વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક

[રાગઃ સારંગ ]

[ રચનાઃ શ્રીવ્રજાધિશજી]

વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક,

જહાં કુંજ કુસુમ રચિત બૈઠે હરિ રાધા ।

પ્રફુલ્લિત મુખ દોઉ બને અરગજા રંગ સારી પાગ,

મોતી ભૂષન સુભગ અંગ તૈસી હૈ રૂપ અગાધા ।।૧।।

વારવાર તટ હરે દ્રુમ ગજવર કમનીય કેલિ,

મૃદુ સુગંધ ફેલિ રહ્યો તરનિ તેજ ન બાધા ।।૨।।

જંત્રન જલ ફૂહિ પરત સુખદાયક સખી જહાં,

વ્રજાધીશ મધુરી તાન ગાવત સુર સાધા ।।૩।।

વૃંદાવનમાં શ્રીયમુનાજીનો વિશાળ પ્રવાહ છે. તેમાં કમળ ખીલ્યાં છે. એક મોટું નાવ છે. નાવને સુંદર રીતે શણગાર્યું છે. પુષ્પોની જાણે કુંજ રચી છે. તેમાં શ્રીહરિ અને રાધાજી બિરાજ્યાં છે. લલિતાજી નાવ ચલાવી રહ્યાં છે. અન્ય સખીજનો પંખો કરવાની સેવા કરે છે.

શ્રીયમુનાજીના બંને કિનારે મોટાં મોટાં વૃક્ષો ઊભાં છે, તેમના ઉપર સુગંધિત પુષ્પો ખીલ્યાં છે. એ પુષ્પોની મૃદુ સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. આવા સુગંધિત વાતાવરણમાં પ્રભુ યુગલસ્વરૂપે નાવમાં બિરાજી જલવિહાર કરી રહ્યા છે.

બંનેના મુખ ઉપર પ્રસન્નતા છે. મોતીનાં અને ફૂલનાં આભૂષણ સજ્યાં છે. બપોરનો સમય છે પણ નાવમાં પુષ્પોની એવી કુંજરચના કરી છે કે સૂર્યનો તડકો જલવિહારમાં બાધા કરી શકતો નથી. બંને સ્વરૂપોએ અરગજાઈ રંગના, ચંદનના રંગનાં વસ્ત્રો ધારણ કર્યાં છે. શ્રીરાધાજીએ સાડી ધરી છે અને શ્રીઠાકોરજીને પણ એ જ રંગની પાગ ધરી છે. બંને સ્વરૂપો મદમત્ત ગજરાજની જેમ સુંદર ક્રીડા કરી રહ્યાં છે. શ્રીયમુનાજીના શીતલ જલપ્રવાહમાંથી પવનની સાથે ઠંડી લહેરો આવી રહી છે. શીતલ જલનો જાણે છંટકાવ થઈ રહ્યો છે. ગરમીના દિવસોમાં જલનો છંટકાવ ઘણો સુખદાયક લાગે છે.

વ્રજાધીશજી મહારાજ આ નાવલીલાનાં દર્શન કરી, મધુરી તાન છેડી રહ્યા છે અને સારંગ રાગમાં કીર્તનગાન કરી રહ્યા છે. કીર્તન દ્વારા આપણને પ્રભુની લીલાનાં દર્શન કરાવી રહ્યા છે.

વ્રજભક્તોએ પ્રભુના સુખ માટે વિવિધ મનોરથો કર્યાં છે. આજે લલિતાજી વગેરે સખીઓએ નાવનો મનોરથ કર્યો છે. શ્રીયમુનાજીના જલમાં યુગલ સ્વરૂપને જલવિહાર માટે પધરાવ્યાં છે. બંને સ્વરૂપો પ્રસન્ન થઈને આ મનોરથ અંગીકાર કરી રહ્યાં છે.

આ ભાવનાથી જ આપણા મંદિરોમાં અને વૈષ્ણવોને ઘેર ઉષ્ણકાલમાં પ્રભુને નાવનો મનોરથ અંગીકાર થાય છે. શીતલ સામગ્રીનો ભોગ આવે છે. ફૂલના શૃંગાર ધરાય છે અને પ્રભુના પ્રસન્ન મુખારવિંદનાં દર્શન કરી ભક્તો પણ પ્રસન્ન થાય છે.

અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે

અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે ।

બારંબાર નિહારી કમલમુખ પ્રમુદિત મંગલ ગાવૈ ।।૧।।

લટકન ભાલ ભૃકુટિ મસિ બિંદુકા કઠુલા કંઠ સુહાવે ।

દેખિ દેખિ મુસકાઈ સાંવરો દ્વૈ દંતિયાઁ દરસાવૈ ।।૨।।

કબહુક સુરંગ ખિલૌના લૈ લૈ નાના ભાંતિ ખિલાવૈ ।

સદ્ય માખન મધુ સાનિ અધિક રૂચિ અંગુરિન કરકે ચટાવૈ ।।૩।।

સાદર કુમુદ ચકોર ચંદ જ્યોં રૂપ સુધારસ પ્યાવૈ ।

ચતુર્ભુજ પ્રભુ ગિરિધરનચંદકો હંસિ હંસિ કંઠ લગાવૈ ।।૪।।

ભાવાર્થઃ

ચતુર્ભુજદાસજી રચિત પલનાનું આ એક સુંદર પદ છે. યશોદામૈયા પોતાના લાલ બાલ-ગોપાલને પલનામાં પોઢાડી ઝૂલાવી રહ્યાં છે. પ્રભુનું કમલ જેવું સુંદર મુખકમલ વારંવાર નિહાળીને આનંદિત થઈ રહ્યાં છે. પ્રભુને ઝૂલાવતાં ઝૂલાવતાં મંગલ ગીતો ગાઈ રહ્યાં છે.

પલનામાં ઝૂલતાં બાલકૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતાં કવિ કહે છે કે તેમના ભાલપ્રદેશમાં (કપાળમાં) મોતીની લરો લટકી રહી છે. ભ્રમર ઉપર માતાએ કરેલું મસિબિંદુ (અંજનની શ્યામબિંદી) શોભી રહી છે. પોતાના લાલને નજર ન લાગે માટે માતાએ શ્યામ કાજળની એ બિંદી કરી છે. લાલનના કંઠમાં કઠુલા –મોતીની માળા, જેમાં સોનાની ચોકીની સાથે વાઘનખ જડેલો છે; તે શોભી રહ્યો છે.

માતાનાં હાલરડાં સાંભળી, માતા સામે જોઈ લાલન હસી રહ્યા છે. હસે છે ત્યારે એમની નાની નાની બે દંતૂડી (દાંત) દેખાય છે. માતા ઝૂલાવતાં ઝૂલાવતાં કોઈવાર વળી તાજું માખણ અને મધ ભેગા કરી આંગળી ઉપર લઈ ચટાડે છે. જેમ ચંદ્ર કુમુદ (રાત્રે ખીલતું કમળ) અને ચકોર (એક પક્ષી)ને પોતાના સુધારસનું પાન કરાવે છે તેમ અહીં શ્રીગિરિધરલાલ રૂપી ચંદ્ર માતાને પોતાને સ્વરૂપામૃતનું પાન કરાવે છે. ચતુર્ભુજદાસજી કહે છે કે ચંદ્ર જેવા સુંદર બાલકૃષ્ણને માતા હસતાં હસતાં પોતાના ગળે લગાડે છે અને તેમને વ્હાલ કરે છે.

શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ

(રચનાઃ ભક્તકવિ દયારામ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું.

મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦

કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦

મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦

કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે ખોયું,….જેણે૦

‘દયા’ના પ્રીતમજીશું પ્રીત નથી જેને, માતપિતા નામને વગોવ્યું…..જેણે૦

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi]

(રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી)

શ્યામ રંગ સમીપે ન જાવું મારે,
આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સહુ એક સરખું,
સર્વમાં કપટ હશે આવું… મારે૦
કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને,
કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦
નીલાંબર કાળી કંચુકી ન પહેરું,
જમુનાના નીરમાં ન નહાવું… મારે૦
મરકત મણિ ને મેઘ દ્રષ્ટે ન જોવા,
જાંબુ વંત્યાક ના ખાવું… મારે૦
‘દયા’ ના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો,
પણ મન કહે છે પલક ના નિભાવું… મારે૦

સાચા સગા છો શ્રીનાથજી

સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે,

સાચા સગા છો શ્રીનાથજી… (૧)

બીજું સગું તે સૌ મુખથી કહેવાનું,

દુઃખમાં નહિ આવે કોઈ સાથજી… સોહાગી. (૨)

અખિલ બ્રહ્માંડના ઈશ છે એ મહાપ્રભુ,

જગતની દોરી જેને હાથજી… સોહાગી. (૩)

એ પ્રભુને છોડી બીજે જયાં જયાં ભટકવું,

ત્યાં ત્યાં ધુમાડાના બાથજી… સોહાગી. (૪)

‘ગોપાલલાલ’ એમના ચરણમાં જવાને,

શરણે પડયો છું અનાથજી… સોહાગી. (૫)

વાંકે અંબોડે શ્રીનાથજીને

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ,
શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧)
પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર,
પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨)
કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર,
ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩)
હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં પાર,
અધર બિંબ એ રસિક છે, ઝળકે તે જ્યોત પ્રકાશ. (૪)
બાંહે બાજુબંધ બેરખા, હરિના ખીંટળિયાળા કેશ,
નિરખ્યા ને વળી નિરખશું, એનો પાર ના પામે શેષ. (૫)
ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટિ મધ્ય હાથ,
કૃપા કરો શ્રીનાથજી, મ્હારા હૈડાં તે ટાઢા થાય. (૬)
પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીના હાર,
કૃપા કરો શ્રીનાથજી બલિહારી તે માધવદાસ. (૭)
માધવદાસ કહે હરિ, મારું માગ્યું આપો ને મહારાજ,
વળી વળી કરું વિનતી, મને દેજો ને વ્રજમાં વાસ. (૮)

ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ

‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો,

તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો;

પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’

આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ

‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત ગાગરીમેં.’

એક પનિહારી માથા ઉપર પાણીનું બેડું ભરીને આવતાં

સખી-સાહેલીઓ સાથે રસમય વાતો કરતી ચાલે,

પણ તેનું ચિત્ત માથા ઉપરના બેડામાં જ હોય છે.

તેથી હલનચલન થવા છતાં બેડું પડી જતું નથી.

આમ, આપણે પણ સંસારના સર્વ વ્યવહારો કરતાં કરતાં,

આપણું ચિત્ત પ્રભુમાં સ્થિર રાખી, ગોવિંદને ભજીશું તો જરૂર ગોવિંદ મળશે.

શ્રી દયારામભાઈ ગાય છેઃ

‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રીકમજીશું તાળી.’

શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો.

એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા. તેઓ તેમની સાથે મંદિરમાંથી સોનાની નાની વાડકી લઈ આવ્યા. તેમણે નરોને કહ્યુઃ ‘નરો, મને દૂધ આપ.’

‘મહારાજ ! આ વાડકી તો નાની છે. આમાં કેટલું દૂધ માશે?’

શ્રીજીબાવાએ કહ્યુઃ ‘તું મને આપ્યા કર અને હું પીધા કરીશ.’

નરો વાડકીમાં દૂધ રેડે છે અને શ્રીજીબાવા આરોગે છે. શ્રીજીબાવા તે વાડકી ત્યાં જ મૂકીને પાછા મંદિરમાં પધાર્યા.

નરો બીજા દિવસે મંદિરે ગઈ ત્યારે તે સોનાની વાડકી સાથે લઈ ગઈ. તેણે કહ્યું, ‘શ્રીજીબાવા સોનાની વાડકી લઈને આવ્યા હતા અને દૂધ પીને વાડકી મારે ઘેર મૂકીને ગયા છે. તે પાછી લો.’

આ સાંભળી બધા સેવકો આશ્ચર્ય પામ્યા.

શ્રીજીબાવા આજે પણ પોતાના વૈષ્ણવો પાસે પ્રેમથી માગીને આરોગે છે. તમે તેમને મિસરીનો ભોગ ધરશો?

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી

શૃંગાર સન્મુખનું પદ

રચનાઃ શ્રીકૃષ્ણદાસજી

રાગઃ આસાવરી

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી,

બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧)

મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ,

‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨)

ભાવાર્થઃ

એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે સખી, હું કૃષ્ણનાં દર્શન કરતાં અટકી ગઈ. મને કૃષ્ણદર્શનનું એવું વ્યસન લાગી ગયું કે મસ્તકે જમુનાજલની મટકી મૂકીને હું વારંવાર પનઘટ પર આવવા લાગી. (૧)

ત્યાં શ્રીમદનમોહનલાલનાં દર્શન થતાં, ત્યારે તેમના રૂપસુધાસાગરનું પાન હું ગટક-ગટક કરતી. કૃષ્ણદાસજી કહે છે, આવાં રાધિકાજીને ધન્ય છે, જેમણે પ્રભુ સાથેના પ્રેમને લઈને દુનિયાની સર્વ લાજ-શરમ ફેંકી દીધી છે. (૨)

ગોવિંદ માગત હૈ દધિરોટી

કલેઉનું પદ

(ભક્ત કવિ શ્રીપરમાનંદદાસજી)

(રાગ-બિભાસ)

ગોવિંદ માગત હૈ દધિરોટી

માખન સહિત દેરી મેરી જનની શુભ સુકોમલ મોટી ।। ૧ ।।

જો કછુ માંગો સો દેહુ મોહન કાહેકો આંગન લોટી ।।

કર ગ્રહી ઉછંગ લેત મહનારી હાથ ફિરાવત ચોટી  ।। ૨ ।।

મદનગોપાલ શ્યામઘન સુંદર છાંડો યહ મતિ ખોટી ।।

‘પરમાનંદદાસ’  કો  ઠાકુર  હાથ  લકુટિયા  છોટી ।। ૩ ।।

ભાવાર્થઃ પરમાનંદદાસજી કહે છેઃ ‘શ્રીગોવિંદપ્રભુ જાગીન કલેઉ કરવા માટે માતા પાસે દહીં અને રોટી માગે છે.’ તેઓ કહે છેઃ ‘હે મૈયા, મને ઉજ્જવળ અને સુકોમળ એવી મોટી રોટી માખણ સાથે આપો.’

માતાને આપતાં વાર લાગે છે, ત્યારે પ્રભુ આંગણામાં રડતાં આળોટે છે. માતા તેમને સમજાવતાં કહે છેઃ ‘હે લાલ, તમે જે માગો તે બધું હું આપીશ, પરંતુ તમે આમ આંગણામાં કેમ લોટો છો ?’ માતા પ્રભુનો હસ્ત પકડી, પોતાના ખોળામાં (ઉછંગ) લઇ, તેમના વાળમાં હાથ ફેરવતાં વહાલથી શિખામણ આપે છેઃ ‘હે શ્યામઘન મદનગોપાલ, તમે તો હવે હાથમાં નાની લકુટી લઇ ગૌચારણ માટે પધારો છો, ત્યારે આમ રડો તે તમને ન શોભે.’

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી