી વંદન કરે છે. શ્રીહરિરાયજી ‘શિક્ષાપત્ર’માં અનેક સ્થળે શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળને વંદન કરી, એ ચરણારવિંદમાં ચિત્તબુદ્ધિને સ્થિર રાખવાની આજ્ઞા કરે છે. અનેક મહાનુભાવ ભગવદીયોએ શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી, શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીનાં ચરણકમળનો મહિમા અનેક પદોમાં ગાયો છે.

આથી જ આપણે વારંવાર શ્રીપ્રભુનાં અને શ્રીમહાપ્રભુજીનાં ચરણકમળમાં સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરીએ છીએ. સેવામાં શ્રીપ્રભુનાં ચરણકમળમાં તુલસી સમર્પી, ગદ્યમંત્ર બોલી ચરણસ્પર્શ કરીએ છીએ. શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળને પણ સાષ્ટાંગ અને પંચાંગ દંડવત્ કરી, ભાવપૂર્વક તેમનાં ચરણસ્પર્શ કરીએ છીએ અને તેમને કેસરસ્નાન કરાવી, એ જળનું પાન કરીએ છીએ, તેને હૃદય અને મસ્તકે લગાડીએ છીએ.

ભગવદ્ ચરણારવિંદની રજથી આપણું બાહ્ય અને આંતરિક શરીર શુદ્ધ બનતું હોવાથી આપણી અશુદ્ધ સ્થિતિમાંથી શુદ્ધ થવા માટે ચરણામૃત લઈએ છીએ. આ ચરણામૃતમાં વ્રજરજ હોય છે અને તેમાં શ્રીનાથજીના સ્નાનનું જળ પધરાવવામાં આવે છે. વ્રજરજ પણ ભગવદ્ ચરણારવિંદથી ભગવદ્ રૂપ બનેલ છે. તેમાં ભગવદ્ ચરણારવિંદના સ્પર્શવાળું જળ મળતાં તે ચરણામૃત બને છે. આ ચરણામૃત આપણા મનના સર્વ વિકારોને દૂર કરી, તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

ભગવદ્ ચરણોમાં દંડવત્ કરવાથી આપણામાં દીનતા આવે છે, આપણું અભિમાન ઓગળી જાય છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવ પાસે દીનતાયુક્ત નમન સિવાય અન્ય કોઈ સાધન નથી, માટે ઘણા વૈષ્ણવો શ્રીગિરિરાજજીની દંડવતી પરિક્રમા પણ કરે છે. માટે, સેવામાં વિવધ સમયે પ્રભુને દંડવત્ કરવાની રીત છે.

એક બીજી વાત પણ સમજવા જેવી છે. પ્રભુનાં ચરણસ્પર્શ કરીએ, શ્રીમહાપ્રભુજી અને શ્રીવલ્લભકુળનાં પણ ચરણસ્પર્શ કરીએ, તેમને દંડવત્ કરીએ અને છતાં તેમની આજ્ઞાનું પાલન ન કરીએ તથા તેમનાં સુખ માટે પ્રયત્નશીલ ન રહીએ તો તે સાચી ચરણભક્તિ નથી. ચરણભક્તિ ત્યારે જ સિદ્ધ થઈ કહેવાય, જ્યારે આપણે તેમની આજ્ઞા પ્રમાણે જ જીવન પણ જીવીએ અને આપણું જીવન તેમના સુખ માટે જ હોય.’

હવે સમજાશે કે સૂરદાસજીએ ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોસો’ એ પદ શા માટે ગાયું હશે! આપણે જરૂરથી એવી કાળજી લઈએ કે આપણાં વસ્ત્રો દંડવત્ કરવામાં રૂકાવટ કરનારાં ન હોય. સૌ ભગવદ્ સ્વરૂપોને દીનતા અને પ્રેમથી કેવળ પંચાંગ જ નહીં પણ સાષ્ટાંગ દંડવત્ કરી, તેમનાં ચરણસ્પર્શ કરી, એ ચરણરજને નેત્રોએ, મસ્તકે, ગળા ઉપર અને હૃદય ઉપર લગાડીએ, જેથી એ ચરણરજથી પવિત્ર બનેલ નેત્રો ભગવદ્ દર્શનનો આગ્રહ રાખે, મસ્તક ભગવદ્ સ્વરૂપના ચિંતનનો આગ્રહ રાખે, ગળું ભગવદ્ ગુણગાનનો આગ્રહ રાખે અને એ હૃદય પ્રભુને બિરાજવાનું શુદ્ધ પવિત્ર ધામ બને!

ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક)

દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે,

ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે;

નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧)

સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે;

હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)

માયા મોહ વધે સુખ પામે, વિષય વિષે મન ચૂર રે;

કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું, દુઃખમાં હરિ નહિ દૂર. (૩)

તે જ કુસંગ જે હરિને ભુલાવે, સમરાવે તે સત્સંગ રે;

સુખ ભુલાવે ને દુઃખ સમરાવે, માટે ન કરે હરિ ભંગ. (૪)

લૌકિક ક્લેશ અંગીકૃત લક્ષણ, મેળવે શ્રી વ્રજરાય રે,

શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો, શિક્ષાપત્રમાં ગાય. (૫)

કોને મળ્યા કૃષ્ણ કષ્ટ વિના, સાંભળો શાસ્ત્ર પ્રમાણ રે;

વિપત પડે તો યે હરિ ના વિસારે, તેને ગણે હરિ પ્રાણ. (૬)

સુખ આવે છકી નવ જઈએ, દુઃખ આવે નવ ડરિયે રે;

આપણાથી અધિકાને જોઈને, ગર્વ ક્લેશને હરિએ. (૭)

તપે ટીપાય કનક, સહે મોતી-છેદ, તજે ન ઉજાસ રે;

તો મહી-પતિ મન ભાવે ભૂષણ, આપે હૃદય પર વાસ. (૮)

અંતર જામી નથી રે અજાણ્યા, વળી વ્હાલા પોતાના દાસ રે,

‘દયા’ પ્રીતમ માટે સારું જ કરશે, રાખજો દૃઢ વિશ્વાસ. (૯)

ભવ-દધિ=સંસાર-સાગર

સદ્ય=જલ્દી

કરુણાસાગર=દયાનું ધામ-પ્રભુ

હરિ=હરિનામ પાપ સંતાપને મટાડે છે, તે નામ રટવા છતાં દુઃખ ન જાય, તો સમજવું કે દુઃખ રાખવાનું ભગવાનને ગમે છે. (ભક્તના હિત માટે જ તો!)

ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે

શ્રીઠાકોરજીને જગાવવાનું પદ

રચનાઃ આસકરણજી

(રાગઃ બિભાસ)

ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર,
ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧)

કરો  લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર,
‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર)

ભાવાર્થઃ

શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે પ્રેમથી વિનંતી કરતાં ગાય છેઃ ‘હે મારા લાડીલા ગોપાલલાલ, આપ હવે જાગો. કારણ કે રાત્રિ વીતિ ગઇ છે, સુંદર સ્વચ્છ સવાર થયું છે, વ્રજના ઘેર ઘેર ગોપીઓ દહીં વલોવી રહી છે, વિદ્વાન બ્રાહ્મણો વેદમંત્રોચ્ચાર કરી રહ્યા છે. આવા સુંદર સુખદ સમયમાં તમે જાગીને કલેઉ કરો. આપના કલેવા માટે મેં સુંદર સામગ્રીઓ તૈયાર કરી છે. ગરમીના દિવસોમાં શીતળતા થાય તેવા દહીંભાત, મિશ્રી, સુંદર લીલા મેવા વગેરે હું તમને પીરસીશ.’ હું તમારા ઉપર મારું તન, મન અને પ્રાણ પૂરેપૂરાં (અકોર) ઓવારું છું.

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ

રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી

(રાગઃ રામકલી)

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે,
સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧)

તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે,
કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨)

ભાવાર્થઃ

શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આપ નિર્ગુણ સ્વરૂપ છે, માટે પોતાના પ્રિયતમ પ્રભુની સાથે હંમેશાં આનંદપૂર્વક વિલાસ કરે છે. આપ કદી પ્રભુ સાથે માન કરતાં નથી. જેમ સૂર્યના પ્રકાશે કમળનું ફૂલ ખીલે છે, તેમ પ્રભુ સાથે અલૌકિક આનંદક્રીડા કરતાં રસસાગરમાં આપ પણ અતિ પ્રસન્ન થાય છે.

શ્રીયમુનાજી તન, મન અને પ્રાણથી હંમેશાં પ્રભુ સાથે મૃદુ હાસ્યવિનોદ કરે છે અને પ્રભુને રીઝવે છે.

શ્રી વ્રજપતિજી કહે છે કેઃ ‘હું બધાને સમજાવીને કહું છું કે, તમે આવાં અલૌકિક શ્રીયમુનાજીની સેવા કરો. તેનાથી તમને ભગવદ્પ્રાપ્તિનું અલૌકિક ફળ તો મળશે જ; પરંતુ સાથે સાથે તમારે યમયાતના ભોગવવી પડશે નહીં. શ્રીયમુનાજીની કૃપાથી દેહ છૂટ્યા બાદ તમને ફરીથી નિત્યલીલાની જ પ્રાપ્તિ થશે.’

હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ)

રચનાઃ શ્રી ગોવિંદસ્વામી

રાગઃ મલ્હાર

હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી,
તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧)

ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી,
અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨)

મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી,
ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩)

ભાવાર્થઃ

શ્રાવણ માસ પ્રકૃતિ સૌંદર્યનો માસ છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય, સવર્ત્ર હરિયાળી છવાઈ હોય,પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય, વનમાં વૃક્ષો ઉપર ફૂલો ખીલ્યાં હોય, મોર  કોયલનો કલશોર થતો હોય ત્યારે નિસર્ગના આ આનંદભર્યા વાતાવરણમાં વનમાં  કુંજ નિકુંજમાં વૃક્ષની ડાળીએ હિંડોળો બાંધી, વ્રજભકતો શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને તેમાં પધરાવે છે. પ્રિયા  પ્રિયતમને હિંડોળે ઝુલાવવાનો આનંદ લે છે.

અષાડ સુદ એકમથી શ્રાવણ વદ બીજ સુધીના ૩૨ દિવસ પ્રભુ હિંડોળે ઝૂલે છે. નંદાલયમાં, નિકુંજમાં, શ્રીગિરિરાજજી ઉપર અને શ્રી યમુના પુલિન ઉપર એમ ચાર જગ્યાએ ઝૂલે છે. ચાર યૂથાધિપતિઓના ભાવથી આઠઆઠ દિવસ ઝૂલે છે. અથવા સોળ દિવસ શ્રીઠાકોરજીના અને સોળ દિવસ શ્રી સ્વામિનીજીના એમ યુગલ સ્વરૂપની ભાવનાથી બત્રીસ દિવસ ઝૂલે છે.

વૈષ્ણવો આ ૩૨ દિવસ વિવિધ પ્રકારના કલા  કૌશલ્યથી ભરપૂર હિંડોળાની રચના કરી, પ્રભુને હર્ષોલ્લાસપૂર્વક તેમાં પધરાવી, હૈયાના હેતથી ઝૂલાવી, પ્રભુની સમીપ રહેવાનો આનંદ માણે છે.

અષ્ટસખા પૈકીના પ્રભુના પરમ સખા શ્રી ગોવિંદસ્વામીએ પ્રભુની આ હિંડોળાલીલાનાં દર્શન કરીને ઉપરનું પદ ગાયું છે. કવિ કહે છે કે સુખદાયક એવી વર્ષાઋતુમાં સર્વત્ર હરિયાળી છવાઈ છે. આકાશમાં વાદળો ગર્જી રહ્યાં છે. વીજળી ચમકી રહી છે. શીતલતા અર્પતો વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. આવા મધુર વાતાવરણમાં પ્રિયાપ્રિયતમ હિંડોળે ઝૂલે છે. સખીઓ ઝૂલાવે છે. કોઈવાર હિંડોળાને ઝોટા દઈને ખૂબ ઊંચે સુધી લઈ જાય છે ત્યારે, વીજળી અને વાદળોની જોરદાર ગર્જના થાય છે ત્યારે, અત્યંત સુકુમાર એવાં રાધાજી મનમાં ડરી જાય છે અને ભયભીત થઈને પોતાના પ્રિયતમશ્રીકૃષ્ણને અંકવારી ભરી લે છે, ભેટી પડે છે. તે સમયે મદનગોપાલ પ્રભુ શ્યામતમાલના વૃક્ષ જેવા અને સુકુમારી રાધા કનકવેલી એટલે સુવર્ણનાં વેલ જેવાં લાગે છે. જાણે શ્યામતમાલના વૃક્ષ ઉપર કનકવેલ વીંટળાઈ ગઈ હોય તેવું લાગે છે. આવા રસિક શ્રી ગિરિધરલાલ અને રસિકની શ્રી રાધાજી ઉપર ગોવિંદસ્વામી બલિહારી જાય છે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી