સ્નાનયાત્રા-જ્યેષ્ઠાભિષેક

આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા વાગે છે. મૃદંગ સાથે જ્યેષ્ઠાભિષેકનાં કીર્તન થાય છે. પુરુષસૂક્તનો પાઠ થઈ જાય પછી લોટાથી સ્નાન થાય છે.

આ સ્નાન જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રીઠાકોરજીનો રાજ્યાભિષેક કરી તેમને વ્રજરાજકુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન-અભિષેક સમયે વેદમંત્રો-પુરુષસુક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદમાં ભેટ તરીકે ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે સવા લાખ કેરીઓ આરોગે છે.

પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રીયમુનાજીમાં સ્નાન અને વ્રજભક્તો સાથે જલક્રીડા કરી છે તે ભાવથી આજે સ્નાનયાત્રા મનાવાય છે. તેથી આજે શ્રીયમુનાજીનાં અને જલવિહારનાં પદો ગવાય છે.

શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી

(રચનાઃ શ્રીગુસાંઈજી)

(રાગ – બિલાવલ)

નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ ।

નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।।

મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે ।

સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।।

નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે ।

સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।।

ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના ।

બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા રુણમુરઃ સ્મારયસિમાર પિતુ રધુના ।।૩।।

અધિરજનિ હરિ વિહૃતિમીક્ષિતું કુવલયાભિધ સુભગ-નયના ન્યુષતિ તનુષે ।

નયન-યુગ-મલ્પમિતિ બહુતરાણિ ચ તાનિ રસિકતા નિધિ તયા કુરુષે ।।૪।।

રજનિ-જાગર-જનિત-રાગ રંજિત નયન પંકજૈ-રહનિ હરિ મીક્ષસે ।

મકરંદ-ભર-મિષેણાનંદ પૂરિતા સતતમિહ હર્ષાશ્રુ મુંચસે ।।૫।।

તટ-ગતા-નેક-શુક-સારિકા-મુનિગણ સ્તુત-વિવિધ-ગુણ સીધુ સાગરે ।

સંગતા-સતત-મિહ ભક્તજન તાપહૃતિ રાજસે રાસ રસ સાગરે ।।૬।।

રતિ-ભર-શ્રમ-જલોદિત-કમલ પરિમલ બ્રજ યુવતિ જન વિહૃતિ-મોદે ।

તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપ કૃત વિનોદે ।।૭।।

નિજ-બ્રજજના-વનાત્ત-ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદ્યકર કમલે ।

રતિ-મતિ-શયિત રસ વિઠ્ઠલસ્યાશુ કુરૂવેણુ નિનદાહ્​વાન સરલે ।।૮।।

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।

શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’

શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨) મધુરા આકૃતિવાળા. આકૃતિ એટલે સ્વરૂપનાં પાસાં (૧) બાહ્ય (૨) અંતરંગ. આંખોથી જોઇ શકાય તે બાહ્ય સ્વરૂપ. અંત:કરણના ગુણો તે અંતરંગ સ્વરૂપ. માણસ બહારથી દેખાવડો હોય પણ હૃદયનો કઠોર અને નિર્દય  હોય; અથવા બહારથી કરડો અને બરછટ હોય પણ હૃદયનો કોમળ હોય, તો એનું સ્વરૂપ એટલે કે આકૃતિ મઘુર ન કહેવાય. શ્રીવલ્લભના રૂપ અને ગુણ બંને મધુર છે તેથી તેઓ મધુરાકૃતિ છે.

મધુર શ્રી ઠાકોરજી અને મધુરા શ્રી સ્વામિનીજી. બંનેના સ્વરૂપનો સુભગ સમન્વય શ્રીવલ્લભમાં છે. શ્રીવલ્લભ પુરુષરૂપ હોવા છતાં આપનામાં સ્ત્રીત્વનું સહજ લાલિત્ય છે. આમ, મધુર અને મધુરા સ્વરૂપનો સમન્વય થવાથી તેઓ ‘મધુરાકૃતિ’ છે.

શ્રીવલ્લભ નિજભક્તોના ભાવનું સ્વરૂપ ધારણ કરી, દર્શન આપે છે. આપ શ્રી પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે; તો શ્રીસ્વામીની સ્વરૂપે પણ દર્શન આપે છે. ક્યારેક આપ યુગલ સ્વરૂપે પણ દર્શન આપે છે. આપના આચાર્ય સ્વરૂપ-સન્મનુષ્યાકૃતિ સ્વરૂપમાં પણ ભગવદીયોને અલૌકિકતાની ઝાંખી કરાવે છે. ‘જાકે રોમ રોમ પ્રતિ કોટિ ગોવર્ઘનરાઈ.’ આ સર્વ સ્વરૂપ ‘મધુરાકૃતિ’ છે.

જેમ શ્રીપ્રભુનાં આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપ તેમ શ્રીવલ્લભનાં પણ ત્રણ સ્વરૂપ. આગળ જોઈ ગયા તે ભગવદ્ સ્વરૂપ આપનું આધિદૈવિક સ્વરૂપ. એ તો ‘મઘુરાકૃતિ’છે જ. આપની વાણીરૂપ આપના ગ્રંથો આપનું આધ્યાત્મિક સ્વરૂપ. તે પણ મધુર છે. “ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિધ્ધાન્ત.” પૃથ્વી ઉપર પ્રકટ થયેલ આપનું મનુષ્ય નરાકાર સ્વરૂપ એ આધિભૌતિક સ્વરૂપ. તે પણ એટલું જ મધુર હોવાથી ભમરાઓની જેમ પુષ્ટિજીવો દૂરદૂરથી ખેંચાઈ, આપને શોઘતા આપના ચરણમાં આવે છે. આમ આ ત્રણે સ્વરૂપે આપ ‘મધુરાકૃતિ’ છે.

મધુરા છે કૃતિ જેની તે = મધુરાકૃતિ. આ રીતે સમાસનો વિગ્રહ કરીએ તો શ્રીવલ્લભની સર્વ કૃતિ-લીલા મઘુર છે. મધુર એવા શ્રીસ્વામિનીજીના પ્રગાઢ માનને છોડાવવા લીઘેલ પ્રાગટ્ય આપની મધુરાકૃતિ છે. પૃથ્વી ઉપરનું આપનું આગમન અને તિરોધાન મધુર કૃતિ છે. પુષ્ટિજીવોનો ઉધ્ધાર પણ આપે મધુરતાથી કર્યો છે. માયાવાદના ખંડન માટેનાં આપનાં વાણી અને વર્તન પણ એટલાં જ મધુર છે. શ્રીભાગવતરસનું આપે કરેલું મંથન મધુર છે. ભગવત્સેવાનો આપે પ્રકટ કરેલો પ્રકાર મઘુર છે.

આમ આપની આકૃતિ અને કૃતિ ઉભય મધુર છે. અલૌકિક દિવ્ય રસથી છલોછલ છે.

જ્યાં મધુરતા હોય ત્યાં કોમળતા હોય, પ્રસન્નતા હોય. શ્રીવલ્લભ સ્વરૂપ મધુર છે એટલે સુકોમળ અને પ્રસન્નતાપૂર્ણ છે. કોમળતામાં નજાકતતા પણ હોય. આપનામાં નજાકતતા પણ છે. આ સ્વરૂપમાઘુરી ‘દેખે હી બનિ આવે, કહત ન આવે’ એવી છે માટે શ્રીહરિરાયજી માત્ર ‘મધુરાકૃતિ’ પદ કહી, અટકી ગયા છે!

આવા મધુરાકૃતિ શ્રીવલ્લભ જેમને પ્રાપ્ત થાય તે મહા બડભાગી એમ સૂચવવા શ્રીહરિરાયજીએ કહ્યું : ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ ક્યારેક પ્રેમ એકપક્ષી હોય છે. આપણે કોઈકને સ્નેહ કરતા હોઈએ, તેને પોતાનો માનીએ, પણ સામી વ્યક્તિ આપણને સ્નેહ ન પણ કરતી હોય. આ એકપક્ષી પ્રેમ અધૂરો છે; છતાંયે તેમાં મધુરતા તો છે જ; પરંતુ જ્યારે પ્રેમ બે પક્ષી બને – તું મારો, હું તારો – ત્યારે તે પરિપૂર્ણ પ્રેમ કહેવાય. તે પૂર્ણત: મધુર હોય. શ્રીવલ્લભ સાથેનો આપણો હૃદયભાવ બેપક્ષી છે. આપણે શ્રીવલ્લભને અપનાવ્યા છે. શ્રીવલ્લભે આપણને સ્વીકાર્યા છે. તેને લઈને શ્રીવલ્લભ આપણા પોતીકા હોવાથી વિશેષ ‘મધુરાકૃતિ’ છે. પોતાપણાનો ભાવ પ્રકટે એટલે અરૂપ પણ રૂપવાન લાગે. મધુર વધારે મધુર લાગે. આથી શ્રીહરિરાયજીને શ્રીવલ્લભ સવિશેષ ‘મધુરાકૃતિ’ લાગે છે. ‘શ્રીવલ્લભ સવિશેષ મારા છે’ એ પરમ સૌભાગ્યનો આનંદ જ આ પદ ગવડાવે છે.

જે મારા – આપણા થાય, તે આંખ સામે હોય ત્યારે ‘રૂપ દેખે નયના પલક લાગે નહિ.’ તે આંખથી અંતર્ધાન થઈ, અંત:કરણમાં બિરાજે, ત્યારે ય એમના સ્વરૂપની સ્મૃતિ તો મમળાવવાનું જ મન રહે. સ્મૃતિની માણેલી મધુરતા, જગતમાં કામગરા રહેવા છતાં, આપણને શ્રીવલ્લભમય બનાવી દે છે. ‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રિકમજીશું તાળી’ પછી એ ભક્ત માટે તો ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.’ આજ ઉત્કટ અનુભવથી શ્રીહરિરાયજીએ ગાયું – શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.

(ક્રમશઃ)

ગંગાદશમી – ગંગા દશહરા

આજે જેઠ સુદ દસમ. આજે શ્રીયમુનાજીનો તથા શ્રીગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રીયમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યાં અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રીયમુનાજી દ્વારા પૂર્ણ થઈ માટે આજના દિવસને ગંગા-દશહરા કહેવાય છે. શ્રીયમુનાજી જીવો ઉપર કૃપા કરી, શ્રીગંગાજીને મળ્યાં છે. શ્રીયમુનાજીનો સ્પર્શ થવાથી ગંગાજીના સ્નાન-પાન કરનારનો પણ ઉદ્ધાર થાય છે.શ્રીગંગાજી-શ્રીયમુનાજીના ભાવથી આજે મંદિરના ચોકમાં જળ ભરાય છે.

(સાભાર – નિકુંજનાયક શ્રીનાથજી)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી

ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ

shri vallabh

(રાગ-બિહાગ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।

સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।।

મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।

મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।।

મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ ।

મધુર શ્રવન  કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।।

મધુર કટાક્ષ કૃપારસ પૂરન, મધુર મનોહર બચન વિલાસ ।

મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।।

મધુર કંઠ આભૂષન ભૂષિત, મધુર ઉરસ્થલ રૂપ સમાજ ।

અતિ વિશાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ।।૫।।

મધુર ઉદર કટિ મધુર જાનુ યુગ, મધુર ચરનગતિ સબ સુખરાસ ।

મધુર ચરનકી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’  ।।૬।।

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/04/shri-vallabh-madhurakruti-mere_piyushbhai-parikh.mp3|titles=shri vallabh madhurakruti mere_piyushbhai parikh]

(સ્વરઃ શ્રી પીયૂષભાઈ પરીખ, ભરુચ)


ભાવાર્થ :

શ્રીહરિરાયજીને શ્રીવલ્લભમાં ભરપુર પ્રીતી. જેનામાં પ્રીતિ હોય એનામાં મતિ રહે. ચિત્ત વારંવાર ત્યાં જ ગતિ કરે. પ્રીતિને લઈને વારંવાર એમનું રૂપ યાદ આવે. સહજ સ્મરણ થાય. આથી શ્રીહરિરાયજી કિશોર અવસ્થાથી જ એકાંતમાં બિરાજી ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’ ના જપમાં રાતદિવસ મગ્ન થઈ જતા.

લાકડામાં અગ્નિ છુપાયેલો હોય છે. બે લાકડાં ઘસાય એટલે અગ્નિ પ્રકટે. શ્રીવલ્લભ એટલે અલૌકિક અગ્નિ. શ્રીહરિરાયજીના હૃદયમાં વિરહતાપ સ્વરૂપે તેઓ બિરાજે. ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’માં નામસ્વરૂપે બિરાજે. વિરહાતુર હૃદયથી તેમના અગ્નિ સ્વરૂપ નામનો જપ થાય, એટલે એ અલૌકિક અગ્નિ પહેલા અંત:કરણમાં પ્રગટ થાય; પછી બહાર પધારી નેત્રથી દર્શન આપે. આ રહસ્ય શ્રીવલ્લભે સ્વયં ‘નિરોધલક્ષણ’ માં બતાવ્યું.

શ્રીહરિરાયજીને શ્રીવલ્લભ સ્વરૂપનો અલૌકિક અનુભવ તેમના અંત:કરણથી અને નેત્રોથી થયો. આપે કૃપા કરી આ પદ દ્વારા આપણને શ્રીવલ્લભ સ્વરૂપરસનો આસ્વાદ કરાવ્યો છે.

ભગવદ્ સ્વરૂપરસની મઘુરતાનો પ્રથમ અનુભવ શ્રીવલ્લભને ગોકુળમાં શ્રાવણ સુદ અગિયારસની મઘ્યરાત્રિએ થયેલો. આપે તે અનુભવ ‘મધુરાષ્ટક’માં ગાયો. ત્યાં શ્રી મઘુરેશ પ્રભુને આપે ‘મધુરાધિપતિ’ કહ્યા. અહીં શ્રીહરિરાયજી શ્રીવલ્લભ પ્રભુને ‘મઘુરાકૃતિ’ કહે છે.

‘મઘુરાષ્ટક’ની ટીકામાં શ્રીગુસાંઈજીએ સમજાવ્યું કે જ્યારે રૂપ, ગુણ અને લીલા-એમ ત્રણ સુંદર અને આનંદમય હોય ત્યારે તે મઘુર કહેવાય. શ્રીસ્વામિનીજી આવાં ‘મધુરા’ છે. તેમના અઘિપતિ પણ એવા જ ‘મઘુર’ હોય. આથી શ્રીઠાકોરજીને મધુરાધિપતિ કહ્યા.

જેમનામાં મીઠાશ હોય તે મધુર કહેવાય. મીઠાશ બે પ્રકારની. જીભની અને હૃદયની. કેરીનો રસ, મધ, સાકર આદિની મીઠાશ જીભની છે. તેનો આનંદ, તે ખવાય ત્યાં સુઘીનો. સ્નેહ એ હૃદયની મીઠાશ છે. એનો અનુભવ સતત થાય. લૌકિક સ્નેહ જો આટલો મીઠો-મઘુર હોય, તો દિવ્ય સ્નેહ – પ્રેમ તો કેટલો મધુર હોય? એ મધુરતાનું વર્ણન શબ્દોમાં ખાસ ન કરી શકાય.

વેદ જેવા વેદે પણ શ્રીપ્રભુની મઘુરતા માટે એટલું જ કહ્યું : “રસો વૈ સ: ” તે (પ્રભુ) રસરૂપ છે. રસ કેવો? એના જવાબમાં કહ્યું: “આનંદ કરપાદમુખોદરાદિ” એમના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે બઘાં અંગો આનંદ સ્વરૂપ. એમાં આનંદરસનું પ્રમાણ કેટલું ? જવાબ મળ્યો-“પૂર્ણ:” પ્રભુ પૂરેપુરા આનંદરૂપ છે.

આપણને કોઇ સુંદર કહે ત્યારે આપણી સુંદરતાને માણવા આપણે અરીસા સામે ઊભા થઇ જઈએ છીએ! પ્રભુએ પોતાના આનંદ સ્વરૂપની મધુરતા માણવા, પોતાના જ સ્વરૂપમાંથી પોતાનું બીજું સ્ત્રીરૂપ પ્રકટ કર્યું. તે શ્રીરાધિકાજી-સ્વામિનીજી! શ્રીપ્રભુ આનંદસ્વરૂપ, તો સ્વામિનીજી પરમાનંદ સ્વરૂપ. આનંદરસ શૃંગારના બે દળ-સંયોગ અને વિપ્રયોગ. શ્રીસ્વામિનીજી સંયોગ શૃંગારનું સ્વરૂપ. કૃષ્ણ વિપ્રયોગ શૃંગારનું સ્વરૂપ.

કૃષ્ણ સંયોગ શૃંગાર રસનો અનુભવ કરવા તેમના હૃદયમાં શ્રીસ્વામિનીજીનો સ્ત્રીભાવ પ્રકટ કરે. શ્રીસ્વામિનીજી વિપ્રયોગ શૃંગાર રસનો અનુભવ કરવા તેમના હૃદયમાં કૃષ્ણનો પુંભાવ પ્રકટ કરે. ઉભયના હૃદયના રસાત્મક સ્ત્રી-પું ભાવો એક થતાં,જે ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થાય તે શ્રીવલ્લભ. શ્રીગુસાંઇજીએ આ રહસ્ય ‘સૌંદર્યપદ્ય’ માં સમજાવ્યું છે.

આમ, શ્રીવલ્લભનું સ્વરૂપ શ્રીપ્રભુ અને શ્રીસ્વામિનીજીના ભાવોનું ભાવાત્મક-રસાત્મક સ્વરૂપ છે. તેમાં સંયોગ અને વિપ્રયોગના બંને રસ છે. સ્ત્રીભાવ અને પુંભાવના ભાવાત્મક રસ પણ છે. આથી આ સ્વરૂપને ‘શ્રીવલ્લભ’ કહ્યા. વલ્લભ એટલે વહાલા. જે મઘુર હોય, આનંદમય હોય, તે જ સૌને વહાલા લાગે. જે સુંદર અને ગુણવાન હોય તે જ સૌને વહાલા લાગે. શ્રીવલ્લભ તો પ્રભુને અને સ્વામિનીજીને ય વહાલા લાગે માટે તેમનું  નામ ‘શ્રીવલ્લભ’.

વદ્ + લભ = વલ્લભ. જેમનું નામ રટતાં ય જીભ અને મોં મીઠાં બની જાય, મઘુરતાના આસ્વાદનો લાભ મળે, તે શ્રીવલ્લભ. આમ, શ્રીવલ્લભના નામકીર્તનથી મધુરતાનો અનુભવ થાય છે. જેમના નામમાં આટલી મધુરતા હોય, તેમના સ્વરૂપમાં કેટલી મઘુરતા હશે?

એનો જવાબ શ્રીહરિરાયજી આ પદમાં આપે છે. ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે’.

(ક્રમશઃ)

ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે છે. હોળીની ધમાર-ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે.

આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, સોળ હજાર કુમારિકાઓ પાસે પત્ર-પુષ્પથી સજાવી ડોલ સિધ્ધ કરાવે છે. વળી, શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીલલિતાજી વગેરેને બોલાવી કહે છે કે તમે બધા હળીમળીને સુંદર ડોલ સિધ્ધ કરો. લાલાને એમાં ઝુલાવો. ખૂબ હોળી ખેલો અને લાલાને ખેલાવો. લાલાને આજે એટલું બઘું ખેલાવો કે હોળી ખેલથી એ ધરાઈ જાય અને કંટાળી જાય. બીજા દિવસે એને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે.

આ સાંભળીને સર્વ સ્વામીનીજીઓને ખૂબ આનંદ થાય છે. તેમને થાય છે કે આજે અમારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. સર્વ ગુરુજનો અને વડીલોની હાજરીમાં પ્રભુને ઝૂલાવવાનો અને ખેલાવવાનો મોકો મળશે. બધાંએ મળીને સુંદર કુંજની રચના કરી. તેમાં પત્ર-પુષ્પોથી સજાવી સુંદર ડોલ સિદ્ધ કર્યો. તેમાં પ્રભુને ઝુલાવ્યા. કેસૂડો અને અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી ખૂબ ખેલાવ્યા. સાથે સાથે નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, સમસ્ત વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ બધાં મળીને ખૂબ હોળી રમ્યા. પ્રભુએ પણ વ્રજલલનાઓ સાથે હોળીખેલનો અને ડોલ ઝૂલવાનો આનંદ માણ્યો.

શ્રીઠાકોરજી નંદાલયમાં આ રીતે ડોલ ઝૂલે છે અને ફાગ ખેલે છે. તે જ રીતે નિકુંજલીલાના ભાવથી વૃંદાવનમાં, શ્રીગોર્વધનની તળેટીમાં, કુંજ-નિકુંજોમાં યુગલ સ્વરૂપે ડોલ ઝૂલે છે. વ્રજના આ અલૌકિક સ્થાનો છે. ત્યાં સદા સુંદર ઝરણા વહે છે. શીતલ મંદ વાયુ વાય છે. અનેક પ્રકારની માધુરી લતાઓ અને વૃક્ષો ઉપર સુંદર ફૂલ ખીલે છે. સદાયે વસંત રહે છે. આ લતાઓ વૃક્ષો વગેરે ભગવદીય છે. એમના ભોક્તા પ્રભુ છે. પ્રભુને જ માટે આ સર્વ અલૌકિક પદાર્થો વ્રજમાં રહેલા છે. પ્રભુ આ ડોલોત્સવના મિષે, એ બધાની વિનંતીથી, તેમનો અંગીકાર કરે છે. પત્ર-પુષ્પ વગેરેનો ડોલ સિધ્ધ થાય છે. અને એ સર્વ ભગવદીયોના મનોરથો પૂર્ણ થાય છે.

પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી સર્વ મંદિરો, હવેલીઓ અને વૈષ્ણવોના ધેર ડોલોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પત્ર-પુષ્પથી સજાવી ડોલતિબારીમાં સુંદર ડોલ સિધ્ધ કરવામાં આવે છે. સફેદ પિછવાઈ અને સફેદ ઝાલર બંધાય છે. ડોલનું અધિવાસન થાય છે. રાજભોગ આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બિરાજે છે. ડોલમાં પહેલા શ્રીપ્રભુને રંગોથી અને પિછવાઈ ઝાલર, તથા ડોલ ઉપર કેસુડાની પિચકારી અને રંગોથી ખેલ થાય છે. પછી ડોલમાં જ પ્રભુને ભોગ આવે છે. ભોગ સર્યા પછી દર્શન થાય છે. સન્મુખ બીડાં આરોગે છે. ત્યાર બાદ ફરી ખેલ થાય છે.

પ્રભુ વ્રજનાં વિવિધ સ્થાનોમાં ડોલ ઝૂલ્યાં છે. એ ભાવનાથી મંદિરોમાં આ દિવસે પ્રભુને ચાર ભોગ આવે છે. ચાર ખેલનાં દર્શન થાય છે. પ્રભુને દરેક ભોગમાં વિવિધ સામગ્રીઓ આરોગાવાય છે. બીડાં આરોગે છે. ક્રમશ ભારે ખેલ થાય છે. કેસૂડાની પિચકારીઓ અને અબીલ-ગુલાલની પોટલીઓ ઉડે છે. એટલો બધો રંગ ઊડે છે કે, સમગ્ર દર્શન ચોકમાં જાણે અબીલ-ગુલાલથી અંધારૂ છવાઈ જાય છે. શ્રીઠાકોરજી, ડોલ, પિછવાઈ, ઝાલર વગેરે રંગોથી અને કેસુડાથી તરબતર થઈ જાય છે. પૂ.મહારાજશ્રી અથવા મુખિયાજી ખૂબ રંગ અને કેસૂડો દર્શનાર્થી વૈષ્ણવો ઉપર પણ ઉડાડે છે. સૌ દર્શનાર્થી વૈષ્ણવો પણ હોરીખેલનો અલૌકિક આનંદ શ્રીઠાકોરજી સાથે માણે છે. એટલો બધો ભારે ખેલ થાય છે કે શ્રીઠાકોરજી હોરી ખેલથી ધરાઈ જાય. સાથે સાથે હોરીખેલનાં અને ઝૂલાવવાનાં કીર્તનો પણ ગવાય છે. ચોથા ભોગનાં દર્શન પછી આરતી થાય છે. બાદ પ્રભુ નિજમંદિરમાં ભીતર પધારે છે. વૈષ્ણવો ડોલની પરિક્રમા કરી લે ત્યારબાદ તરત જ ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે. મંદિર ધોવાઈને એટલું સ્વચ્છ બની જાય કે રંગનું નામ-નિશાન ન રહે. જેથી શ્રીઠાકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે. રંગ નીકળી ગયા પછી નિત્યક્રમ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવા થાય છે.

આ રીતે નંદાલયની અને નિકુંજલીલાની ભાવનાથી પુષ્ટિમાર્ગમાં ડોલોત્સવ મનાવવામાં આવે છે.

હોરી ડંડારોપણ ક્યારે થાય, વ્રજમાં કઈ જગ્યાએ થાય, શા માટે થાય?

હોરી ડંડારોપણ પૂનમે થાય છે. વ્રજમાં ગોકુળ-બરસાનાની ગલીઓમાં હોળી ખેલાય છે. ગામની બહાર ચોકમાં ગોપ-ગોપીઓના બે યૂથ વચ્ચે હોળી ખેલાય છે. યમુનાજીના કિનારે, વૃંદાવનમાં, કુંજનિકુંજમાં બધે પ્રભુ વ્રજભક્તો સાથે હોળી ખેલે છે. આમ, જ્યાં જ્યાં હોળી ખેલ થાય છે ત્યાં ત્યાં બધે હોળી ડંડાનું આરોપણ થાય છે. આ ડંડારોપણમાં કામદેવનું આરોપણ થાચ છે. એવો ભાવ છે.

વ્રજમાં ગામની બહાર ચોકમાં ડંડારોપણ કરી, તેના ઉપર ધજા ફરકાવવામાં આવે છે. ત્યાં બ્રાહ્મણો સ્વસ્તિવાચન કરે છે. બે હોળી ખેલતાં હોય ત્યારે હાર-જીત તો થાય જ, છતાં એક મહિના સુધી બધા સુખપૂર્વક હોળી રમે અને નિર્વિઘ્નતાથી ઉત્સવનો આનંદ માણે એ હેતુથી વેદપઠન કરવામાં આવે છે. ત્યાર પછી નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, ઠાકોરજી, બળદેવજી અને સમસ્ત વ્રજભક્તો ત્યાં દંડવત પ્રણામ કરે છે. પછી ધમાર ગાવાનો અને હોળી ખેલનો પ્રારંભ થાય છે.

પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી બધા મંદિરોમાં અને હવેલીઓમાં મહા સુદ પૂનમે હોરીડંડારોપણ થાય છે. એક મહિના બાદ એ જ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં હોળીનું પ્રદીપન થતું હોય ત્યાં જ હોરી ડંડારોપણ થાય તેથી વૈષ્ણવોને ઘરે હોરી ડંડારોપણ થતું નથી. વૈષ્ણવો પોતાને ઘેર વસંતપંચમીના દિવસે કળશપૂજન કરે છે, તેમજ વસંતપંચમીથી હોળીખેલ ફગવા વગેરે સ્વપ્રભુને અંગીકાર કરાવે છે. વસંતપંચમીથી ૪૦ દિવસ સુધી હોળીખેલનો આનંદ પોતાના સેવ્ય પ્રભુ સાથે માણે છે.

હોળીખેલ થાય ત્યારે પ્રભુના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકી દેવામાં કેમ આવે છે?

ભક્તો પ્રભુને હોળી ખેલાવે ત્યારે પ્રભુના ચરણારવિંદ ઉપર વસ્ત્રો ઢાંકી દેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ભક્તો પ્રભુનાં ચરણારવિંદના દર્શન કરે તો, હૃદયમાં દાસ ભાવ આવે અને દાસત્વ આવે તો, પ્રભુ સાથે સખ્યભાવથી હોરી ખેલવાનું શક્ય ન બને. હોરી ખેલની લીલા સખ્યભાવની અને કિશોરલીલાની છે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી