શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ ।

મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।।

હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે.

૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે. કેવળ દ્રષ્ટિ દ્વારા અધમમાં અધમ અનાથ જીવને આપ સનાથ કરે છે. આપ કૃપાશક્તિનું સ્વરૂપ છે. પ્રભુની સર્વ શક્તિઓમાં કૃપાશક્તિ શિરોમણિ છે. અન્ય માર્ગોથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર શક્ય ન હોવાથી કૃપાશક્તિ શ્રીવલ્લભે કૃપામાર્ગ –પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો. આ મધુર સ્વરૂપની કૃપા ય મધુર છે. એ કૃપાનો માર્ગ પણ મધુર છે.

૨. ‘મનોહર બચન બિલાસ’ આપની વાકશક્તિ એ આપનો બીજો અલૌકિક ગુણ છે. માયાવાદીઓને ‘દાહે વચનાનલ’- વચનરૂપી અગ્નિથી બાળે છે. એ જ વચનો ‘સીંચે વચનસુધારસ.’ ભક્તોનાં દુ:ખી હૃદયોને વચનસુધાથી હરિયાળાં બનાવે છે. ‘શ્રીયમુનાષ્ટક’ (પ્રથમ કૃતિ) થી લઈને ‘શિક્ષાશ્ર્લોકા:’ (અંતિમ કૃતિ) સુધીના સર્વ ગ્રંથો સદા અમૃતરસનું પાન કરાવે છે. એ ભગવલ્લીલાનો મનોહર વિલાસ છે.

૩. ‘મધુર ઉગાર દેત દાસનકોં’– આપ પોતાના દાસસેવકોને આપના મુખના ચર્વિત તાંબુલ આદિ અધરામૃતનું દાન કરે છે. આ આપનો ત્રીજો ગુણ છે. પતિના ઉચ્છિષ્ટનો અધિકાર, કેવળ તેની પત્નીને હોય. શ્રીવલ્લભે આ અધિકાર પોતાના શરણાગત જીવોને આપીને કેટલી કૃપા કરી છે!

જેમ શ્રીઠાકોરજીએ પોતાનું ચર્વિત ગોપીજનોને આપી, તે દ્વારા પોતાનું વિપ્રયોગધર્મીસ્વરૂપ સદાને માટે એમના હૃદયમાં સ્થાપ્યું, તેમ શ્રીમહાપ્રભુજીએ પણ પોતાના ‘મધુર ઉગાર’ દ્વારા નિજજનોને વિપ્રયોગ ધર્મીસ્વરૂપનું દાન કર્યું છે. અલભ્યને સુલભ કરી દેવાનો શ્રીવલ્લભનો આ મહદ ગુણ છે.

૪. ‘મધુર બિરાજત મુખ મૃદુ હાસ’ – આપનું મુખકમળ મૃદુ હાસ્ય-સ્મિતથી સદા મધુરું છે. સર્વ સ્થિતિમાં સર્વત્ર ભગવલ્લીલાનાં દર્શન કરી એમનું મુખ મલક્યા કરે છે. મુખનો મલકાટ મધુર છે; કારણ કે નિજાનંદનો નથી; પણ ભગવદ સુખ માટે પ્રસન્ન રહેવું એ આપનો ચોથો ગુણ છે.

આ ચાર ગુણો ચાર સ્વામિનીજીઓના ભવરૂપ છે. જેમકે કૃપાગુણ શ્રીરાધિકાજીનો, વચનગુણ શ્રૃતિરૂપા શ્રીચંદ્રાવલીજીનો, અધરામૃતનો ગુણ ઋષિરૂપા શ્રીકુમારિકાજીનો અને ભગવત સુખ માટે ચિત્તની પ્રસન્નતાનો ગુણ શ્રીયમુનાજીનો છે. શ્રીવલ્લભ આવા સર્વગુણસંપન્ન હોવાથી મધુર છે.

(ક્રમશઃ)

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।।રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી


(છંદઃ તોટક)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam]

(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)

સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.


અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ ।

હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।।


હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે. હૃદય મધુર છે. ગમન મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૧)

વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરમ્ ।

ચલિતં મધુરં ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૨।।


વચન મધુર છે. ચરિત્ર મધુર છે. વસ્ત્ર મધુર છે. ચેષ્ટાઓ મધુર છે. ચાલ મધુર છે. ભ્રમણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૨)

વેણુર્મધુરો રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।

નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૩।।


પ્રભુની વેણુ, ચરણની રજ, શ્રીહસ્ત, ચરણારવિંદ, નૃત્ય અને મૈત્રી બધું જ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૩)

ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।

રૂપં મધુરં તિલંક મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૪।।


ગીત (ગાવાનું) મધુર છે. પીવાનું મધુર છે. ખાવાનું મધુર છે. શયન મધુર છે. સ્વરૂપ મધુર છે. તિલક મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૪)

કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરમ્ ।

વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૫।।

કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, રમવું મધુર છે, વમન મધુર છે, શાંત થવું મધુર છે, મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૫)

ગુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા ।

સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૬।।

ગુંજા મધુર છે. માળા મધુર છે. શ્રીયમુનાજી અને તેમાં ઉઠતા વીચી એટલે કે તરંગો મધુર છે. શ્રીયમુનાજીનું જળ (સલિલ) અને તેમાં ઊગેલા કમળ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૬)

ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં મુક્તં મધુરં ।

દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૭।।

શ્રીકૃષ્ણનાં ગોપીજનો અને તેમની બાલલીલાઓ મધુર છે. તેમની યુક્તિઓ અને સંયોગ મધુર છે. મુક્તિ મધુર છે. તેમનું અવલોકન અને શાસન પણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે.  (૭)

ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।

દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૮।।

શ્રીકૃષ્ણના સખાઓ ગોપબાલકો, ગોચારણમાં પ્રભુની સાથે જતી ગાયો, ગાયોને હાંકવા માટે વપરાતી લાકડી, પ્રભુની ગોકુલ-વ્રજની દૈવી સૃષ્ટિ, પ્રભુ દ્વારા થયેલું અસુરોનું દલન (દલન એટલે દૈત્યોને મારવાની ક્રિયા), પ્રભુએ વ્રજભક્તોને કરેલું ફલદાન તેમજ મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૮)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ ।
મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।।

અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ દુર્લભ એવી ભગવદ્ ભોગ્યા સુધાનું પાન પોતે એકલા કરતા નથી, પણ સૌને કરાવે છે. નિજજનોને પ્રત્યક્ષ રીતે કરાવે છે. તો અન્યને વેણુરવ દ્વારા કરાવે છે. એવા શ્રીવલ્લભનાં મધુર અધર છે. એ અધરો દ્વારા ‘કૃષ્ણાધરામૃતાસ્વાદ-સિદ્ધિરત્ર ન સંશય:’ આથી તો આ અધરોથી ઝરતા સુધારૂપ શબ્દોનું પાન કરવા, ભક્તો સદા લાલાયતિ હોય છે.

એ અધરોનો રસ જ મધુર નથી. એમનું રૂપ-સ્વરૂપ પણ મધુર છે. અધરોની અરુણિમા, બંકિમા, સ્નિગ્ધતા અને કુમાશથી અધરો અતિ સુંદર-મધુર લાગે છે. આવા અધર પરથી ઝરતો સુધારસ ચાખવા ભક્તોરૂપી હડપચીનો હીરલો લાલાયિત હોય છે.

આ અધરો મૌન હોય તો ય એમની ભાષા હોય છે. તે બોલતા હોય છે. પ્રિયતમ પ્રભુના પ્યારમાં ક્યારેક બંધ અધરો મુસ્કુરાય છે. એમનાં દર્શને ક્યારેક અધખીલ્યા કમળ શા ખીલે છે. એમની સાથે માન થતાં એ મરડાય છે. ક્યારેક એ અધરદંશથી સીસકે છે, તો ક્યારેક ઉત્કટ પ્રેમવૃષ્ટિને ઝીલતાં વિસ્ફારિત થાય છે. આવી વિવિધ રસભંગિમાઓનાં દર્શને જ શ્રીહરિરાયજીએ ગાયું છે : ‘અધર મધુર રસ રૂપ મધુર.’ આ અધરોનો રસ અને રૂપ બેઉ મધુર છે.

‘છબિ મધુર દોઉ લલિત કપોલ.’ કપોલ એટલે ગાલ. તેમની છબિ પણ મધુર છે. પાકેલા લાલ-સોનેરી મોટાં બોર જેવાં છે. આપ સ્મિત કરે છે ત્યારે આ કપોલમાં ખંજન પડે છે. ખંજન કપોલની સુંદરતા વધારે છે. કર્ણમાં ઝૂલતાં કુંડલનું તેજ કપોલ પર પથરાય છે. નેત્રોમાંથી ક્યારેક પ્રેમનાં હર્ષાશ્રુ ટપકે છે, તો ક્યારેક વિરહાશ્રુ વહે છે. આ બંને અશ્રુરસનો આસ્વાદ કરી આપનાં કપોલ લલિત-મધુર બન્યાં છે.

આ કપોલ સાથે લાગી રહેલાં ‘શ્રવન મધુર’ છે. શ્રવન એટલે કાન. જે કાન દ્વારા હરિયશ સાંભળી ‘હરિ! તેરી લીલાકી સુધિ આવે’ એ કાન ‘કર્ણરસાયન’ એવી હરિકથા સાંભળી કેમ મધુર ન બને? માટે તો કાનને કર્ણપુટ કહ્યાં છે. કર્ણપુટ એટલે કાન રૂપી પાત્ર. શ્રીવલ્લભનાં આ કર્ણપુટ ભગવદ રસથી સદા છલોછલ ભરેલ હોઈ મધુર છે.

‘કુંડલનકી ઝલક મધુર’. કર્ણમાં ધારણ કરેલાં કુંડળોનું તેજ પણ મધુર છે. શ્રીવલ્લભ સોના, મોતી કે હીરાનાં આભૂષણો ધરતા નથી. આપ તો ‘શ્રીભાગવત પ્રતિ પદ મણિવર ભાવાંશુમૂર્તિ:’ છે. શ્રીભાગવતનો પ્રત્યેક શબ્દ ઉત્તમોત્તમ મણિરૂપે આપના શ્રીઅંગ ઉપર શોભી રહ્યો છે. આપનાં કર્ણકુંડલ એટલે શ્રીભાગવતની પદાવલિ, જે મધુર છે.

યોગ અને સાંખ્ય શાસ્ત્રોને પણ ભગવાનના કર્ણનાં કુંડળ કહ્યાં છે. આપ સકલ શાસ્ત્રોના અભ્યાસી, શ્રોતા છે. બહુશ્રુત છે. તેથી શાસ્ત્રો રૂપી કુંડળથી આપના કર્ણ મધુર છે.

‘મધુર મકર દોઉ કરત કલોલ.’ મકર એટલે મગર. મગર હંમેશા પાણીમાં રહેનારો જીવ. પ્રભુ મકરાકૃતિ કુંડલ ધારણ કરી, એમ સૂચવે છે કે મારા લીલારસમાં બૂડેલા ભક્તોનાં વચનો હું મારા કર્ણમાં ધારણ કરું છું. ભક્તોની કાલી-ઘેલી, અશાસ્ત્રીય વાણી પણ શ્રીવલ્લભ હોંશથી શ્રવણ કરી, પ્રસન્ન થાય છે. એવી પ્રેમભરી વાણીથી મકર રૂપી ભક્તો આપના કર્ણ પર બિરાજી કિલ્લોલે છે.

આવું મધુર વદનારવિંદ છે શ્રીવલ્લભનું. આ રૂપ માધુરીનું પાન નિજજનો સદા કરે છે. શ્રીવલ્લભનું નામસ્મરણ-શ્રવણમાં આવતા આ સ્વરૂપનું હૃદયમાં ધ્યાન ધરવું. શ્રીહરિરાયજીએ આ બે કડીઓથી શ્રીવલ્લભના મુખચંદ્રનું દર્શન કરાવ્યું. બે કડીથી દર્શન કરાવવાનો હેતુ એ કે શ્રીવલ્લભમાં યુગલસ્વરૂપ બિરાજમાન છે. શ્રીવલ્લભ સ્વરૂપ યુગલસ્વરૂપના ભાવનું છે. બીજી રીતે વિચારીએ તો આપ સંયોગ અને વિપ્રયોગ ભાવોનું સ્વરૂપ પણ છે. આ સર્વ ભાવો આપના મુખશશિમાં મધુર રીતે ઝળકે છે.

(ક્રમશઃ)

ધર્મ’ શબ્દનો અર્થ શો છે?

ભાષામાં શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે : (૧) યોગાર્થથી અને (૨) રૂઢાર્થથી. સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ પરથી મોટા ભાગના શબ્દો બને છે. અથવા મૂળ શબ્દોને પ્રત્યયો લાગવાથી નવા શબ્દો બને છે. ધાતુ અથવા પ્રત્યયનો જે અર્થ થતો હોય, તેના આધારે શબ્દનો અર્થ બને છે. આમ, નવો શબ્દ ધાતુ કે પ્રત્યયના જોડાણથી બને છે. જોડાણ માટે સંસ્કૃતમાં ‘યોગ’ શબ્દ છે. તેથી ધાતુ કે પ્રત્યયના જોડાણથી બનતા શબ્દના અર્થને ‘યોગાર્થ’ કહેવામાં આવે છે.

જેમ કે સંસ્કૃતમાં ‘ભજ્’ ધાતુ છે, તેને ‘ક્તિન’ પ્રત્યય લાગવાથી ‘ભક્તિ’ શબ્દ બને. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે શબ્દને જ્યારે પ્રત્યય લાગે, ત્યારે પ્રત્યયનો જે અર્થ થતો હોય તે મુખ્ય અર્થ ગણાય. તે નિયમ મુજબ ‘ભક્તિ’ શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે. ભજ્ = સેવા કરવી; ક્તિન = પ્રેમપૂર્વક. જે સેવામાં ફરજ કરતાં પ્રેમનો ભાવ વિશેષ હોય, એવી પ્રેમપૂર્વકની ભગવદસેવાને ભક્તિ કહે છે. ભક્તિનો આ અર્થ સ્પષ્ટ કરવા તેને પ્રેમલક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિનો યોગાર્થ થયો.

આવી રીતે ‘ધર્મ’ શબ્દ ‘ધૃ’ ધાતુનો અર્થ ‘ધારણ કરવું’ એવો થાય છે; તેથી ‘ધર્મ’ શબ્દનો અર્થ ધારણા એવો થયો. ગુજરાતીમાં ‘ધારણા’ શબ્દ ‘કલ્પના કરવી’, એવા અર્થમાં વપરાય છે; તે અર્થમાં અહીં ધારણા વપરાયો નથી. અહીં ‘ધારણા’ = ધારણ કરવું અર્થાત્ સ્વીકારવું અર્થ છે. ‘ધારણ કરવું’ નો બીજો અર્થ જીવનમાં આચરણ કરવું, એવો થાય છે. આમ, સ્વીકારવું અને અમલ કરવો એ બંને અર્થોને સાથે લેવાથી ધર્મનો યોગાર્થ થશે : ધર્મ એટલે જીવન માટે લાભદાયક હોય એવા વિચારો સ્વીકારવા અને તેમનું આચરણ કરવું. આમ, ધર્મ શબ્દ જીવનના વિચાર અને આચાર સાથે સંબંધ ધરાવે છે.

શબ્દ ઉપર પ્રમાણે અસ્તિત્વમાં આવે, પછી વર્ષો સુધી લોકો તેનો ઉપયોગ કરતા રહે છે. જેમ જેમ સમય બદલાતો જાય, તેમ તેમ શબ્દનો અર્થ પણ ક્યારેક બદલાતો જાય છે. ઘણા સમય પછી શબ્દ કોઈ એક ચોક્કસ અર્થમાં દ્રઢ થાય છે. ત્યારે મૂળ અર્થથી તે ઘણો બદલાઈ ગયો હોય છે. આવી રીતે સમાજમાં શબ્દનો જે અર્થ પરંપરાથી રૂઢ થાય તેને ‘રૂઢાર્થ’ કહે છે. જેમ કે ‘ભક્તિ’ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમપૂર્વક કરવામાં આવતી ભગવાનની સેવા’ એવો છે; પરંતુ ભક્તિ શબ્દ સમાજમાં રૂઢ થતાં તેનો અર્થ બદલાયો. આજે ‘ભક્તિ’ શબ્દ મોટા ભાગના લોકો ભજન-કીર્તનના અર્થમાં વાપરે છે. ભજન-કીર્તન એ ભક્તિનો રૂઢ અર્થ છે. રૂઢાર્થ સંપૂર્ણ સાચો હોતો નથી. આથી જ્યારે કોઈપણ શબ્દને તેના સાચા અર્થમાં સમજવો હોય, ત્યારે તેનો યોગાર્થ વિચારવો જોઈએ.

આ પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો રૂઢ અર્થ થયો ‘ફરજ’. માણસ તેના જીવનમાં ઘણી ફરજો બજાવે છે. જેમ કે તે કોઈકનો પુત્ર છે, તો કોઈકનો પિતા છે. તે કોઈકનો ભાઈ છે, તો કોઈકનો જેઠ છે પણ છે. તે કોઈકનો મિત્ર છે, તો કોઈકનો માલિક પણ છે. આમ, એક જ માણસ તેના જીવનમાં જુદા જુદા રોલ ભજવે છે. તે જેટલા પ્રકારના રોલ ભજવે છે, એટલા પ્રકારની ફરજો તેને બજાવવાની રહે છે. એક માણસ પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, માલિક, દેશનો નાગરિક – એમ અનેક પ્રકારના રોલ ભજવતાં ભજવતાં, તે પ્રકારની ફરજો બજાવે છે. આ બધી ફરજોને માટે ‘ધર્મ’ શબ્દ વપરાય છે. તેથી આપણી ભાષામાં પિતૃધર્મ, ભ્રાતૃધર્મ, મિત્રધર્મ, દાસધર્મ, સ્વામીધર્મ, રાષ્ટ્રધર્મ જેવા શબ્દો આવ્યા. આ બધા શબ્દો મનુષ્યની તે તે પ્રકારની ફરજનો અર્થ બતાવનારા છે.

આમ, ધર્મ શબ્દના યોગાર્થ અને રૂઢાર્થનો સમન્વય કરીએ, તો ધર્મ શબ્દથી નીચેના જેવી સંકલ્પના સમજાય છે: માણસને બે પ્રકારના વિચારો સતત રહેતા હોય છે. (૧) દુનિયાનું સુખ અને (૨) પરલોકનું સુખ. દુનિયાના સુખને ‘પ્રેય’ કહેવામાં આવે છે અને પરલોકના સુખને ‘શ્રેય’ કહેવામાં આવે છે. માણસ પ્રેય અને શ્રેય માટે શું કરવું તે સતત વિચારે છે. તેને જે સમજાય છે, તે આચરણમાં મૂકે છે.

આમ, માણસ તેના પ્રેય અને શ્રેય માટે જે પ્રવૃત્તિઓ કરે, તે બધી પ્રવૃત્તિઓ ‘ધર્મ’ કહેવાય છે. માણસને ત્રણ પ્રકારનાં દુ:ખ પજવે છે : (૧) આધિભૌતિક (૨) આધ્યાત્મિક અને (૩) આધિદૈવિક. આ દુ:ખો દૂર કરવા તે જે પ્રવૃત્તિઓ કરે છે, તે પણ ધર્મ કહેવાય છે. આથી ધર્મની એક વ્યાખ્યા છે: દુ:ખોની નિવૃત્તિ અને સાથે સુખોની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન. આપણે બે તત્વોના બનેલા છીએ: (૧) શરીર (૨) આત્મા. આપણી કેટલીક પ્રવૃત્તિઓ શરીર માટેની હોય છે. તે શરીર સાથે જોડાયેલી હોય છે. એવી પ્રવૃત્તિઓને દેહધર્મ કહેવામાં આવે છે. જેમકે ખાવું, પીવું, મનોરંજન મેળવવું, નોકરી-ધંધો કરવો, કુટુંબ, ગામ અને દેશના કલ્યાણ માટે કાર્યો કરવાં વગેરે.

આપણા શરીરમાં આત્મા રહેલો છે. શરીર અને આત્માનો સંબંધ કાયમી નથી. માત્ર આ જન્મ પૂરતો છે. શરીર જે સુખો મેળવવા પ્રવૃત્તિ કરે છે તે પ્રેય છે. આત્મા પરલોકના સુખને ઝંખે છે. તેથી આત્મા સદા શ્રેયનો વિચાર કરે છે. આત્માનું શ્રેય પરમાત્માની પ્રાપ્તિમાં છે. આથી, પરમાત્માની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, તેને આત્મધર્મ કહેવામાં આવે છે. આપણે ત્યાં ધર્મ શબ્દ મોટા ભાગે આત્મધર્મના અર્થમાં વપરાય છે. ટૂંકમાં, ધર્મ એટલે પરમાત્માની શોધનો માર્ગ. આત્મ-જાગૃતિ અને આત્મ-ઉત્કર્ષ માટેની સાધના-આરાધનાનો માર્ગ. દિવ્ય આનંદ – અલૌકિક સુખની શોધનો માર્ગ.

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫)

મધુર ભાલ અરુ તિલક મધુર,

અતિ મધુર નાસિકા કહી ન જાત.

શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા, પ્રકાંડ પાંડિત્ય, શાસ્ત્ર-સજ્જ પ્રજ્ઞા વગેરેને કારણે આપનું ભાલ પ્રતાપી-મધુર છે.

ભાલ પ્રદેશની ભીતર આજ્ઞાકારી નાડીચક્ર છે. તે માણસની ઈન્દ્રિયો ઉપર શાસન કરે છે. તેમ તે બીજી વ્યક્તિઓ ઉપર પણ અનુશાસન કરે છે. શ્રીવલ્લભનું આ નાડીચક્ર એટલું જાગ્રત છે કે, જેના કારણે આપનું સમગ્ર જીવન સાત્વિક, સંયમી, અને સહિષ્ણુ છે. આપની સર્વ ઈન્દ્રિયો સેવા-સ્મરણમાં જ સદા તત્પર છે. આપની ટેક, તપ અને ત્યાગ રમણીય બન્યાં છે. એનાથી આપના સમગ્ર જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની મધુરતા છાયી છે. સાથે સાથે આપ ભક્તોમાં પણ આ વૃત્તિઓ પ્રકટાવે છે. આપ પતિત પાવન છે. આ આપના ભાલની મધુરતા છે.

ભાલ પર ઊર્ધ્વપુંડ્ર તિલક શોભે છે. તે ભગવદ્ ચરણાકૃતિ છે. ભગવાનનાં ચરણ કમલ સમાન છે. તેમાં ભક્તિનો અને ભક્તોનો નિવાસ છે. તેથી એ ચરણો મધુર છે. પોતાનાં ચરણકમલોની મધુરતા માણતા ભક્તોને જોઈને, ભગવાન બાલમુકુન્દને પણ તે ચાખવાનું મન થયું ત્યારે પોતાના મુખકમળમાં ચરણકમળનો અંગુષ્ઠ રાખી, તેની મધુરતા માણી હતી. કમળની જેમ ચરણતલ પણ અરુણ-લાલાશયુક્ત છે. એ અનુરાગનો વર્ણ છે.

ગોપિકાઓએ ‘ગોપીગીત’માં ભગવાનને વિનંતી કરી હતી કે આપના ચરણકમળ અમારા મસ્તકે પધરાવો. ભક્તો એ ચરણકમળ તિલક રૂપે એમના લલાટમાં ધારણ કરે છે. તિલક ભક્તના સૌભાગ્યનું ચિહ્ન છે. મારા માથે મારા અલૌકિક સ્વામી બિરાજે છે. તેથી હું અભયી છું. એવા સૌભાગ્યભાવનું આ તિલક શ્રીવલ્લભના મધુર ભાલ પર અતિ મધુર લાગે છે.

શ્રીવલ્લભ નિત્યલીલામાંથી ભૂતળ ઉપર પધાર્યા, ત્યારે ચારે સ્વામિનીજીઓ સહિત સકલ વ્રજભક્તોએ આપને વિજયતિલક કરેલું. તેથી આપના પ્રાગટ્ય સમયે આપના ભાલ ઉપર કસ્તુરીનું વિજયતિલક પ્રગટ હતું. આપના જન્મદિવસે આપના સેવકો આપને મંગળ તિલક કરી આપનું મંગલ વાંછે છે. વિજયનગરની ધર્મસભામાં આપના વિજય પછી, આપને આચાર્યપદ પ્રદાન કરતું વિજયતિલક થયું હતું. આ સર્વ તિલકો આપના લલાટ પર શોભે છે. તેથી જ ભગવદીયો ગાય છે : ‘તિલકમુદ્રા ધરિ બૈઠે શ્રીલક્ષ્મણભટધામ.’ તિલક ભગવદ્ રાગનું સૂચક છે. ભગવદ રાગ મધુર છે તેથી તિલક પણ મધુર છે.

મધુર તિલકનાં દર્શન કરતાં તિલકની નીચે શોભતી નાસિકા પર દ્રષ્ટિ સ્થિર થાય છે. “અતિ મધુર નાસિકા કહી ન જાત.” આપની સુરેખ, લાંબી, તીક્ષ્ણ નાસિકા અતિ મધુર છે. નાક મુખાકૃતિની શોભા વધારે છે. શ્રીવલ્લભ નાસિકા દ્વારા સદા શ્રીયુગલસ્વરૂપના શ્રીઅંગની સુગંધનું પાન કરનારા છે. શ્રીઅંગની મધુર સુગંધથી ભરી ભરી એ નાસિકા અતિ મધુર છે.

શ્રીયુગલસ્વરૂપ નાસિકામાં ‘વેસર’ ધારણ કરે છે. શ્રીઠાકોરજીની નાસિકાનું વેસર બની, શ્રીસ્વામિનીજી શ્રીઠાકોરજીના અધરામૃતનું પાન કરે છે. શ્રીસ્વામિનીજીની નાસિકાનું વેસર બની, શ્રીઠાકોરજી પણ શ્રીસ્વામિનીજીના અધરામૃતનું પાન કરે છે. આમ અધરામૃતનું પાન કરવા માટે નાસિકા અધિષ્ઠાન છે. એ પાનથી નાસિકા અતિ મધુર બની છે.

આવી મધુર નાસિકાનો ઉચ્છવાસ પણ મધુર સુગંધિત જ હોય. એના અનુભવે શ્રીહરિરાયજીએ કહ્યું કે એ મધુરતાનું વર્ણન થઈ શકે તેમ જ નથી-‘કહી ન જાત.’

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪)

મધુર બચન ઔર નયન મધુર

ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત

 

અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી.

પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે મધુર વાણી કહેવાય. લૌકિકમાં લતા મંગેશકર જેવાંની વાણીમાં ય આવો અનુભવ થાય છે. ત્યારે શ્રીવલ્લભ તો સાક્ષત્  ભગવાનના મુખારવિંદનું સ્વરૂપ છે. રસાત્મક ભગવાનનું મુખ રસાત્મક અને તે મુખમાંથી પ્રગટ થતી વાણી પણ રસાત્મક! એની મઘુરતાની તોલે બીજી કોઈ વાણી ન આવે! દુનિયાના લોકોની વાણી તો વૈખરી. શ્રીવલ્લભની વાણી તો વેદવાણી!

કેટકેટલા ભક્તોએ એ વાણીનું પાન કર્યું છે! એ વાણીની મધુરતા માણીને ગાયું છે : “બેનુગીત પુનિ યુગલગીત કી રસબરખા બરખાઈ.”

શ્રીહરસાનીજીએ શ્રીવલ્લભ વચન સાંભળ્યાં : ‘દમલા તું આયો?’ એ વચનમાધુરી દમલાજીનું જીવન બની ગઈ. પછી તો એ વાણી વારંવાર વરસતી રહી : ‘દમલા, ભગવદવાર્તા કીયે બડી બેર ભઈ!’

સૂરદાસને ‘દશમસ્કંધ અનુક્રમણિકા’ આપે સંભળાવી. એના ફળરૂપે “સૂરસાગર” ઉમટ્યો. ‘સુન સૂર સબનકી યહ ગતિ, જે હરિ ચરન ભજે ’માં આપે કેટલો વિશ્વાસ ઠાલવી દીધો!

દિનકરદાસ શેઠ તો આપની કથામાં એવા આસક્ત થઈ ગયા હતા કે કાચાં દાળ-બાટી ખાઈ, કથાશ્રવણ માટે દોડ્યા હતા! આવા અનેક પ્રસંગોના અનુભવને શ્રીગુસાંઈજીએ કહ્યું: “વાક્સીધુપૂરિતાશેષસેવક:” વાક્​પતિ છે શ્રીવલ્લભ તો!

‘મધુરાષ્ટક’ની શ્રીવલ્લભની વચનમાધુરીની તોલે બીજા કોઈની વાણી સ્પર્ધા કરી શકે? ‘યમુનાષ્ટક’ની મધુરિમા અન્ય કોઈ યમુના-સ્તવનમાં માણી શકાય? કાશ! આજે આપનાં એ વચનામૃત સાંભળવા મળે તો? એ વાણી શ્રીપદ્મનાભદાસજીને વનમાળીની વેણુની યાદ અપાવતી રહી. એમણે ગાયું: ‘ઐસી બંસી બાજી બનઘનમેં મુનિનકી સમાધિ લાગી.”

શ્રીવલ્લભ સ્વરૂપ ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. તો તેમની વાણી દ્રવીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. આપની પરોક્ષ સ્થિતિમાં આપની વાણી જ પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરનારી છે.

શ્રીગુસાંઈજીએ તુલસાંને પૂછેલું : “તને શ્રીમથુરાનાથજી આટલી કૃપા કરી સાનુભવ કેમ કરાવે છે?” જવાબમાં તુલસાંએ કહેલું: “સમય મળે શ્રીમહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું.” આ કૃપાપ્રતાપ શ્રીવલ્લભવાણીના સેવનનો જ!

મુખમાંથી મધુર વચનો ત્યારે જ પ્રકટે, જ્યારે હૈયામાં હેત હોય અને હેત નેત્રોમાંથી નેહ બનીને નીતરે. નેહ વિનાની મધુરતા બનાવટી, કપટી, પાખંડી હોય. શ્રીવલ્લભનાં વચનામૃતોનું પાન કરતાં શ્રીહરિરાયજીનાં નેત્રો શ્રીવલ્લભનાં નેત્રો સાથે મળે છે. ચાર નેત્રોનાં મિલનનો અનુભવ કરીને આપ ગાય છે: ‘ઔર નયન મધુર.’ આપનાં નેત્રોમાં પણ એ જ મધુરતા છે! એટલે તો એ નેત્રકમળ કહેવાય છે. એમાં કમળની અરુણિમાનો રંગ છે એ અનુરાગનો ઘૂંટાયેલો રંગ છે. એમાં કીકીની શ્યામલતા શ્રીશ્યામસુંદરની ભાવમગ્નતાની છે. એ નેત્રપટલનો શ્વેતવર્ણ લૌકિક વિરક્તિના ત્યાગ અને તપની શુચિતાનો છે. ‘કૃપારસ નૈન કમલદલ ફુલે.’ ‘કમલસી અખિયાં લાલ તિહારી.’

આ નયનોની મધુરતાએ તો શ્રીજીને ય રસવશ કર્યા. પ્રથમ મિલન વખતે આ નયનોમાંથી નેહના મેહ કેવા વરસ્યા હશે? શ્રીદમલાજીને આ નયનમાધુરી સદા ભીંજવતી રહી. મેઘનજી એ નયનમાધુરીના મધુકર બની, વિષમ સ્થળમાં ય શ્રીવલ્લભથી વેગળા ન થયા. શ્યામદાસ સુથાર અને સગુણદાસ તો ‘બિના મોલકે ચેરે’ બનીને રહ્યાં! આ નયનામૃતનું પાન કરીને શ્રીગુસાંઈજીએ એનું કારણ બતાવ્યું : ‘પ્રતિક્ષણનિકુંજસ્થલીલારસસુપૂરિત:’ નિકુંજ-લીલાના ક્ષણક્ષણના રસથી ભર્યાં ભર્યાં શ્રીવલ્લભનાં નેત્રો પ્રિયાનાં નેત્રો છે. એમાં પ્રેમરસ છલકે છે. એ નેત્રો “કૃપાદગ્વૃષ્ટિસંહ્રષ્ટદાસીપ્રિય:પતિ:”નાં છે. એમાંથી નિજભક્તો માટે સદૈવ કૃપારસ છલકે છે.

જ્યારે હૃદયમાં ભાવની ભરપૂર ભરતી આવે, ત્યારે વાણી મૌન બની જાય. છલકતાં નેત્રોની વાણી ખૂલી જાય. શ્રીવલ્લભનાં મધુર નેત્રોની આવી મધુર વાણી અનેક ભગવદીયોયે માણી છે. ‘ઈન નેનનકી બલિહારી.’ ‘કમલ નેણે ને અમૃત વેણે વાક્યમાધુરી રેડતા.’ આવાં ‘નયન ખંજન રસમાતે’ નેત્રોની મધુરતાનું પાન, એ તો આપણી આંખોનો મોક્ષ છે. પરમ ફળ છે.

શ્રીહરિરાયચરણની દ્રષ્ટિ આ નયનમાધુરીનું પાન કરતાં કરતાં આપનાં નેત્રો પરની ભ્રમરો અને તે પર ઝૂલી રહેલી અલકોમાં ઉરઝાઈ જાય છે. ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત. ભ્રોંહ એટલે આંખની ભમ્મર. યુગ એટલે જોડી-બે. આપનાં બે નેત્રો ઉપરની ભમ્મર તિરછી-ધનુષ્ય જેવી કુટિલ છે. ભમ્મર રૂપી ધનુષ્ય પર નેત્રની દ્રષ્ટિ રૂપી બાણનું શરસંધાન કરી, આપ નિજજનોનાં હૈયાં વીંધી રહ્યા છે. જેમ સરોવરથી કમળ શોભે અને કમળથી સરોવર શોભે, તેમ નેત્રોથી ભ્રમરો શોભે છે, અને ભ્રમરોથી નેત્રો શોભે છે. ભગવદીયોનો અનુભવ એવો છે કે એ નેત્રકમળો ઉપર ભ્રમરો રૂપી ભમરાઓ મંડરાય છે! નેત્રકટાક્ષ જેટલા જ ભમ્મરકટાક્ષ પણ મધુર છે. ભક્તિમાર્ગમાં ભ્રમર ભગવદ્ રસમાં આસક્ત ભક્તનું સ્વરૂપ છે. ‘ભ્રમરગીત’માં ગોપીજનોએ તો શ્રીશ્યામસુંદરને જ ભ્રમર કહી ઉપાલંભ-ઠપકો આપ્યો છે. શ્યામ ભ્રમરની પીળી મૂછો પીતાંબરધારી શ્યામમનોહરનું જ સ્મરણ કરાવે! અહીં શ્રીવલ્લભના લલાટ પર રાજતી શ્યામ ભ્રમરો પર લલાટનું પીત ચંદન લાગ્યું છે. જાણે સાંવરિયાલાલ પીતાંબર ધરીને, શ્રીવલ્લભનાં નેત્રકમળોનું પાન ન કરી રહ્યા હોય! એવી જ રીતે શ્યામરસપાગી ભક્તો પણ એ નેત્રરસનું પાન ભ્રમર રૂપે કરે છે!

ભગવાન અને ભક્તો બંનેની જોડી આ નેત્રકમળરસ માણે છે; તેથી કહ્યું : ‘ભ્રોંહ યુગ મધુર.’ ‘ભ્રૂભંગેથી સૃષ્ટિ નીપની, અતિ સુંદર બ્રહ્માંડ.’ ભગવાનના ભ્રૂભંગથી બ્રહ્માંડ પ્રકટ થયું, તેમ શ્રીવલ્લભના ભ્રૂભંગથી માયાવાદનો અસ્ત થઈ બ્રહ્મવાદ પ્રગટ થયો.

શ્રીવલ્લભના ‘કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યા સત્વ અનંત, ભક્તિલીન હુવા સૌભાગી, તે વૈષ્ણવ ગુણવંત. ’એમની જ ‘બીજી કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન, કર્મજડ, આસુર, અન્ય ઉપાસક, ભજન ધર્મથી હીન.’

આવી ‘ભ્રોંહયુગ મઘુર’ ઉપર ‘અલકનકી પાંત’ શોભે છે. અલક એટલે કેશની લટો. પાંત એટલે પંક્તિ. શ્રીવલ્લભના શ્યામની લટો પવનમાં ઊડી ઊડી લલાટ ઉપર છવાય છે. એ અલકો પણ મુખકમળ ઉપર મંડરાતા ભક્તોનું જ ભાવાત્મક સ્વરૂપ છે. એ અલકો રૂપે ભક્તો આપના ‘શ્રીવૃંદાવનચંદ મુખરુચિ’ મુખની મધુરતાનું પાન કરે છે. આ અલકોથી આપની મુખછબિની શોભા અધિક બને છે. ‘ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત’ એમાં મધુર પદ વચમાં છે. કાવ્યની પરિભષામાં તેને ‘દેહલીદીપકન્યાય’ કહેવાય. બે ઓરડાની વચ્ચેના ઉંબરા ઉપર મૂકેલો દીવો બંને ઓરડાને અજવાળે તેમ અહીં મધુર પદ ભમ્મરો અને અલકો બંનેને લાગુ પડે છે.

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે

સદા બસો મન યહ જીવનધન,

સબહીન સોં જુ કહત હૌં ટેરે

શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે.

જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે સાચો દૃષ્ટિકોણ ક્યાંથી હોય? સામાન્ય સંસારીજનો ધનને ભૌતિક સાધન-સંપત્તિ-સમૃદ્ધિના અર્થમાં સમજે છે. એમને મન ધન કમાવા માટે જીવન છે અને જીવન જીવવા માટે ધન છે. ધન વિનાનું જીવન દુ:ખમય છે. એમની વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રમાં કેવળ ધન છે, ‘પૈસો મારો પરમેશ્વર’; ‘સર્વે ગુણા:કાંચનમાશ્રયન્તે.’ સોનાથી બઘા સદગુણો આવી મળે છે.

પણ કેટલાક લોકોને લૌકિકની સાથે પારલૌકિકની ફિકર પણ હોય છે. કેટલાક જન્મજાત ફકીર હોય છે. પૈસાને બગાડ માની દૂર ભાગનારા હોય છે. એમાંના કોઈને વિદ્યામાં ધન જણાય છે, કોઈને શૌર્યમાં, કોઈને ત્યાગમાં, કોઈને તપમાં.

ભગવદ્ ભક્તો જુદી માટીના છે. એમની ખોપરી જ જુદી. સીતાજીએ અતિ મૂલ્યવાન ગજમોતીની માળા પ્રસાદરૂપે હનુમાનજીને આપી, ત્યારે દાંતથી એક એક મોતી તોડી જોવા લાગ્યા. અંદર એમના રામજી છે? રામજી હોય તો મોતી કામનાં; બાકી તો કુંભનદાસજીએ કહ્યું: “ભક્તનકો કહા સિકરીકો કામ? કુંભનદાસ લાલ ગિરિઘરન બિન યહ સબ જૂઠો ઘામ.” ભક્તને મન ભગવાન જ ધન-સર્વસ્વ. “ત્વમેવ દ્રવીણં” આથી જ સૂરદાસજી કહે છે. “બડો ધન હરિજનકો હરિનામ.”

ગોપિકાઓ તો ‘ગોપીગીત’માં એથીયે આગળ વધીને પરોક્ષ બનેલા ભગવાનને કહે છે: ‘ત્વયિ ધૃતાસવ’- ભલે તમારા વ્રજવાસથી અહીં લક્ષ્મી સ્થિરવાસ કરીને અમારી પર્ણકુટિમાં રહ્યાં હોય, પણ અમે તો તમારા માટે જ જીવીએ છીએ. અમારા પ્રાણ તમારા માટે જ ટક્યા છે!

આમ, ભક્તોના જીવનધન તો ભગવાન જ છે. એમના જીવનના શ્રેય માટે જરૂરી ધનરૂપ ભગવાન છે, જીવનના સુખરૂપ પણ ભગવાન છે અને જીવનના અંતિમ ફળરૂપ પણ ભગવાન જ છે.

શ્રીહરિરાયજી શ્રીવલ્લભને પોતાનું જીવનધન કહે છે; કારણ કે શ્રીદામોદરદાસ હરસાનીજીએ શીખવ્યું છે કે ગોવિંદથી ગુરુ મોટા છે. ગુરુ જ ગોવિંદ છે. આ જ વાત સૂરદાસજીએ પણ એમની અંતિમ ક્ષણે કહી: ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોંસો.’ શ્રીવલ્લભ એ જ શ્રીનાથજી અને શ્રીનાથજી એ જ શ્રીવલ્લભ. શ્રીગુસાંઈજીએ બતાવ્યું: ‘વસ્તુત: કૃષ્ણ એવ.’ માટે શ્રીવલ્લભ આપણું જીવનધન છે. “ત્વમેવ સર્વં મમ દેવદેવ.”

ધન સુખ લાવે, ધન દુ:ખ દૂર કરે, ધન શાંતિ આપે. શ્રીવલ્લભે આપણને સેવાનું સુખ આપ્યું. સંસારનું અહંતા-મમતાનું દુ:ખ દૂર કર્યું. આપણને આશ્રય આપી નિશ્ચિંત કર્યાં, શાંતિ બક્ષી; માટે તેઓ આપણા જીવનધન છે.

ધનથી બધું મળે. નામ મળે અને પ્રતિષ્ઠા પણ મળે. ‘શ્રીવલ્લભ સાધૈ સબ સધે.’ શ્રીવલ્લભના મળવાથી ભગવદીય મળે, ભગવાન મળે.

આવું ધન ગમે ત્યાં ન રખાય. તિજોરીમાં રખાય. માટે શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: “સદા બસો મન યહ જીવનધન” શ્રીવલ્લભરૂપી જીવનધન સદા મારા મનમાં બિરાજો. ત્યાંથી કોઈ તેમને લઈ જઈ શકશે નહિ. શરીરનું સગપણ તો શરીર સાથે નાશ પામશે. આત્માનો સંબંધ કાયમી રહેશે. માટે શ્રીવલ્લભને આત્મીય બનાવવા, આપણા મનમંદિરમાં પધરાવીએ. પણ પધરાવવા કેવી રીતે?

શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં તેનો પ્રકાર બતાવે છે. પહેલાં મનમંદિરને સાફસુથરું, સુઘડ બનાવો. મર્યાદામાર્ગમાં તે માટે યોગ, તપ વગેરે પ્રકારો છે; પણ એતો કપરા છે. તેથી શ્રીહરિરાયજી કહે છે: “કાહેકો દેહ દમત, સાધન કરિ, મૂરખજન.” આપશ્રી કહે છે: પુષ્ટિમાર્ગ તો પ્રેમમાર્ગ છે. જો પ્રેમીમાં તમારી અનન્યાતાપૂર્વકની શરણાગતિ અને સમર્પણનિષ્ઠા છે, તો તમારા મનના દોષો-અવગુણો પ્રેમીનો સાથ અને પ્રેમ પામવામાં અવરોધક નહિ બને. તમારો પ્રેમ તમારો મોટામાં મોટો ગુણ બની જશે; માટે પુષ્ટિમાર્ગમાં મનમંદિરને સજાવવા માટે દીનતા, નિ:સાધનતા, તાપક્લેશ અને ગુણગાન જરૂરી છે. તેનાથી સ્વરૂપાસક્તિ સુદૃઢ થશે. એક વખત શ્રીવલ્લભમાં સ્વરૂપાસક્તિ થઈ નથી કે શ્રીવલ્લભ મનમંદિરમાં પધાર્યા નથી.

દીનતા આદિ માટે માર્ગનિષ્ઠા થવી જોઈએ. શ્રીવલ્લભના ગ્રંથોના પાઠ, ચિંતન અને તે મુજબના આચરણથી જ માર્ગનિષ્ઠા બને. માર્ગનિષ્ઠા દૃઢ થતાં શ્રીવલ્લભ નામાત્મક અને રૂપાત્મક બંને સ્વરૂપે આપણા મનમંદિરમાં બિરાજે.

પુષ્ટિમાર્ગ એટલે કૃપામાર્ગ. ભગવાન ભોજન આપે, ચાવવા દાંત આપે અને ચાવવાની શક્તિ આપે, એ ભગવાનની કૃપા. પણ આપણે ચાવવું તો પડે જ. તેમ આપણે આપણા મનમંદિરમાં શ્રીવલ્લભને પધરાવવાનો પુરુષાર્થ તો કરવો જ પડે.

સાથે સાથે એ પણ નક્કી છે કે જે આંખનો વિષય બને, સદા માટે આંખમાં વસી જાય, તે જ મનનો વિષય બને, મનમંદિરમાં ય વસી જાય. આંખનો વિષય ન બને, તે મનનો વિષય કેવી રીતે બની શકે? પહેલાં શ્રીવલ્લભને આંખમાં વસાવવા પડે. શ્રીવલ્લભનું રૂપ આંખમાં અંજન બની અંજાઈ જાય. શ્રીહરિરાયજીનાં નેત્રોમાં એ કેવું અંજાઈ ગયું કે તેમના મનમાં એ જીવનધન સદાને માટે વસી ગયું?

શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: ‘સબહીન સોં જુ કહત હૌં ટેરે.’ પોતાનો આ અનુભવ આપ બધાંને કહી રહ્યા છે. વાજતે-ગાજતે કહી રહ્યા છે. સૌને સમજાવી રહ્યા છે કે મધુરાકૃતિ શ્રીવલ્લભને પોતાના બનાવો. જીવનધન બનાવી હૃદયમાં સદાને માટે વસાવી લો. શ્રીવલ્લભ વિદ્યમાન આનંદ છે. ‘વિદ્યમાન આનંદ તજિ ચલત ક્યોં અપાથે?’

છતાં સૌને શ્રીહરિરાયજીની આ આજ્ઞા સમજાતી કેમ નથી? જવાબ સીધો છે: ‘અધિકારી પાખે એ વાણી, નહિ કોને ઉચ્ચાર.’ અધિકાર હોય તે સમજે. બાકી તો ‘સૂન્યો તો સહી, પરિ સમઝ્યો નાહીં’ જેવું થાય.

(ક્રમશઃ)

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ચતુર્ભુજદાસ જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી છીતસ્વામી દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી