શ્રી દામોદરદાસ હરસાનીજી

શ્રી દામોદરદાસ હરસાનીજી


પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.

આ ભગવદ્ શિરોમણીનું ચરિત્ર દિવ્ય છે. અદ્​ભુત અને અલૌકિક છે. એમના સ્મરણથી કૃતાર્થ થવાનો આજે અવસર છે.

શ્રી દામોદરદાસજીનો જન્મ સં. ૧૫૩૧માં મહાસુદ ચોથના દિવસે થયો હતો. શ્રીમહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે તેમની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી અને પોતાના પિતાજી થીરદાસની સાથે તે સમયે તેઓ ચંપારણ્ય ગયેલા પણ ખરા. શ્રીવલ્લભના પ્રાકટ્યનો અલૌકિક મહોત્સવ ઉજવાયો હતો તેનાં દર્શન તેમણે કરેલાં.

બાળપણથી તેઓ સંસારથી અલિપ્ત હતા. હસતા – રમતા નહિ. ભોજનની પણ પરવા ન કરતા. આખો દિવસ ઝરૂખામાં બેસી પોતાના પ્રાણપ્રેષ્ઠ વલ્લભની પ્રતીક્ષા કરતા અને એક દિવસ શ્રીવલ્લભનાં વર્ધાના રાજમાર્ગ ઉપરથી પધારતાં દર્શન થયાં કે તરત શ્રીવલ્લભ પાસે જઈ દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીવલ્લભે પૂછ્યુઃ “દમલા, તું આવ્યો?” સાંભળતાં જ દામોદરદાસજી શ્રીવલ્લભની સાથે ચાલી નીકળ્યા.

પછી તો સમગ્ર જીવનપર્યંત શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલની સેવામાં જ રહ્યા. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીની બ્રહ્મસંબંધની આજ્ઞા સિદ્ધાંતરહસ્ય ગ્રંથ રચી તેમને સમજાવી. એ દ્વારા પ્રભુની આજ્ઞાનું રહસ્ય તેમના હૃદયમાં સ્પષ્ટ કર્યું.

શ્રીવલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે દામોદરદાસની સાથે ભગવદ્​લીલાનું ચિંતન કરતા. ભગવદ્​વાર્તામાં તલ્લીન બની જતા. અવારનવાર આજ્ઞા કરતા – દમલા, ભગવદ્​વાર્તા કર્યે ઘણો સમય થઈ ગયો છે અને શ્રીઠાકોરજીના વિપ્રયોગમાં શ્રીવલ્લભ લીન થઈ જતા.

દામોદરદાસજી ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા માનતા. શ્રીનાથજીબાવાએ તે માટે તેમની કસોટી પણ કરેલી અને કસોટીમાં તેઓ સંપૂર્ણપણે પાર ઉતરેલા.

શ્રીમહાપ્રભજીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યારે શ્રીગુસાંઈજી યુવાન હતા. તેમનાં માતૃચરણોએ આજ્ઞા કરેલી કે પુષ્ટિમાર્ગ વિશે આપને જે કંઈ જાણવું હોય તે દામોદરદાસને પૂછજો, કારણ તમારા પિતૃચરણે તેમના હૃદયમાં પુષ્ટિમાર્ગ દૃઢ રીતે સ્થાપન કર્યો છે.

શ્રીમહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા પછી દર ત્રીજા દિવસે દામોદરદાસને પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપતા. આપશ્રીએ આજ્ઞા કરેલી કે દમલા, તું શ્રીગુસાંઈજીને મારું જ સ્વરૂપ જાણજે. તેમને દંડવત્ કરજે અને તેમનું ચરણોદક લેજે.

દામોદરદાસજી જરૂર પડ્યે શ્રીગુસાંઈજીને પણ શિખામણ આપતા વિનંતી કરતા અને શ્રીગુસાંઈજી તેમની શિખામણ માનતા પણ ખરા. એકવાર શ્રીગુસાંઈજીએ દામોદરદાસજીના ઘેર પધારી તેમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું અને દક્ષિણામાં દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને સિદ્ધાંતરહસ્ય ગ્રંથનો દોઢ શ્લોક સમજાવેલો. દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગની સેવાપ્રણાલી – નિત્યની અને ઉત્સવની – સમજાવેલી. શ્રીમહાપ્રભુજીના ગ્રંથો દીનતાપૂર્વક સમજાવેલા. તદુપરાંત શ્રીમહાપ્રભુજી સાથે થયેલી ભગવદ્​વાર્તા દામોદરદાસજી શ્રીગુસાંઈજી સમક્ષ કહેતા. પોતાનો દૈન્ય અને દાસભાવ સાચવીને દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગનું સર્વ અધ્યયન કરાવ્યું. પોતે ભગવદ્ સ્વરૂપ હોવા છતાં શ્રીગુસાંઈજી શ્રીવલ્લભના સેવક એવા આ ભગવદ્ ભક્તનો ઉત્કર્ષ પ્રકટ કરવા સર્વ કાંઈ તેમને પૂછીને જ કરતા !

આવા દામોદરદાસજી પૃથ્વી ઉપર ૭૭ વર્ષ સુધી બિરાજ્યા. સં. ૧૬૦૭માં નિત્યલીલામાં પધાર્યા.

જેમનું હૃદય શ્રીવલ્લભની અલૌકિક ભગવદ્​વાર્તાની રસવર્ષા દ્વારા નિરંતર ભગવદ્ રસથી ભરેલું રહેતું એવા ભક્તશિરોમણી મહાનુભાવ પુષ્ટિસૃષ્ટિ અગ્રેસર શ્રી દામોદરદાસજીને આજના તેમના પ્રાકટ્ય દિવસે કોટિ કોટિ વંદન કરીએ.

(રાગ – સારંગ)

આજ બધાયો મંગલચાર,

માઘ માસ શુક્લ ચોથ હૈ, હસ્ત નક્ષત્ર રવિવાર. (૧)

પ્રેમસુધાસાગર રસ પ્રકટ્યો, આનંદ બાઢ્યો અપાર,

દાસ રસિક જન જાય બલિહારી, સરબસ દિયો બાર. (૨)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/Harsaniji-Vadhai.mp3|titles=Harsaniji Vadhai]

(સ્વર – શ્રી ભગવતી પ્રસાદ ગાંધર્વ)

સઘન બન ફૂલ્યોરી

બસંત આગમનનું પદ

(રાગઃ માલકૌંસ)

સઘન બન ફૂલ્યોરી કુસુમન ફૂલી સબ બનરાઈ,

ફૂલી બ્રજ યુવતીજન ફૂલે સુંદર વર રતી આઈ. (૧)

જાન પંચમી મિલાપ કરન વૃષભાન સુતા બન આઈ,

રસિક પ્રીતમ પિય અતિ રસમાતે ડોલત કુંજન માઈ. (૨)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/saghan-ban-fulyori.mp3|titles=saghan ban fulyori]

(સ્વર – શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)

લહેકન લાગી બસંત બહાર સખી

(બસંત આગમનનું પદ)

રાગઃ માલકૌંસ

રચના – નંદદાસજી

લહેકન લાગી  વસંતબહાર સખી, ત્યોં ત્યોં બનવારી લાગ્યો બહેકન.

ફૂલ પલાસ નખ નાહર કૈસે, તૈસે કાનન લાગ્યો મહેકન. (૧)

કોકિલ મોર શુક સારસ હંસ ખંજન, મીન ભ્રમર અખિયાં દેખ અતિ લલકન.

નંદદાસ પ્રભુ પ્યારી અગવાની, ગિરિધર પિયકો દેખ ભયો શ્રમકન. (૨)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/Lahekan-Lagi-Basant-Bahar.mp3|titles=Lahekan Lagi Basant Bahar]

(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)

શિશિર ઋતુ વિદાય લઈ રહી છે અને વસંતનું આગમન થઈ રહ્યું છે. ઠંડી ઋતુનો અંત આવતાં સર્વત્ર વનરાજી ખીલવા માંડી છે. શ્રીયમુનાજીના મનોહર તટ ઉપર કમનીય કુસુમવનમાં વૃક્ષો ઉપર જાણે વસંતને કારણે બહાર-મસ્તી આવી ગઈ છે.

 

વનમાં વિહાર કરવા માટે શ્રીરાધિકાજીની આગેવાની નીચે નીકળેલી સખીઓ આ બહારને જોઈને ખુશ થતાં કહે છેઃ ‘હે સખી, જો તો ખરી. વનમાં વસંત ખીલી છે. વૃક્ષો ઉપર નવાં પાન લહેરાઈ રહ્યાં છે. ફૂલ ખીલ્યાં છે. જેમ જેમ વસંતની મસ્તી લહેરાય છે તેમ તેમ આપણો આ બનવારી – પ્રાણપ્યારો કૃષ્ણ પણ મદમસ્ત બની બહેકી રહ્યો છે.!’

 

વાઘના નખ વધીને વાંકા થઈ જાય તેમ આ પલાશ – કેસૂડાના ફૂલની પાંદડીઓ પણ ખૂબ ખીલીને વાંકી થઈ ગઈ છે. પલાશના પુષ્પોની મહેંકથી આખું વન મહેંકી રહ્યું છે. સુગંધિત થઈ રહ્યું છે. એ સુગંધની મસ્તીમાં જાણે સૌ બહેકી રહ્યાં છે.

 

પશુ-પક્ષીઓ પણ એમાંથી બાકાત નથી. કોકિલા, મોર, પોપટ, સારસ, હંસ, ખંજન જેવાં ચંચળ પક્ષીઓ, મીન એટલે માછલાં, ભ્રમર વગેરે બધાં આ ખીલેલી વનરાજીથી ખુશ થયેલા ગિરિધરપ્રભુનાં નેત્રોનાં દર્શન કરીને, મધુર અવાજ કરી રહ્યાં છે, જાણે લલકારીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે.

 

નંદદાસજી કહે છે કે આવા મધુર સમયે શ્રીપ્રભુના મિલન માટે જઈ રહેલાં સખીજનોની અગવાની લેનાર શ્રીસ્વામિનીજીને મારા પ્રભુનાં દર્શન થતાં જ કપોલ ઉપર શ્રમકણ બિંદુઓ ઝળકી ઊઠ્યાં છે!

 

ઋતુપરિવર્તનની સુંદર નોંધ લેતું અને વસંતની બહારને વધાવતું આ મધુર પદ અષ્ટસખા પૈકીના શ્રીનંદદાસજીની રચના છે અને વસંત આગમના દિવસોમાં શ્રીપ્રભુ સન્મુખ ગવાય છે.

(વસંત આગમના દિવસો – પોષ વદ અમાસથી મહા સુદ ચોથ)

શ્રીવિઠ્ઠલ વંદના

Shri Gusaniji_72 DPI

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર,

ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર.

ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ,

શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ.

મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય,

ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય.

(શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી)

શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી નૌકાના સહારે જ આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય તેમ છે, કારણ કાગળની નાવ ઉપર બેસી (અન્ય સાધનોના બળે) કોઈ પાર ઉતરી શક્યું નથી.

જન્મમરણરૂપી આ ભવસાગરને તરવાની રીત બહુ જ અટપટી છે. જીવ સ્વપ્રયત્ને કે અન્ય સાધનથી તેને પાર કરી શકતો નથી. માત્ર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના પ્રતાપબળે, તેમની કૃપાથી તરત તેને પાર કરી શકાય છે.

જેમ માછલી જળમાં જ જીવીત રહે છે, બહાર કાઢતા મરી જાય છે, તેમ વૈષ્ણવે પણ શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણના આશ્રયે જ રહેવું જોઈએ. તેમનાં ચરણોમાં જ ચિત્ત રાખવું જોઈએ.

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

રચના – શ્રીહરિરાયજી

છંદ – અનુષ્ટુપ

નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ ।

ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।।

નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧)

ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ ।

કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।

ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત કરી શકાય એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૨)

સ્વામિનીભાવ-સંયુક્ત-ભગવદ્​ભાવ-ભાવિતઃ ।

અત્યલૌકિકમૂર્તિઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૩।।

શ્રીસ્વામિનીજીના ભાવથી યુક્ત તથા ભગવદ્ ભાવથી ભાવયુક્ત, અતિ અલૌકિક સ્વરૂપવાન શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૩)

શ્રીકૃષ્ણવદનાનંદો વિયોગાનલમૂર્તિમાન્ ।

ભક્તિમાર્ગાબ્જ-ભાનુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।

સદાનંદ શ્રીકૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ, વિયોગરૂપી અલૌકિક અગ્નિસ્વરૂપ, ભક્તિમાર્ગ રૂપી કમળને વિકસાવનાર સૂર્યરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૪)

રાસલીલારસભર-સમાક્રાન્તાઽખિલાંગભૃત ।

ભાવરૂપાઽખિલાંગઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૫।।

રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા, ભાવાત્મક સર્વ અંગોવાળા  શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૫)

શ્રીભાગવતભાવાર્થા – વિર્ભાવાર્થાવતારિતઃ ।

સ્વામિસંતોષહેતુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૬।।

શ્રીભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રીકૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૬)

વલ્લવીવલ્લભાન્તઃસ્થ લીલાનુભવ વલ્લભઃ ।

અન્યાસ્ફુરણરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૭।।

શ્રીગોપીજનવલ્લભ શ્રીકૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વહાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રીમહાપ્રભુજી-શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૭)

જિતાભોજદાંભોજ – વિભૂષિતવસુંધરઃ ।

સદા ગોવર્ધનસ્થઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૮।।

પોતાની અતિશય કોમળતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણકમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રીગિરિરાજજીમાં બિરાજમાન એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૮)

અનન્યસ્તન્મના નિત્યં પઠેદ્યઃ શરણાષ્ટકમ્ ।

સ લભેત્ સાધનાભાવ – યુક્તોપ્યેતત્પદાશ્રયમ્ ।।૯।।

જે જીવ અનન્યાશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકમ્​નો પાઠ નિત્ય કરશે, તે નિઃસાધન હશે તો પણ, તે શ્રીમહાપ્રભુજીના ચરણકમળના દૃઢ આશ્રયને પ્રાપ્ત કરશે.

ઇતિ શ્રીહરિદાસ વિરચિતં શ્રીવલ્લભશરણાષ્ટકં સંપૂર્ણમ્ ।

આ પ્રમાણે શ્રીહરિરાયજી રચિત શ્રીવલ્લભશરણાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ થયું.

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

mahaprabhji_pragtyaઆજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં,

શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦

ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી,

નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦

નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી,

શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦

ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો,

નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦

ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં,

ગુલાલને  પુષ્પો  વરસાવ્યાં. વધામણાં રે૦

પુષ્ટિનો નાથ ઝૂલે સોનાના પારણે,

દાસ ‘ગોપીજન’ આનંદ પામે. વધામણાં રે૦

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ.

મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર શ્રીગુસાંઈજી છે. છંદ જગતિ છે. દેવતા શ્રીકૃષ્ણમુખસ્વરૂપ શ્રીમહાપ્રભુજી છે. બીજ કારુણિક પ્રભુ છે અને ફળ કૃષ્ણાધરામૃતનો આસ્વાદ છે.

સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક દરરોજ તેનો પાઠ કરવો. શ્રદ્ધા = શ્રત્ + ધા. શ્રત્ એટલે સત્ય. ધા એટલે ધારણ કરવું. શ્રીપ્રભુ અને શ્રીમહાપ્રભુજી સત્ય છે. તેમની વાણી સત્ય છે. તેમને વિશ્વાસપૂર્વક સ્વીકારવા તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી દૃઢ થાય છે. સત્ય-અસત્ય, શ્રેય-પ્રેયને અલગ તારવી, સત્ય અને શ્રેયને સ્વીકારે તે વિશુદ્ધ બુદ્ધિ.  આ સ્તોત્રમાં વર્ણવાયેલાં ૧૦૮ અલૌકિક નામરૂપોથી ભગવદ્ સ્વરૂપ શ્રીમહાપ્રભુજી બિરાજે છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખી, તેમની આ સ્તોત્રના પાઠ દ્વારા નિઃસ્વાર્થ પ્રેમબુદ્ધિથી સ્તુતિ-સ્મરણ કરવાં. કોઈ લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા.

આ સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી બે આજ્ઞા કરે છેઃ ‘પઠત્યનુદિનં જનઃ’ અને ‘જપ્યં કૃષ્ણરસાર્થીભિઃ’ શ્રીસર્વોત્તમ સ્તોત્ર પરની ટીકામાં શ્રીગુસાંઈજીના ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજીએ સ્પષ્ટતા કરતાં એવી આજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ સ્તોત્ર બરોબર મોઢે ન થાય, ત્યાં સુધી ગ્રંથ સામે રાખી તેનો મોટેથી પાઠ કરવો. સ્તોત્ર તરીકે પાઠ અને મંત્ર તરીકે જપ કરવાનું વિધાન છે.

શ્રીમહાપ્રભુજીએ ‘સુબોધિની’માં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે, જપ કરવો એ પુષ્ટિ રીત છે. મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતાં પાઠની સંખ્યાની મર્યાદા નક્કી કરીએ છીએ, જેમ કે ૩૫ પાઠ કરવા. જપ મનમાં સતત ચાલ્યા કરે, તેથી તેની સંખ્યા નક્કી થતી નથી. માટે તે પુષ્ટિ રીત છે. પાઠમાં નિયમ છે. જપમાં પ્રેમ છે. પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી, મન અને શરીર પાઠ કરતાં થાક અને કંટાળો અનુભવે છે. પ્રેમપૂર્વક જપ કરતાં પ્રસન્નતા અનુભવાય છે.

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

(૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ ।

પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી.

(૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ ।

આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર શ્રીહરિનું જ શરણ વિચારવું.

(૩) અવિશ્વાસો નૈવ કર્તવ્ય ।

પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો.

(૪) ન લૌકિકઃ પ્રભુ કૃષ્ણઃ મનુતે નૈવ લૌકિકમ્ ।

પ્રભુ શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરવા સમર્થ એવા અલૌકિક છે. તેમનામાં ગંધમાત્ર પણ પ્રાકૃતપણું – લૌકિકપણું નથી. લૌકિક ભાવે કરેલી સેવાથી તેઓ પ્રસન્ન થતા નથી.

(૫) કૃષ્ણસેવા સદા કાર્યા ।

વૈષ્ણવે ક્ષણમાત્ર પણ ગુમાવ્યા વિના કૃષ્ણની સેવા કરવી જોઈએ.

(૬) ચેતસ્તત્પ્રવણં સેવા, તત્સિદ્ધયૈ તનુવિત્તજા ।

ચિત્ત પ્રભુમાં પરોવાય તેનું નામ સેવા. આવી સેવા પોતાના તન અને ધનનો સાથે વિનિયોગ કરવાથી થાય છે.

(૭) અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્ વર્જનમાચરેત્ ।

પ્રભુને અંગીકાર કરાવી ન હોય, તેવી બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

(૮) ભગવત્સેવાયામપિક્લિષ્ટં ન સમર્પયેત્ ।

લોકને, આત્માને અને મનને ક્લિષ્ટ લાગતા પદાર્થો પ્રભુને ન સમર્પવા.

(૯) ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત્કૃષ્ણમ્ ।

ઘરમાં જ રહી, વર્ણાશ્રમ ધર્મના પાલનપૂર્વક, તેમાં આવૃત્ત થયા વિના કૃષ્ણની સેવા કરવી.

(૧૦) વ્યાવૃત્તોપિ હરૌ ચિત્તં, શ્રવણાદૌ યતેત્સદા ।

ઘરમાં રહેવાથી જો ચિત્ત તેમાં આવૃત્ત રહે, તો પણ શ્રવણ-કીર્તન દ્વારા ચિત્તને પ્રભુમાં લગાડવાનો સદા પ્રયત્ન કરવો.

(૧૧) અભિમાનશ્ચ સંત્યાજ્યઃ સ્વામ્યધીનત્વભાવનાત્ ।

હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે એમ વિચારી અભિમાનનો ત્યાગ કરવો.

(૧૨) પ્રાર્થિતે વા તતઃ કિં સ્યાત્ સ્વામ્યભિપ્રાયસંશયાત્ ।

પ્રભુમાં શંકા લાવીને પ્રભુ પાસે કશું પણ માગવું નહિ.

(૧૩) ભાર્યાદીનાં તથાન્યેષામસતશ્ચાક્રમં સહેત્ ।

પત્ની વગેરે કુટુંબીજનો તથા નોકરોના બધા પ્રકારના દુર્વ્યવહારોને સહન કરવા. તેમનો તિરસ્કાર ન કરવો.

(૧૪) વિષયાક્રાન્તદેહાનાં નાવેશઃ સર્વથા હરેઃ ।

કામ, ક્રોધ, વગેરે વિષયોથી ગંદા શરીરમાં શ્રીહરિનો અનુભવ સર્વથા થતો નથી.

(૧૫) આપદ્​ગત્યાદિ કાર્યેષુહઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા ।

આપત્તિ આવી પડે ત્યારે કોઈ પણ વાતની હઠ ન કરતાં, તે વિવેકપૂર્વક છોડવી.

(૧૬) ત્રિદુઃખસહનં ધૈર્યમ્ ।

ત્રણે પ્રકારનાં – સર્વ દુઃખો ધીરજપૂર્વક સહન કરવાં.

(૧૭) સર્વં સહેત્ પરુષં સર્વેષાં કૃષ્ણ ભાવનાત્ ।

સર્વના અંતર્યામી શ્રીકૃષ્ણ જ પરોક્ષરૂપે ઉપદેશ આપે છે, તેમ વિચારી સર્વ પ્રકારની કઠોરતાઓ સહન કરવી.

(૧૮) કૃષ્ણે સર્વાત્મકે નિત્યં સર્વથા દીનભાવના ।

જડ-ચેતન સર્વમાં કૃષ્ણ છે, એમ વિચારી, સર્વત્ર ભગવદ્​બુદ્ધિ રાખવી. માન મેળવવાની ઇચ્છા ન રાખતાં, હમેશાં દીનતા રાખવી.

(૧૯) સર્વથા તદ્ ગુણાલાપં નામોચ્ચારણમેવ વા, સભાયામપિ કુર્વીત નિર્ભયો નિઃસ્પૃહસ્તતઃ ।

સર્વત્ર પ્રભુના ગુણગાન ગાવા અને નામોચ્ચાર કરવાં. તેમાં સંકોચ ન કરવો.

(૨૦) સાધનં પરમેતદ્ધિ શ્રીભાગવતમાદરાત્, પઠનીયં પ્રયત્નેન નિર્હેતુકમદંભતઃ ।

નિષ્કામભાવથી, દંભ રાખ્યા વિના, પરમ સાધન એવા શ્રીભાગવતનું નિત્ય આદરપૂર્વક પઠન કરવું.

(૨૧) તુલસીકાષ્ઠાજામાલા તિલકં લિંગમેવ તત્ ।

હમેશાં તુલસી-કાષ્ઠની માળા અને કંકુયુક્ત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં.

(૨૨) એકાદશ્યુપવાસાદિ કર્તવ્યં વેધવર્જિતમ્ ।

વેધરહિત (અરુણોદયે દશમી ન હોય) એકાદશી અને ચાર જયંતિ – કૃષ્ણ, વામન, રામ, નૃસિંહ – વ્રતો કરવાં.

(૨૩) તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં દ્રુતં ત્યજેત્ ।

આવી પડેલી મહા આપત્તિ પણ પ્રભુની લીલા છે, પ્રભુ સર્વ દોષો દૂર કરવા સમર્થ છે, તેમ વિચારી ચિંતાને તત્કાળ છોડી દેવી.

(૨૪) વૃથાલાપક્રિયાધ્યાનં સર્વથૈવ પરિત્યજેત્ ।

પ્રભુના સંબંધ વિનાનું બોલવું, ક્રિયા કરવી અને વિષયોનું ધ્યાન ધરવું – આ ત્રણેનો સર્વથા ત્યાગ કરવો.

​​

(૨૫) સ્મરણં, ભજનં ચાપિ ન ત્યાજ્યં ઇતિ મે મતિઃ ।

પ્રભુનું સ્મરણ અને સેવા પણ ન છોડવાં એવો મારો (શ્રીવલ્લભનો) અભિપ્રાય છે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી